ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !
સુરેશ દલાલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2018

(જખમ લઈને) – બરકત વીરાણી ‘બેફામ’

ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!

ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી?
ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને.

વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે?
જીવું છું કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને?

અજાણી વાટે એક કરતાં ભલા બે – એમ સમજી ને ,
હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને.

હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી,
હું આવ્યો’તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને.

મેળે સાચો કોઈ દાતાર તો એને જ આપી દઉં,
હું ભટકું ક્યાં સુધી આ માગનારાની શરમ લઈને?

જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો,
કે દુનિયામાં ન જાશો કોઈ માનવનો જનમ લઈને.

કલમને વેચી દેવાનોય આવે છે વખત બેફામ,
બહુ કપરું છે જીવન જીવવું કરમાં કલમ લઈને.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (6)

ઓળધોળ ડહોળાતાં કારણ – સંજુ વાળા

સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ
છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે
ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

ઊંડે રે ઊંડે થી સંભળાતી શરણાયું
ધ્રિબાંગ – ધ્રિબાંગ મન નાચે
આડશમાં બારણાની ઊભી રહી એકલડી
કોરાકટ કાગળિયા વાંચે
ખરબચડાં સ્પંદનમાં છળી ઊઠી છાતી તે
ઝરમરતો આરપાર શ્રાવણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ

તોફાને ચડ્યું હોય અષાઢી આભ
એન મનમાં રઘવાટ ના મા’તો
ડેલીની ભીડેલી ભોગળને કોણ જાણે
આંખ સાથે કેવો છે નાતો
બારસાખે ચોડેલા ચાકળાનાં આભલાંમાં
છલ્લોછલ છલકાતાં કામણ
સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ.

-સંજુ વાળા

પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ યે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ-પ્રેમીની લક્ષ્મી તેહ બધી……- કલાપી યાદ આવી જાય…..

Comments (3)

નેક્સ્ટ, પ્લીઝ – ફિલિપ લાર્કિન (અનુ. વિવેક મનહર ટેલર)

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી
લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી.
કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ
ત્યાં લગ આપણે કહીએ એમ જ,

ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા
વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા.
કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની,
ના જ પડતા જલ્દબાજીની!

વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ
નિરાશાઓના ડંઠલ, કારણ કે, છોડી નહીં જાય ખસૂસ
કંઈ પણ મોટા આગમન, જે પિત્તળના શણગારે ઝૂક્યાં,
એક-એક દોરડાં ભિન્ન સર્વથા,

ધજા-સુશોભિત, મોરા પર સ્વર્ણડીંટડીયુક્ત પ્રતિમા સાથે
વહાણ આવે વળાંક લઈને અમ તરફે પણ, કદી ન લાંગરે;
એ તો ઘડીમાં વર્તમાનકાળ મટી જઈને મારશે ઠેક
ભૂતકાળમાં. અંત સુધી છેક,
આપણે એ જ વિચારીએ કે દરેક અટકશે ને ઉતારશે
બધું જ સારું જીવનમાં આપણા, બધું જે આપણું દેવાદાર છે
આટલા ભક્તિભાવથી અને આટલી લાંબી પ્રતીક્ષા કાજે.
પણ ખોટા છીએ આપણે આજે:

ફક્ત એક જ જહાજ આપણને શોધે છે, એક અજાણ્યું
કાળા સઢવાળું, પોતાની પૂંઠે-પૂંઠે ખેંચી રહ્યું
એક વિરાટ ને પક્ષીહીન મૌન. એની પૂંઠે જલ જાણે સ્થલ-
ના કપાય, ના કોઈ હલચલ.

