એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
– રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2005

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

Comments (4)

બરફના પંખી – અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. 

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

– અનિલ જોશી

અ.જો. નુ આ ગીત ગુજરાતી ગીતોમાં એક સિમાચહ્ન છે. આ સાથે જ માણો અ.જો.ના બીજા બે ગીત કન્યા-વિદાય અને મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી.

Comments (1)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો   હોઈ  શકે,  સત્યનો   વિકલ્પ   નથી
ગ્રહોની   વાત  નથી,   સૂર્યનો  વિકલ્પ  નથી

હજારો   મળશે    મયૂરાસનો    કે    સિંહાસન
નયનનાં  આંસુજડિત તખ્તનો  વિકલ્પ નથી

લડી   જ   લેવું   રહ્યું   મારી   સાથે  ખુદ મારે
હવે  તો  દોસ્ત,   આ   સંઘર્ષનો  વિકલ્પ નથી

કપાય   કે  ન બળે,  ના  ભીનો  યા થાય જૂનો
કવિનો   શબ્દ   છે,  એ  શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી  અન્ય  ન  ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી   રક્ત  છે  ને   રક્તનો   વિકલ્પ   નથી

-મનોજ ખંડેરિયા

Comments (4)

જઈએ – શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

Comments (1)

મહેફીલ-એ-સોનલ અને વાર્તા રે વાર્તા

થોડા દીવસ પર મહેફીલ-એ-સોનલ માણવાનો મોકો મળ્યો. ના આ કોઈ કવિ સંમેલન કે મુશાયરાની વાત નથી. આ વાત કેલિફોર્નિયાથી સોનલે શરુ કરેલા પોડકાસ્ટની છે. (પોડકાસ્ટ એ બ્લોગનો બોલકો ભાઈ છે. એટલે કે બ્લોગમાં લખીને રજુઆત કરાય છે એમ પોડકાસ્ટ બોલીને-અવાજથી રજૂઆત કરાય છે. ઓડિયો ફાઈલ ડાઉનલોડ કરીને અથવા તો સ્ટ્રીમીંગ ઓડિયોથી પોડકાસ્ટ સાંભળી શકાય છે.) સોનલ એના પોડકાસ્ટમાં ગઝલ, કવિતા અને ગીતોનું સંમિશ્રણ કરે છે અને એમા ઉમેરે છે પોતાની પસંદગી અને સંસ્મરણો. અત્યાર સુધીમાં સોનલે ત્રણ એપિસોડ પ્રગટ કર્યા છે. ત્રણે માણવા જેવા છે. સોનલના સુંદર અવાજ અને રસાળ શૈલીથી ગીતો અને ગઝલો જીવંત થઈ જાય છે.

સોનલની પોડકાસ્ટની કામગીરી આટલાથી અટકતી નથી. એણે બાળકો માટે ખાસ પોડકાસ્ટ વાર્તા રે વાર્તા પણ શરુ કરેલો છે. ગુજરાતીમાં આ પહેલો જ પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટમાં એ ‘બાળ-વાર્તાઓ કહેવાની પારં૫રિક કલા નો પોડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય’ કરે છે. આ પોડકાસ્ટ ખાસ માણવાલાયક છે.

Comments (2)

પ્રેમ એટલે – મુકુલ ચોકસી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તેય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

Comments (9)

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

Comments (13)

કેવા રમતારામ હતા – સૈફ પાલનપુરી

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો ?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા !

– ‘સૈફ’ પાલનપુરી

સૈ.પા.ની આ ગઝલ જખ્મોની યાદીવાળા શેરથી પ્રખ્યાત છે. પણ બાકીના બીજા શેર પણ એકએકથી ચડીયાતા છે. છેલ્લા શેરમાં ‘સૈફ’ પોતાની જાતમાંથી નીકળીને, દૂરથી પોતાના વિષે વાત કરે છે એ અલગ જ પ્રભાવ પાડે છે.

Comments (6)

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

Comments (3)

શાનદાર જીવ્યો છું – ‘ધાયલ’

ખૂબ     અંદરબહાર     જીવ્યો     છું
ઘૂંટેઘૂંટે      ચિકાર      જીવ્યો      છું

હું  ય  વરસ્યો    છું   ખૂબ  જીવનમાં
હું  ય   બહુ   ધોધમાર   જીવ્યો   છું

બાગ   તો   બાગ,    સૂર્યની    પેઠે-
આગમાં    પુરબહાર    જીવ્યો    છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા     શાનદાર     જીવ્યો    છું

-‘ઘાયલ’

Comments (3)

આશા-નિરાશા – ‘ધાયલ’

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

– ‘ઘાયલ’

Comments (2)

એક પ્રશ્નપત્ર – ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

– ઉદયન ઠક્કર

Comments (9)

ખુદા – ‘મરીઝ’

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે !

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે !

-‘મરીઝ’

Comments (4)

આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

Comments (1)

ડેથ સર્ટિફિકેટ…! – એષા દાદાવાળા

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

-એષા દાદાવાળા

એ.દા.સૂરતની રહેવાસી છે. એની કવિતાઓ ‘કવિતા’ સહિત ઘણા મેગેઝીનોમાં પ્રગટ થઈ છે.

