ક્યાંક ખૂટે, ક્યાંક તૂટે,
તે છતાં લખતા રહો,
શકય છે આ માર્ગ પર,
આગળ જતાં ઇશ્વર મળે.
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2013

ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

Comments (10)

~ – ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)

…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.

– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)

માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”

Comments (5)

તમે આંખો ભરી છે… – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

તમે આભારની વાતો કરો છો,
હજી અમને પરાયા કાં ગણો છો ?

હસ્યો હું ને તમે આંખો ભરી છે,
ભલા ક્યારેક તો સમજી શકો છો !

મૂકી દો સોનું લોકરમાં નિરાંતે,
બિચારા પ્રેમને ક્યાં ત્યાં મૂકો છો ?

કયા શબ્દોની ગેરંટી મળી છે ?
અમારા મૌનને કાં અવગણો છો ?

નજરમાં સ્તબ્ધ થઈ બેસી ગયા પણ,
કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ?

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “નિખાલસ” લઈને આવેલ કલોલના શૈલેષ પંડ્યા ‘ભીનાશ’નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે. ગઝલ-ગીત-અછાંદસ અને ટ્રાયોલેટના ગુલદસ્તામાંથી પસંદ કરેલ એક ગઝલ-પુષ્પ આપ સહુ માટે…

Comments (15)

ગઝલ – સુનીલ શાહ

ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.

લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !

રીત છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.

અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.

મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.

લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું

– સુનીલ શાહ

નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ…

Comments (16)

ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર

જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….

Comments (5)

છોકરીના હૈયામાં – મુકેશ જોષી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

-મુકેશ જોષી

Comments (10)

નજર – સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)

સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.

સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું

રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.

– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)

પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !

Comments (8)

વરસાદ – અશોક ચાવડા ‘બેદિલ’

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.

– અશોક ચાવડા ‘બેદિલ’

એકસાથે સાત-સાત પુસ્તકો તાજેતરમાં જ આપનાર કવિના સંગ્રહ ‘પગરવ તળાવમાં’માંથી એક વરસાદી ગઝલ આપ સહુ માટે પ્રવર્તમાન વરસાદી માહોલમાં… બધા જ શેર ગમી જાય એવા પણ છત ઉપરનો વરસાદ અને ઘર ખાલી કરતી વખતે ભરાઈ આવતી પાંપણોનો વરસાદ સહેજે વધુ ભીંજવી જાય છે…

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.

– ગૌરાંગ ઠાકર

કવિ હોય અને ઉદાસી સાથે નાતો ન રાખે એ કેમ ચાલે? પણ ગૌરાંગ ઠાકરને રોજેરોજની ઉદાસી પસંદ નથી. પણ સાથે જ અરીસામાં – અથવા જાતમાં- જોઈને રોજ ઠાલું મલકાવાની કોઠે પડી ગયેલી મજાક પણ એટલી જ કનડે છે… જીવનના બે અંતિમોની વચ્ચે ફંગોળાતા રહેવું એ જ તો -કવિની- નિયતિ છે… ખરું ને?

Comments (22)

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……

Comments (6)

વરસાદમાં – ભગવતીકુમાર શર્મા

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.

– ભગવતીકુમાર શર્મા

Comments (8)

ગઝલ – હરીશ ઠક્કર

ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.

ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.

કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.

વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.

નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.

– હરીશ ઠક્કર

સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…

Comments (7)

તારા જવાનું… – જવાહર બક્ષી

તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.

જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.

બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.

તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.

પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.

– જવાહર બક્ષી

મજાની ગીતનુમા ગઝલ…

Comments (9)

પ્રેમ – જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)

કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.

મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.

આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો

પથરાય છે રેતીની જેમ.

– જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…

Comments (7)

મહોબ્બતમાં – બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (9)

ગધેડીના – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

Comments (14)

અરધી રાતે – મનોજ ખંડેરિયા

અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….

ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી  ઝગમગતો
તાજી  ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની  હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો  ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે  કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.

-મનોજ ખંડેરિયા

વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!

Comments (5)

શબ્દમાં – મિલિન્દ ગઢવી

તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં

અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં

એના ગયાના અર્થમાં ખાલી જગા હતી
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં

સૂરજ ઠર્યો’તો સાંજના દીવા કર્યા તમે
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં

હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં

– મિલિન્દ ગઢવી

એક-એક શબ્દને પકડીને એના અર્થનું આકાશ ઉઘાડી આપતી નવતર જાતની ગઝલ… આજની યુવાપેઢી નવું નહીં આપશે તો બીજું કોણ આપશે? વાહ, કવિ…

Comments (12)

લઈ લઉં છું – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું

– ભરત વિંઝુડા

Comments (10)

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

Comments (5)

તને પ્રેમ કરું છું – જગદીશ જોષી

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

– જગદીશ જોષી

Comments (7)

(પૈસો) – હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)

પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાવું, પૈસા વડે જ સૂવું, ઝાંખા પડવું
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને જો તમારી પાસે પૈસો છે અથવા નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ બનાવે છે પૈસાને,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

*

‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. એ જમાનામાં ધનનો અર્થ થતો હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ એ ધન સાથે જોડાઈ ગયું હતું અને ત્યારથી દેશ ભલે કોઈ પણ હોય, સંસ્કૃતિ ભલે કોઈ પણ હોય અને સમય પણ ભલે કોઈ પણ હોય, માણસ ધનની પાછળ દોડતો જ રહ્યો છે… કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે?

*

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

Comments (3)