રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

યાદગાર ગીતો :૦૮: અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાને હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0

-પ્રહલાદ જેઠાલાલ પારેખ

(જન્મ: ૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ: ૦૨-૦૧-૧૯૬૨)

ભાવનગરમાં જન્મ. વિનીત (દક્ષિણામૂર્તિ), ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતેનમાં અભ્યાસ અને શિક્ષક તરીકે જીવનનિર્વાહ. આયુષ્ય ટૂંકું પણ કવિકર્મ અજરામર. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.  પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી. (કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)

પ્રહલાદ પારેખના યાદગાર ગીત વિશે વિચારું તો ક્ષણાર્ધમાં ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો‘ યાદ આવે. પણ મારે તો એમનું અંધારાને અજવાળતું એક બીજું જ ગીત યાદ કરવું છે. અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે ! આકાશ તારાથી તો ધરતી દીવાથી અને ફૂલો ખુશબૂથી એને શણગારે છે. ઝરણાંનું ખળખળ વહેતું પાણી જાણે અંધારાના પગે બાંધેલા ઝાંઝર છે અને હરખઘેલી ધરતી જાણે કે અંધારાને નૃત્ય કરાવી રહ્યું છે. અંતરનો આનંદ જાણે કે અંધારાને રંગી રહ્યો છે… અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે…

9 Comments »

 1. pragnaju said,

  December 8, 2009 @ 1:45 am

  જાણીતા કવિની આ ખૂબ સરસ રચના આજે જ માણી!
  થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
  આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
  હો આજ અમે અંધારું શણગાર્યું
  ખૂબ ગમી આ પંક્તીઓ
  ———————
  યાદ આવી…
  નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ…
  અમે તમારાં અરમાનોને
  ઉમંગથી શણગાર્યા
  અમે તમારાં સપનાંઓને
  અંધારે અજવાળ્યાં
  અંધારે અજવાળ્યાં

 2. manhar m.mody ('mann' palanpuri) said,

  December 8, 2009 @ 5:37 am

  ખરેખર યાદગાર ગીતોની સફર યાદગાર બનતી જાય છે. કેવું અલભ્ય સાહિત્ય લયસ્તરોના માધ્યમથી માણવા મળી રહ્યું છે. અજવાળું અજવાળું થઈ ગયું.

 3. ઊર્મિ said,

  December 8, 2009 @ 8:02 am

  સુંદર મજાનું ગીત… આજે જ પ્રથમવાર વાંચ્યું/માણ્યું.

  અંધારાને શણગારવાની વાત તો મને ખૂબ્બ જ જચી ગઈ, દોસ્ત…

 4. ધવલ said,

  December 8, 2009 @ 8:32 am

  અંધકાર નીચોવીને અજવાશ કાઢે તેનું નામ કવિ ! વાહ !

 5. rekha sindhal said,

  December 8, 2009 @ 10:53 am

  અઁધારૂં અપનાવ્યુ એટલુ જ નહી શણગાર્યુ. વાહ ! દિવાળી નો આનંદ આપતી બહુ સરસ રચના !

 6. Girish Parikh said,

  December 8, 2009 @ 9:59 pm

  પ્રહલાદ પારેખનું અંધારા વિશેનું ગીત ગમ્યું.

  આદિલ મન્સૂરીએ અંધારા વિષે અદભૂત “ગઝલ સપ્તક” લખ્યું છે. (“મળે ન મળે” (૧૯૯૬ની આવ્રુત્તિ) માં પૃષ્ઠ ૨૩૧). કવિ પોતે છેલ્લે લખે છેઃ “શું છે આ ગઝલ સપ્તક? … ભાવ કે વિષયસાતત્યના આંતરપ્રવાહથી સંકળાયેલી સાત ગઝલોનું ગુચ્છ… સેવેન ઇન વન. સમસ્ત ભાષાવિશ્વમાં આ પહેલવહેલો પ્રયોગ છે કદાચ.”

 7. sudhir patel said,

  December 8, 2009 @ 10:30 pm

  અંધારને જેમણે ખુશબો ભર્યો જોયો એવા ભાવનગરના ઉત્તમ પ્રકૃતિ સૌંદર્યના કવિનું અંધારને શણગારતું ગીત હૃદય-પૂર્વક માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 8. Girish Parikh said,

  December 8, 2009 @ 11:03 pm

  મારા અગાઉના પોસ્ટમાં “સેવન” વાંચવા વિનંતી.

  મારાં સાહિત્ય સંસ્મરણોઃ
  વર્ષો પહેલાં મેં મારા બાળગીતોના સંગ્રહ “ટમટમતા તારલા” ની હસ્તપ્રત મુંબઈની વોરા એન્ડ કંપની પબ્લિશર્સના માલિક શ્રી મનહરલાલ વોરાને એનું પ્રકાશન થાય એ ઈચ્છાથી આપેલી. સંગ્રહની હસ્તપ્રતને એ વખતની મુંબઈ સરકારનું ઈનામ મળેલું પણ ઈનામની રકમ પુસ્તકનું પ્રકાશન થાય પછી મળે.
  મનહરલાલે મને જણાવ્યું કે એ વખતે એમની પાસે પ્રહલાદ પારેખનાં બાળગીતોના સંગ્રહની હસ્તપ્રત પણ આવેલી. એમણે કહ્યું, “કવિતાનાં પુસ્તકો બહુ વેચાતાં નથી, પણ જો બાળગીત સંગ્રહોની સીરીઝ કરું તો વેચાય. તમારું પુસ્તક એ સીરીઝમાં લઉં.” પ્રહલાદ પારેખ જેવા જાણીતા કવિના પુસ્તકવાળી સીરીઝમાં મારા જેવા નવા સર્જકનું પુસ્તક પ્રગટ થવાની શક્યતા છે એ જાણી મને આનંદ થયો.
  મનહરલાલ એ સીરીઝ કરી શક્યા નહીં — કદાચ એમને વધુ બાળગીતોના સંગ્રહોની હસ્તપ્રતો મળી નહીં હોય. “ટમટમતા તારલા” મેં જાતે છપાવીને વોરાને સોલ એજંસી આપી.

 9. ચાંદ સૂરજ said,

  December 9, 2009 @ 8:19 am

  શણગારને રૂડે સહારે અંધારાએ જાણે ઉજાશ પહેર્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment