ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….
કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.
ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:
દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?
મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.
હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:
ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;
એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.
મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:
બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.
વધુ આગળ વાંચો…