Comments (9)

હું તને કયાંથી મળું ? -જવાહર બક્ષી

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

-જવાહર બક્ષી

થોડા મહીના પહેલાંની ઈંડિયાની ટ્રીપ પર જવાહર બક્ષીનો ગઝલસંગ્રહ તારાપણાના શહેરમાં ખરીદેલો. જ.બ.નો પરિચય મને ખાસ નહીં. ગયા અઠવાડિયે અચાનક તારાપણાના શહેરમાં હાથ લાગી ગયો. આ સંગ્રહમાં એટલી બધી મઝાની ગઝલો છે કે મને ગમતી ગઝલો અહીં એક પછી એક મૂકવા માંડુ તો આખો મહીનો બીજું કંઈ લયસ્તરો પર મૂકવાની જરૂર પડે જ નહીં ! વિવિધ ભાત પાડતી, વિશિષ્ટ અર્થવિશ્વ જ્ન્માવતી, વિચારપ્રેરક ગઝલોની અહીં જાણે વણઝાર જ જોઈ લો. ઉપર રજૂ કરેલી ટાઈટલ ગઝલ (ટાઈટલ સોંગની જેમ ટાયટલ ગઝલ!) સંગ્રહના મિજાજનુ ખરું પ્રતિબિંબ પાડે છે. આ ઉપરાંત, આ સંગ્રહમાં ગઝલની સાથેસાથે અશ્વિન મહેતાના છબિ-કાવ્યો (આટલા સુંદર ફોટોગ્રાફ્સને બીજું કાંઈ પણ કહેવું ગુનો છે!) બોનસ તરીકે મૂક્યા છે. તારાપણાના શહેરમાં દરેક ગુજરાતી ગઝલપ્રેમી માટે આવશ્યક વાંચન છે.

Comments (2)

ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી – જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી

Comments

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

Comments (2)

કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવું સહેલું છે !

આ બ્લોગ વાંચીને ઘણા મિત્રો મને ઈ-મેલ કરી પૂછે છે કે કોમ્પ્યુટર પર ગુજરાતીમાં કઈ રીતે લખવું. ખરેખર ગુજરાતી લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવું ખૂબ સહેલું છે. આપની પાસે વિંડોઝ XP હોય તો કોઈ વધારે સોફ્ટવેરની જરુર પણ નથી.

ગુજરાતીમાં લખવા માટે કોમ્પ્યુટરને સેટઅપ કરવાની રીત સમજાવતી સરળ માર્ગદર્શિકા મેં મારી વેબસાઈટ પર મૂકી છે. 10 મિનિટના સેટઅપ પછી આપ પણ ગુજરાતીમાં સરળતાથી લખી શકશો ! આ રીતે કોમ્પ્યુટર સેટઅપ કર્યા પછી આપ કોઈપણ પ્રોગ્રામમાં – ઈ-મેલ પ્રોગ્રામ, વેબ બ્રાઉઝર કે વર્ડ પ્રોસેસર બધામાં – ગુજરાતી લખી શકશો.

આ વિષે કોઈ સવાલ હોય તો મને ઈ-મેલ કરશો.

Comments (5)

ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ

ચંદ્રકાંત શાહ જાણવા જેવો માણસ છે. આજે ચંદ્રકાંત શાહ અને એમની કવિતા પર સરસ મઝાનો લેખ વાંચવા મળી ગયો. એટલે એમના વિષે જ વાત કરીએ.

Poetry International Webના ભારત વિભાગમાં ચંદ્રકાંત શાહ અને એમની કવિતા વિષે નાનો પણ સુંદર લેખ મૂક્યો છે. આ લેખ અને સાથેનો આ ઈંટરવ્યૂ વાંચવાથી ચં.શા.ના વ્યક્તિત્વની સારી એવી પિછાણ થાય છે.

એક બાજૂ કવિ અને બીજી બાજુ એ તખ્તાના માણસ. ‘અને થોડા સપનાં’ અને ‘બ્લૂ જીન્સ’ બે એમના કાવ્ય સંગ્રહો. એ પોતે બોસ્ટનમાં રહે છે. ‘રિઅરવ્યૂ મિરર’ એમનું સૌથી જાણીતું (અને મારું માનીતું) કાવ્ય. ‘બ્લૂ જીન્સ’ વિષે એ પોતે કહે છે, it is the first pop album of Gujarati poetry ! ‘બ્લૂ જીન્સ’ ના રુપકની મદદથી જીવનના અનેકવિધ પાસાને આ કાવ્યસંગ્રહમાં અડી લીધા છે. ‘બ્લૂ જીન્સ’ આખેઆખો કાવ્યસંગ્રહ તમે વેબ પર માણી શકો છો.

આગળ ઉપર જેની વાત કરી એ ઈંટરવ્યૂ ખાસ વાંચવા જેવો છે. પોતાની કવિતા વિષે એ કહે છે:

My poetry emerges from long drives, speeding tickets, golf lessons, river rafting, gambling on football in Las Vegas and standing endlessly on the sidewalks of Manhattan. I write while driving. The faster I drive, the better I write. Most of the Blue Jeans collection was written at the steering wheel of my Honda Accord.

આવી ખુમારી કેટલા ગુજરાતી કવિઓમાં જોવા મળશે ? એમની જ કેટલીક પંક્તિઓ અહીં માણો.

આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કાંઈ બીડું?
તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું

મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા

Comments (6)