છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
અમૃત 'ઘાયલ'

ઉમાશંકર વિશેષ: જન્મ શતાબ્દી મહોત્સવ

Umashankar
(ઉમાશંકર જોશી…      …૨૧-૦૭-૧૯૧૧ થી ૧૯-૧૨-૧૯૮૮)

*

ગુજરાતી કવિતાના રવીન્દ્ર શ્રી ઉમાશંકર જોશીનું જન્મ શતાબ્દી વર્ષ આજથી પ્રારંભ થાય છે. નેટ-ગુર્જરી પર લયસ્તરો.કોમ આ ઉજવણીના શ્રી ગણેશ કરે છે પરિણામે આવનાર આખું વર્ષ કવિશ્રીની કવિતાઓનો મેહુલો લયસ્તરોના વાદળ થકી તમારા હૃદયના કાગળ અનરાધાર ભીંજવતો રહેશે.

ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત. ઉમાશંકર સાચા અર્થમાં માનવ નહીં, વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે.

સાહિત્યના જે આયામને એમની લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. કવિતા, નવલિકા, નાટક, પદ્યનાટક, નિબંધ, આસ્વાદ, વિવેચન, અનુવાદ, પ્રવાસ લેખન, સંશોધન, સંપાદન અને ‘સંસ્કૃતિ’ના તંત્રી. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે.

પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ના પહેલા કાવ્યની પહેલી લીટી ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી કવિતાની આખરી લીટી ‘ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે સતત એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાથી પણ. પરિણામે એમની દરેક કવિતામાં આપણને નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને પણ સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને પણ અમૃતનો ઓડકાર ખાય છે. એમની કવિતા કાળાતીત છે. એ જગત આખાને અઢેલીને બેઠી છે. એમની કવિતામાં વિશ્વ છે અને એમના વિશ્વમાં કવિતા છે.

સૉનેટ, અછાંદસ, છાંદસ, ગીત, ખંડકાવ્ય, પદ્યનાટક, મુક્તક – કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા છે.  ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી છે.

સાબરકાંઠાના બામણા ગામમાં જન્મ. એમ.એ. સુધીનો અભ્યાસ. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી  અને બાદમાં વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧) ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮) ના પ્રમુખ પણ બન્યા. નાનાવિધ પુરસ્કારો અને સન્માનથી અભિષિક્ત.

ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા એ સર્વશ્રેષ્ઠ સૂર્ય હતા એમ કહીએ તો એમાં કશું ખોટું નથી ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘પ્રાચીના’, ‘આતિથ્ય’, ‘વસંતવર્ષા’, ‘મહાપ્રસ્થાન’, અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’, ‘સપ્તપદી’ જેવા દસ સશક્ત કાવ્યસંગ્રહો. ‘સમગ્ર કવિતા’માં આ તમામ સમાવિષ્ટ.

(આવતીકાલથી એક અઠવાડિયા સુધી રોજ ઉ.જો.ની બે કવિતાઓ જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે)

24 Comments »

  1. કિરણસિંહ ચૌહાણ said,

    July 21, 2010 @ 3:33 AM

    ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના સીધા, સાદા, સરળ અને પ્રેમાળ રાજવી હતા. જેમનું રાજ હજી આપણા હ્રદય પર ચાલે છે.

  2. Jayshree said,

    July 21, 2010 @ 3:43 AM

    ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસની જન્મતારીખ અને વર્ષ-એક જ … ૨૧-૦૭-૧૯૧૧.

    એક જ દિવસે ગુજરાતી જગતમાં જન્મેલી આ બે ઘટનાઓ વિના આપણું સાહિત્ય સાચે જ પાંગળું બની રહ્યું હોત… એકે શબ્દને દિશા આપી અને બીજાએ સૂરને… એકે કવિતાનો આત્મા રચ્યો અને બીજાએ એને સંગીતના વાઘાં પહેરાવ્યાં…. બંને મહાનુભાવોને ભાવભીની અંજલિ….

    (વિવેક, આ શબ્દો તો તારા જ છે – પણ તેં ચાર વર્ષ પહેલા ટહુકો પર મૂકેલી આ કોમેંટ મને આજે ફરી થી અહીં ટાંકવાનું મન થઇ ગયું)

  3. gopal said,

    July 21, 2010 @ 3:47 AM

    બહુ જ યોગ્ય કામ ઉપાડ્યુઁ છે તમે સૌએ,અભિનઁદન

  4. અભિષેક said,

    July 21, 2010 @ 3:51 AM

    ઉમાશંકરને પામી ભાષાગુર્જરી ધન્ય થઇ ગઇ છે.

  5. Rekha Sindhal said,

    July 21, 2010 @ 4:22 AM

    આ રસ લ્હાણી બદલ ખુબ ખુબ આભાર!

  6. saurabh shah said,

    July 21, 2010 @ 4:34 AM

    તમારા દ્વારા થનારી ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.

    અભિનંદન અને ઑલ ધ બેસ્ટ!

  7. pragnaju said,

    July 21, 2010 @ 4:50 AM

    ઉમાશંકરભાઈની શબ્દલીલા કરવાની શક્તિ જાણીતી છે.

    પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી.

    એમાં ક્યાંક અંતરની દીપ્તિ

    અને

    પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે.

    ભાવભીની અંજલિ અને આપ સૌને અભિનંદન

  8. dr.pravinaben pandya said,

    July 21, 2010 @ 5:36 AM

    કવિવર ઉમાશઁકર જો.
    ભુખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે
    ખઁડેરનિ ભસ્મકણિ ના લાધશે.

    અદબુત ! વાહ!

    નમન હો રચયિતાને

  9. dr.pravinaben pandya said,

    July 21, 2010 @ 5:40 AM

    bhukyaajanono jatharaagni jaagashe
    khanderani bhasmakani naa laadhashe.

    vaah! naman ho aa rachayita shri umashankarbhai joshijine!

  10. Pancham Shukla said,

    July 21, 2010 @ 6:42 AM

    કવિશ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની લયસ્તરો દ્વારા ઉજવણીનો ઉપક્રમ ગમ્યો. આગામી સપ્તાહમાં તરબતર થઈ આખું વરસ ભીંજાયેલા જ રહેવાના ઓરતા સાથે…

  11. Deval Vora said,

    July 21, 2010 @ 6:53 AM

    khub saras effort…all the best to everyone….eagerly waiting for this ‘ras-thaal’

  12. Girish Desai said,

    July 21, 2010 @ 7:53 AM

    સંત સમા આ જ્ઞાનીના ચરણોમાં
    ભૂયો ભૂયો નમામિ અહં

  13. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 21, 2010 @ 8:38 AM

    જે પોતે જ ઉમા અને શંકર હોય
    તેમનેતો આપણા નમન જ હોય.

  14. Kirtikant Purohit said,

    July 21, 2010 @ 9:09 AM

    શ્રી વિવેકભાઇ,

    આપણા મુર્ધન્ય કવિ શ્રી ઉમાશન્કર વિષેનુ અભિયાન ગમ્યુ.મારી સાભળ પ્રમાણે ઉમાશન્કર સુરેન્દ્રનગરના નહિ પણ સાબરકાન્ઠાના બામણા ગામે જન્મેલ અને અમારા ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમા તેઓ અને શ્રી પન્નાલાલ પટેલ એક બેન્ચ પર બેસી ભણતા.આ વિષે નિષ્ણાતોમા ખાત્રી કરવા વિનન્તિ.એક સદીથી પણ પુરાણી સર પ્રતાપ હાઇસ્કૂલ આજે પણ ઇડરમા છે.ઉત્તર ગુજરાતના પછાત ગણાતા સાબરકાન્ઠાએ ઉમાશન્કર અને પન્નાલાલ જેવા બે સાક્ષરો આપણને આપ્યા છે.

    આખાયે શતાબ્દિ અભિયાનને શુભકામનાઓ.

  15. Kalpana said,

    July 21, 2010 @ 9:47 AM

    વિવેકભાઈ ખૂબખૂબ આભાર.
    આટલો સુઁદર લાગણી સભર લેખ વાઁચી હ્રદય ભરાઈ આવ્યુઁ. આ અભિયાન માટે અમ વાચકોએ આપનો હ્ર્દયથી આભાર માનવો રહ્યો. રોજ કવિશ્રીની ક્રુતિની આતુરતા પૂર્વક રાહ જોવાની રહેશે
    આભાર
    કલ્પના.

  16. amit shah said,

    July 21, 2010 @ 11:21 AM

    bhomiya vina maare , bhamva ta dungra

    aa geet thi sharuaat karjo

    gujrati loko ma je saahas chhe , tene ujagar kartu geet

  17. Girish Parikh said,

    July 21, 2010 @ 3:47 PM

    વિવેકભાઈઃ આપનું અને આપની ટીમનું કાર્ય અદભુત છે.
    “ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની (શ્રી ઉમાશંકર જોશીની) નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત.” આપના આ શબ્દો સાવ સાચા છે. આપે શ્રી ઉમાશંકર જોશીને ગુજરાતના રવીન્દ્ર કહ્યા એ પણ ગમ્યું. રવીન્દ્રનાથ ટાગોરની જેમ શ્રી ઉમાશંકર જોશી નોબેલ પ્રાઈઝ જરૂર જીતી શક્યા હોત પણ ગુજરાતમાં દમ નથી !

  18. વિહંગ વ્યાસ said,

    July 22, 2010 @ 1:37 AM

    ઉમાશંકર જન્મ શતાબ્દિ ઉજવવા માટે ધન્યવાદ.

  19. PRADIP SHETH BHAVNAGAR said,

    July 22, 2010 @ 10:29 AM

    ફક્ત નેટ પુરતીજ નહીં કે સંસ્થાઓ પુરતીજ નહીં પરન્તુ જ્યાં જ્યાં એક ગુજરાતી પણ વસેછે , તે દરેક સ્થળે શતાબ્દિ ઉજવાવી જોઇએ. દરેક શાળા, વિદ્યાલયો . મહાવિદ્યાલયો, પુસ્તકાલયો, વાંચનાલયો, પુસ્તક પ્રકાશન સંસ્થા, વિક્રેતા અને સાહિત્યને લગતુ કોઇ પણ પ્રકારનું કાર્ય થતું હોય, તેવી દરેક જગ્યાએ ,અલબત્ત ,પોતાની મર્યાદામાં રહીને, ઉજવાવી જોઇએ..
    લયસ્તરો ને ખુબજ ખુબજ…..ધન્યવાદ…
    નેટ ઉપર કોમેન્ટ લખી, સંતોશ નહીં માની ને આપણે પણ કૈક કરીયે…

  20. Vinit C. Parikh said,

    July 26, 2010 @ 1:05 AM

    શ્રી વિવેકભાઇ,

    “ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની (શ્રી ઉમાશંકર જોશીની) નોંધ સગર્વ લીધી હોત અને એ સમગ્ર વિશ્વના મોખરાના કવિ લેખાયા હોત.”
    આ વાત ફરી ફરી કરવા કરતાં ……
    એમના કાવ્યોનો અંગ્રેજી-ફ્રેન્ચ અનુવાદ કરાવી આખી દુનિયામાં ફેલાવો કરવા પાછળ સમય – શકિત ખરચીએ તો કેમ ? એ જ સાચી અંજલિ ન બને ?
    તમે કરો છો તે માટે પણ દિલથી ધન્યવાદ !
    – વિનીત

  21. વિવેક said,

    July 26, 2010 @ 2:31 AM

    પ્રિય વિનીતભાઈ,

    આપનું સૂચન યથાર્થ છે… અંગ્રેજી કવિતાના છંદ વિશે મારું જ્ઞાન અંગૂઠાછાપથી વિશેષ નથી અને મારું અંગ્રેજી પણ એટલું સારું નથી કે ઉમાશંકર જેવા ઉત્તમોત્તમ કવિની રચનાને યોગ્ય ન્યાય આપી ભાષાંતર કરી શકું… પણ આવા કોઈ મિત્ર આગળ આવશે અને એમના ભાષાંતરમાં યોગ્ય ગુણવત્તા જણાશે તો લયસ્તરો વતી હું એ પુસ્તક પ્રકાશન માટે આગળ આવીશ…

  22. Pinki said,

    July 27, 2010 @ 6:16 AM

    હમણાં સુધી મને પણ એવું લાગતું હતું કે,
    અંગ્રેજીમાં અનુવાદ નથી થતો એટલે , આંતરરાષ્ટ્રીય ફલકમાં આપણી ભાષાને સ્થાન મળી શકતું નથી.
    પણ વૅબમહેફિલ શરુ કર્યાનાં આ દોઢેક વર્ષમાં સાહિત્ય અને સાહિત્યકારોનાં સંપર્કમાં આવ્યા બાદ,
    મને લાગે છે કે, આપણે જ પરબ પાસે પહોંચી શકતાં નથી.

    ભારતીય સાહિત્ય અકાદમી વીસેક ભાષાઓમાંથી ઉત્તમ કૃતિઓનો અનુવાદ ભારતીય તેમજ અંગ્રેજીમાં કરાવે છે. તે ઉપરાંત તેઓ દ્વિમાસિક સામયિક ( પુસ્તક જ કહી શકાય ) બહાર પાડે છે જેમાં દરેક કૃતિનો અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં આવે છે.

    સુરેશદાદા અને મહેશભાઈ દવે પણ આ દિશામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે.

  23. Manish Parekh said,

    October 9, 2010 @ 8:56 AM

    સ્વ.ઉમાશકર જોશીના કાર્યોને લોકો સુધી પહોચાડ્વા માટે નાટ્યદેહ આપવાન કાય્’ શરુ કર્યુ છે. સહયોગ આપશો!!!

  24. dhwani y joshi said,

    August 14, 2011 @ 3:46 AM

    how to lisen his poem

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment