આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
રમેશ પારેખ

(જખમ લઈને) – બરકત વીરાણી ‘બેફામ’

ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!

ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી?
ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને.

વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે?
જીવું છું કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને?

અજાણી વાટે એક કરતાં ભલા બે – એમ સમજી ને ,
હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને.

હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી,
હું આવ્યો’તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને.

મેળે સાચો કોઈ દાતાર તો એને જ આપી દઉં,
હું ભટકું ક્યાં સુધી આ માગનારાની શરમ લઈને?

જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો,
કે દુનિયામાં ન જાશો કોઈ માનવનો જનમ લઈને.

કલમને વેચી દેવાનોય આવે છે વખત બેફામ,
બહુ કપરું છે જીવન જીવવું કરમાં કલમ લઈને.

– બરકત વીરાણી ‘બેફામ’

6 Comments »

  1. Shivani Shah said,

    January 31, 2018 @ 4:37 AM

    વાહ કવિ !

  2. SARYU PARIKH said,

    January 31, 2018 @ 9:00 AM

    વાહ! કવિ.
    હું પણ એ જ કહીશ.
    સરયૂ પરીખ

  3. praheladbhai prajapati said,

    January 31, 2018 @ 9:23 AM

    દુખિ જિવનનિ સુન્દર વ્ય થા

  4. Pravin Shah said,

    January 31, 2018 @ 9:34 AM

    વાહ, બરકતભાઈ !

    તમારી ખોટ સાલૅ ચ્હે.

  5. સુરેશ જાની said,

    January 31, 2018 @ 1:25 PM

    ગુજરાતના સદા અમર કવિ.

    ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
    ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!

    ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી?
    ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને.
    ———–
    આવી જ વ્યથા આદિલજીના આ શેરમાં વ્યક્ત થયેલી યાદ આવી ગઈ….

    ‘આદિલ’ ઘરેથી નીકળ્યો, મિત્રોને શોધવા
    ઓ! દુશ્મની તું ક્યાંથી સામી મળી ગઈ?

  6. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    January 31, 2018 @ 9:02 PM

    આફરીન…..ઉમદા શેરોનો ગુલદસ્તો..
    ~
    અજાણી વાટે એક કરતાં ભલા બે – એમ સમજી ને ,
    હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને.
    ~

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment