હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.
અશોક ચાવડા 'બેદિલ'
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કૈલાસ પંડિત
કૈલાસ પંડિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 8, 2020 at 4:18 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, શેર
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…
– કૈલાશ પંડિત
જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..
Permalink
September 14, 2018 at 1:46 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભડભડ બળતું શહેર હવે તો
ખુલ્લું પડતું શહેર હવે તો
સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં
એને નમતું શહેર હવે તો
દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં?
ભૂલું પડતું, શહેર હવે તો
ખાંસી ખાતી લોકલ એમાં
ધક્કે ચડતું શહેર હવે તો
ભીંત રચી સહુ ચાલે ભેગા
ટોળે વળતું શહેર હવે તો
લાશ ઊઠાવી ખુદની ખાંધે
રોજ નીકળતું શહેર હવે તો
– કૈલાસ પંડિત
દરિયો અને લોકલની વાત પરથી સમજી શકાય છે કે કૈલાસ પંડિત મુંબઈની વાત કરે છે પણ આજની તારીખે આ ગઝલ બધા જ શહેરની આત્મકથા નથી?
Permalink
February 21, 2017 at 8:50 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ…
કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ…
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ…
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ…
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…
– કૈલાસ પંડિત
આ શાયર અંગત રીતે મને બહુ ગમતા શાયર છે. કદાચ વિવેચકો તેમને બહુ માર્ક્સ ન આપે એવું બને પણ તેઓ જે રીતે દર્દને સચોટ રજૂ કરે છે તે રીતમાં એક નિર્ભેળ સચ્ચાઈ દેખાય છે. વિષયવૈવિધ્ય તેઓનું સબળ પાસું કદાચ ન પણ હોય પરંતુ જે લખ્યું છે તે સીધું દિલથી નીકળ્યું છે !
Permalink
December 21, 2016 at 2:10 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ભરત વિંઝુડા, મુક્તક, યાદગાર મુક્તકો, રાજેન્દ્ર શુક્લ
હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !
– રાજેન્દ્ર શુક્લ
પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
– કૈલાસ પંડિત
સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.
એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !
-ભરત વિંઝુડા
કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…
Permalink
February 3, 2014 at 3:18 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,
ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.
સરખા થવાની વાત તો આકાશમાં રહી,
ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.
ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !
સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.
ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,
તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.
અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,
શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.
– કૈલાસ પંડિત
Permalink
May 27, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગીત
હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
– કૈલાશ પંડિત
આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….
Permalink
January 21, 2013 at 7:26 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું
‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
– કૈલાસ પંડિત
A timeless classic…..
Permalink
October 4, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
– કૈલાસ પંડિત
આ ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ નવાઈ… 🙂
Permalink
April 21, 2011 at 8:36 PM by ધવલ · Filed under કૈલાસ પંડિત, તઝમીન, નિર્મિશ ઠાકર
(મૂળ શે’ર)
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો
– કૈલાસ પંડિત
કવિનું આત્મચિંતન
શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો
* * *
(મૂળ શે’ર)
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો
– કૈલાસ પંડિત
ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…
જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !” કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો
* * *
(મૂળ શે’ર)
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં
– કૈલાસ પંડિત
લેખક દ્વારા વિવેચકને માન (?)
ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં
– નિર્મિશ ઠાકર
મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.
Permalink
April 14, 2011 at 10:10 PM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.
એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.
એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.
ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.
ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.
ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.
– કૈલાસ પંડિત
ફોનના નંબર સમા માણસ- ની વાતમાં મને તો સાચે જ મજા આવી ગઈ. ફોનની જેમ જ signal full હોય તો connection તરત મળી જાય, પણ ક્યારેક connection મળે તો યે કાં તો call-waiting પર ring જ વાગ્યા કરે અથવા તો answering machine પર ચાલી જાય અથવા તો પછી signal busy જ આવ્યા કરે… શું થાય, કામમાં બહુ કામમાં છે માણસો… 🙂
Permalink
October 28, 2010 at 10:35 PM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, મુક્તક
એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !
-કૈલાસ પંડિત
Permalink
October 26, 2009 at 11:00 AM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત
આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !
Permalink
June 11, 2009 at 1:00 AM by વિવેક · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.
ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.
મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
– કૈલાસ પંડિત
આજે કૈલાસ પંડિતની એક ખૂબ જાણીતી ગઝલ… બસ એમ જ ધીમે ધીમે મમળાવીએ…
Permalink
June 13, 2007 at 2:00 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
– કૈલાસ પંડિત
શ્રી. મનહર ઉધાસે બહુ જ સરસ સ્વરરચનામાં આ ગઝલ ગાઇ છે.
Permalink
April 30, 2007 at 4:20 PM by ધવલ · Filed under કૈલાસ પંડિત, મુક્તક
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
– કૈલાસ પંડિત
Permalink
April 19, 2007 at 1:00 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.
તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.
ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.
પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.
– કૈલાસ પંડિત
ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.
Permalink
April 11, 2007 at 11:25 AM by સુરેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
– કૈલાસ પંડિત
ગમગીનીની ગઝલો જેમને વધારે સદતી હતી તેવા આ ઋજુ હૃદયના કવિનું જીવન પણ ગમથી ભરેલું હતું. તેમની આ રચના શ્રી. મનહર ઉધાસના કંઠે સાંભળતાં આપણે પણ એ માહોલમાં ખેંચાઇ જઇએ છીએ.
Permalink