– ફિલિપ લાર્કિન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આપણે બધા કાલના માણસો છીએ. જીભ ભલેને સૌની ‘કાલ કોણે દીઠી છે?’ કે પછી ‘Carpe Diem’ (આજમાં જીવો) કેમ ન બોલતી હોય, આંખ જે સૂરજ હજી ઊગ્યો નથી એના પર જ મંડાયેલી રહે છે. સોનેરી ભવિષ્યની આશા કદી મરતી નથી. ભવિષ્ય માટેની આપણી વધુ પડતી ‘આતુરતા’ અને અપેક્ષાઓ રાખવાની ‘ખરાબ આદત’ના લઈને આપણને ‘વાયદાઓના કાફલા’ આપણી તરફ ‘હંમેશા’ આવતા નજરે ચડે છે પણ આપણી અધીરતા સન્મુખ તેઓ ‘કેટલા ધીમા’ છે! આપણા જીવનમાં લાંગરવા માટે આ વચનોના જહાજો પાસે કોઈ ‘લંગર’ છે જ નહીં, કંઈ હોય તો માત્ર ‘નિરાશાના ડંઠલ’. આવતીકાલની રાહ જોવામાંને જોવામાં આપણે આજને માણવાનું ‘કાયમ’ ચૂકી જઈએ છીએ. આજ તરફ આપણું ધ્યાન જાય એ પહેલાં તો એ ગઈકાલ બની ચૂકી હોય છે. જિંદગીની ગાડીમાં ‘આજ’ના ડબ્બાની મજા લૂંટી લેવાને બદલે આપણે ‘આવતીકાલ’ના સ્ટેશનની રાહ જોયે રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે આ ગાડીના નક્શામાં એક જ સ્ટેશન છે અને તે છે –મૃત્યુ!

*
Next, Please

Always too eager for the future, we
Pick up bad habits of expectancy.
Something is always approaching; every day
Till then we say,

Watching from a bluff the tiny, clear
Sparkling armada of promises draw near.
How slow they are! And how much time they waste,
Refusing to make haste!

Yet still they leave us holding wretched stalks
Of disappointment, for, though nothing balks
Each big approach, leaning with brasswork prinked,
Each rope distinct,

Flagged, and the figurehead with golden tits
Arching our way, it never anchors; it’s
No sooner present than it turns to past.
Right to the last

We think each one will heave to and unload
All good into our lives, all we are owed
For waiting so devoutly and so long.
But we are wrong:

Only one ship is seeking us, a black-
Sailed unfamiliar, towing at her back
A huge and birdless silence. In her wake
No waters breed or break.

– Philip Larkin

Comments (2)

કેટલા વરસો – કુતુબ ‘આઝાદ’

નશીલી છે નજર તો પણ નજર એ કેટલા વરસો,
છે પોલાદી જિગર તો પણ જિગર એ કેટલા વરસો.

અમારું ઘર ગણી જે ઘર મહીં વસવાટ કીધો છે,
નહિ ખંડેર જેવું થાય ઘર એ કેટલા વરસો.

જીવનની પાત્રતાનો મિત્ર! તે શો અર્થ કર્યો છે,
સફર લાંબી કે ટૂંકી પણ સફર એ કેટલા વરસો.

રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.

મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.

કબર ‘આઝાદ’ આરસથી કે સોનાથી મઢાવો પણ,
ટકી રહેશે આ દુનિયામાં કબર એ કેટલા વરસો.

-કુતુબ ‘આઝાદ’

વિન્ટેજ વાઇન !

Comments (4)

(અનુસંધાનમાં) – નિનાદ અધ્યારુ

એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !

આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !

એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !

સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !

જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !

ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !

આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !

ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?

યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.

– નિનાદ અધ્યારુ

કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. ખરું ને? લગભગ બધા જ શેર મરીઝ જેવી જ સાવ સરળ અને સહજ બાનીમાં પણ મોટાભાગના શેર અર્થસભર. કાથો પાનમાં રંગ પકડે એ વાત તો શિરમોર…

Comments (16)

સખી, આંખોનું આયખું તો કેટલું ? – તુષાર શુક્લ

સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તું ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરી ને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી

સખી, સોણલાનું આયખું તો કેટલું ?
ઝીણા ઝાકળમાં સૂર્ય હશે એટલું !

આંખો ને સોણલાને પળનો સંબંધ
તો ય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી

વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું ?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

સખી, આંખોનું આયખું તો કેટલું ?

– તુષાર શુક્લ

 

હું તો પ્રથમ ચરણથીજ ઘાયલ થઈ ગયો…..

Comments (10)

નવી મહાપ્રતિમા – એમા લેઝારસ (અનુ. વિવેક મનહર ટેલર)

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. એ પ્રતિમા વિજયનો ગર્વટંકાર હતી, આ પ્રતિમા પ્રેમનો વિશ્વાવકાર છે…

આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.

*

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

Comments (3)

(શંકા નથી) – રમેશ શાહ

એક તો વિચાર એ નિર્બંધ છે, શંકા નથી,
માનવીને માનવીની ગંધ છે, શંકા નથી.

ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે,
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી.

દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.

ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી.

– રમેશ શાહ

મજાની ગઝલ છે, શંકા નથી…

Comments (2)

(ઉત્સવ કોઈ) – રઈશ મનીઆર

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?

પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ

ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ

રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?

છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ

બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ

જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!

પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ

– રઈશ મનીઆર

એક-એક શેર પાણીદાર… પાલવ, પગરવ, શૈશવ અને યાદવ તો શિરમોર…

Comments (7)

નામ લખીને – મુકેશ જોષી

નામ લખીને તારું એની આજુબાજુ
કૂંડાળાં કરવાની મુજને ટેવ પડી છે
અને પછી કૂંડાળાંની ખાલી જગ્યામાં
ડૂસકાંઓ ભરવાની મુજને ટેવ પડી છે.

તારી માંહે સૂરજ જેવું કંઈક ચળકતું એવું કે
મુજ છાતીમાંની ધરતી જોને ચાકગતિથી ફરતી
અને પછી મુજ આંખોનાં બદલાતાં જાતાં
નક્ષત્રોની ગતિ ઉપરથી સ્વપ્નાંઓની રાશિ પડતી
આભ લખીને તારું એની આજુબાજુ
તારા થઈ ખરવાની મુજને ટેવ પડી છે … નામ લખીને-

તને સ્પર્શવા હાથ મહીંની રેખા લઈને દોડું તોય
મને ઘેરતા વલયકોશને કેમ કરીને તોડું
તારી મારી વચ્ચે રહેતા અંતરની ત્રિજ્યાઓ લઈને
કેટકેટલા જન્મોના હું ગોળ-ગોળ નિસાસા દોરું
આગ લખીને તારી એની આજુબાજુ
ઘાસ થઈ બળવાની મુજને ટેવ પડી છે … નામ લખીને-

– મુકેશ જોષી

Comments (7)

તને યાદ છે? મને યાદ છે! – રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને ઘેરાતી રાત મને યાદ છેઃ
ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઊઘડતી હોઠમાં ને થાતું પ્રભાત મને યાદ છે:
થાતું પ્રભાત તને યાદ છે?

ખરબચડું લોહી થતું રુંવાટીદાર
એવું ચોમાસું ચાર ચાર નેણનું
ધોધમાર પીંછાંનો પડતો વરસાદ
ગામ આખ્ખું તણાઈ જતું વેણનું
છાતીની ઘુમ્મરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક ખોવાતી જાત મને યાદ છે:
ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સુસવાટે હવે રાતના
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના
આવેલું સમણું પણ અવસર થઈ જાય એવા દિવસોની વાત મને યાદ છે:
એવા દિવસોની વાત તને યાદ છે?

– રમેશ પારેખ

 

કોઈપણ શબ્દ વાપરું આ ગીત ઉપર બે વાતો લખવા તો તે વામણા જ પડવાના…..આ ગીતને તો મમળાવ્યા જ કરવું એ જ એનો ખરો રસાસ્વાદ…..

Comments (3)

એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર (અનુ. વિવેક મનહર ટેલર)

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે…

*

An Old Woman
An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls

with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

Comments (4)

અમને શું ફેર પડે બોલો ?- કૃષ્ણ દવે

ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?

વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?

– કૃષ્ણ દવે

ક્ષેત્ર કોઈ પણ હોય, નવોદિતોનો પ્રવેશ સતત ચાલુ જ રહેવાનો અને એક તરફ નવોદિતોને પોતાનું મહત્ત્વ સાબિત કરવાની ચાહ હોય તો બીજી તરફ જૂના જોગીઓ નવા નિશાળિયાંઓને નીચા ઊતારી પાડવાની એકેય તક જતી કરવા તૈયાર નથી હોતા… પણ જે ભીતરના સત્વથી સુપેરે પરિચિત હોય છે એને દુનિયાના ત્રાજવાના માપતોલથી કોઈ ફરક પડતો નથી. દુનિયા એને સોનાના ત્રાજવે તોલે કે ઢેફુ ગણીને ફેંકી દે, એ હરફન-મૌલા નિજાનંદમાં જ મસ્ત રહેવાનો. એ કોઈ ગોદફાધરની આંગળી પકડીને આવ્યો નથે એટલે એને રાહ ભૂલવાનો ડર નથી. ભલે એને જોઈને કોઈ દરવાજા વાખી દે કે કોઈ બારી ખોલીને આવકારે. એ તો એવી છીપ છે જે કોઈ મરજીવો એના તળ સુધી પહોંચે તો જ પોતાનું મોતી ધરે…

Comments (7)

(અનિલ ફિનિક્સ છે) – અનિલ ચાવડા

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે

મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.

કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!

મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.

સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’

– અનિલ ચાવડા

ભાષા વહેતી નદી જેવી છે… એક બાજુ એ સતત વહેતી રહે છે તો બીજી તરફ જે કંઈ નાળાં-વેકળા એમાં ભળે એ તમામને ખુદમાં સમાવીને આગળ વધે છે… અંગ્રેજી ભાષા આપણી ભાષાના સમાંતરે ચલણમાં આવી પરિણામે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ પણ વધતો ગયો… ફળસ્વરૂપ આવી મજાની ગુજલિશ ગઝલો…

Comments (5)

નખ – મનોજ ખંડેરિયા

ક્યાંક ને ક્યાંક પણ કળાયો નખ
જંગલોથી નગર છવાયો નખ

ઐતિહાસિક સમયના જખ્મોમાં –
માનવીનો જ ઓળખાયો નખ

દોસ્ત, ભ્રમણાની નખલી તૂટી ગઈ,
વાદ્યના તારથી ઘવાયો નખ

એમ છૂટા થવું પડ્યું અહીંથી –
સાવ કાચો કૂણો કપાયો નખ

આ ઉઝરડાના શિલ્પ- સ્થાપત્યે-
ક્યા કલાકારનો છુપાયો નખ ?

એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ

કોઈને રાવ કરવી કઈ રીતે ?
વસ્ત્રમાં ખુદનો જ્યાં ભરાયો નખ

આમ ખુલ્લે પગે નહીં નીકળ !
માંડ વરસો પછી રુઝાયો નખ

કાવ્ય, કાગળ ઉપરનાં નખચિત્રો !
નોખી નમણાશથી છપાયો નખ

– મનોજ ખંડેરિયા

કવિની વિષયપસંદગી તો જુઓ !!!!!

Comments (3)

રહેવું છે….. – ‘ગની’ દહીંવાળા

મંઝિલની અડગતા, પંથીનો નિરધાર બનીને રહેવું છે,
સો વાર મહોબ્બતમાં બગડી એક વાર બનીને રહેવું છે.

ફરિયાદ, જીવનનાં અંત સુધી ભગ્નાશ હૃદયને કરવા દો !
ખામોશ બની જાતાં પહેલાં પોકાર બનીને રહેવું છે.

ધનભાગ્ય જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં,
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.

જ્યાં પ્રેમનો પાલવ પથરાયો, ત્યાં ડાઘ પડ્યા બદનામીના,
સંસારની છાની વાતોને ચકચાર બનીને રહેવું છે.

હંમેશનાં રોતલ નયનોને એક વાર હસાવી તો જાણો !
ઝાકળને ઘડીભર પુષ્પોનો આકાર બનીને રહેવું છે.

એક કંપ ગગનમાં છાનો છે, ભય સૌને ખરી પડવાનો છે
પ્રત્યેક સિતારાને મારો આધાર બનીને રહેવું છે.

નેકીને બદીમાં અટવાતું, જોયું છે ‘ગની’ જીવન તારું,
સૂફીને સલામો ભરવી છે, મયખાર બનીને રહેવું છે.

– ‘ગની’ દહીંવાળા

Comments (2)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો – એન્ટૉનિયો મકાડો (અનુ. વિવેક મનહર ટેલર)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને જે મેં ક્યારેય પીધું નથી?

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.

– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.

ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’

*
Last night when I was sleeping

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.

– Antonio Machado
(Trans: Vivek Manhar Tailor)

Comments

ડેફોડિલ્સને – રૉબર્ટ હેરિક (અનુ. વિવેક મનહર ટેલર)

પ્રિય ડેફોડિલ્સ, અમે રડીએ એ જોઈ
ઝટ જવાની તમારી દોડ;
કેમકે આ ચડતા સૂર્યનું ભ્રમણ
હજીય પામ્યું ના એની બપોર.
થોભો, અટકો,
જ્યાં લગ આ દિવસ ઉતાવળો
દોડે પણ
આંબે ન કમ સે કમ સાંધ્ય-ગીત;
ને, સાથે જ પ્રાર્થનામાં જાતને પ્રોઈ,
આપણ સાથે જ જઈશું રે મીત.

તમારી પેઠે જ નથી ઝાઝો સમય
ને છે ટૂંકી અમારીયે વસંત;
તમારી જેમ જ ઝડપી છે વૃદ્ધિ
ને ઝડપી અમારોયે અંત.
અમેય મરીએ
સમય તમારો, કે કંઈ પણ મરે જે રીતે,
ઉનાળુ વૃષ્ટિ
પેઠે અમે પણ સૂકાઈ જઈએ ત્વરિત;
કે પછી પ્રભાતી ઝાકળના મોતીની જેમ જ
જડીએ ન ક્યારેય ખચીત.

– રૉબર્ટ હેરિક
(અનુ. વિવેક મનહર ટેલર)

*
સુખી થવાની સૌથી અગત્યની રીત કઈ? તો કે આજમાં જીવો. ભૂતકાળના પડછાયા અને ભવિષ્યકાળના અંદેશા માણસના તકિયા પરથી ઊંઘ ચોરી લે છે. જે માણસ થઈ ગયેલા સૂર્યોદય અને આવનારા સૂર્યાસ્તની વચ્ચેની ધૂપછાંવનો જીવ છે એ જ સુખી છે. ‘આજની વાતો આજ કરે ને કાલની વાતો કાલ’ (મકરંદ દવે) કરનારને ઊંઘવા માટે કદી ગોળી લેવી પડતી નથી. ઇસુ પહેલાં એટલે આજથી લગભગ એકવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલ લેટિન કવિ હોરસ એના સંગ્રહ ‘ઑડ્સ’ની એક કવિતામાં Carpe Diem (કાર્પે ડિએમ), અર્થાત્ ‘આજમાં જીવી લો’, ‘આજને ચૂંટી લો’ કહે છે.

આ કવિતા વહી જતી ક્ષણમાં સ્નાન કરી લેવાની કવિતા છે. સમયનો સ્વ-ભાવ છે કે એ રહે નહીં, વહે. આપણું જીવન સમયના આ ‘રહે’ અને ‘વહે’ની વચ્ચેના કૌંસમાં છે. જેમ વિદ્યા વાપરવાથી વધે છે એમ સમયના સોનાની કિંમત પણ વાપરો એમ વધે છે. ડેફોડિલના ફૂલના અલ્પ આયુષ્યને રૂપક બનાવીને કવિ મજાની કાર્પે ડિએમ કવિતા આપણને આપે છે. આજમાં જીવી લો… કલ હો ન હો…

*

To Daffodils

Fair Daffodils, we weep to see
You haste away so soon;
As yet the early-rising sun
Has not attain’d his noon.
Stay, stay,
Until the hasting day
Has run
But to the even-song;
And, having pray’d together, we
Will go with you along.

We have short time to stay, as you,
We have as short a spring;
As quick a growth to meet decay,
As you, or anything.
We die
As your hours do, and dry
Away,
Like to the summer’s rain;
Or as the pearls of morning’s dew,
Ne’er to be found again.

– Robert Herrick

Comments (3)

ગઝલ – રાહુલ શ્રીમાળી

વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.

અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.

ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.

જાગતી’તી એય મારી સાથમાં,
રાત કોની યાદમાં રાચી હતી?

આપણે ક્યાં કંઈ બીજું કંઈ માગ્યું હતું?
માત્ર મોસમ મ્હેકતી યાચી હતી.

– રાહુલ શ્રીમાળી

ગાલિબને નવ સંતાન થયાં. એક પણ પુખ્ત વય સુધી પહોંચી ના શક્યું. મા-બાપના કલેજા પર કેવી આરી ચાલી હશે!? આવી જ વાત આ મજેદાર ગઝલનો મત્લા આપણી સામે લઈ આવે છે. શબ્દ કળા કરે તો એક જ શબ્દમાંથી નિતનવા અર્થ જન્મી શકે એ વાત પણ કવિએ કેવા મજાના અંદાજમાં રજૂ કરી છે! તરસ તીવ્ર થાય તો જ પાણીની ખરી કિંમત સમજાઈ શકે. ચાતક જ વરસાદના ટીપાનો ખરો મોલ કહી શકે. જિંદગીભર ઝાંઝવાની પાછળ દોડનાર જ સાચી સફળતા સમજી શકે. આખરી શેર પણ સરળ અને મજાનો થયો છે પણ હાંસિલે-ગઝલ શેર તો રાતવાળો થયો છે. કો’કની વાલમ વેરીની યાદમાં રાતના થતા ઉજાગરાને કવિ રાત પણ પોતાની જેમ જ જાગે છે એમ કહીને અદભુત કવિકર્મ કરે છે…

પ્રથમ ગઝલસંગ્રહ “રાતવાસાના નગરમાં”નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે…

Comments (3)

કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઈ અમને, કાં મળે ના કાંઈ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઈ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (3)