નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી.
અહમદ 'ગુલ'

ગીત – મુકુન્દરાય પારાશર્ય

હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?

હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?

હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?

હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?

હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?

-મુકુંદરાય પારાશર્ય

મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા.  અવસાન:  ૨૦-૦૫-૧૯૮૫.  બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !

10 Comments »

 1. manharmody ('મન' પાલનપુરી) said,

  June 19, 2009 @ 2:49 am

  હરિ પ્રત્યેની અતુટ શ્રધ્ધાનાં દર્શન કરાવતું ભજન.

 2. Kirtikant Purohit said,

  June 19, 2009 @ 6:15 am

  હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
  વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
  હવે હું જુદો કયમ રહું?

  આપણા એક દિવંગત માનનીય કવિની અભૂતપૂર્વ રચના આપવા બદલ અભિનંદન.

 3. pragnaju said,

  June 19, 2009 @ 8:18 am

  હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
  વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
  હવે હું ઢાંકયો કયમ રહું?

  હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
  વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
  હવે હું જુદો કયમ રહું?
  સહજ-સુંદર-શિવ અભિવ્યક્તી

  આપણને દીવો થઈને પ્રગટાવે ત્યારે આપણી આસપાસ એ આકાશ થાય છે અને આકાશને કોઈ દિવસ ઢાંકયું ઢંકાય ખરું? એક બાજુ આપણું હુંપદ હોય અને એની સાથે પુરુષાર્થ હોય તો પણ હિમાલય જેવા હુંપદને ગાળી-ઓગાળીને આપણામાં પરમપદની જે ઝંખના જગાવે અને જે પ્યાસ પ્રકટાવે એ પછી ખુદાથી જુદા રહેવાનો કોઈ અર્થ ખરો? આ જ કવિનું આવું જ ગીતભજન અહીં મૂકું છું:

 4. pragnaju said,

  June 19, 2009 @ 9:07 am

  હરિ! તમે સ્વીકારો તો કરું ભવભવ ચાકરી,
  મારા ધણીના થઈને હોંસે જિવાય.
  આપો તો માગું એટલું.

 5. ધવલ said,

  June 19, 2009 @ 9:00 pm

  હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
  વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
  હવે હું જુદો કયમ રહું?

  – સરસ !

 6. sudhir patel said,

  June 19, 2009 @ 9:08 pm

  સુંદર હરિ-ગીત માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 7. પંચમ શુક્લ said,

  June 20, 2009 @ 4:42 pm

  મન બીનું કરે એવી ભજન ગીતિ.

 8. પંચમ શુક્લ said,

  June 20, 2009 @ 4:43 pm

  મન ભીનું કરે એવી ભજન ગીતિ.

 9. Fitness Tips said,

  June 23, 2009 @ 5:45 am

  I heard about “Mukundray Sir” from mine grandfather and also read many creation and article from this great person.

  Thanks for sharing this creation online here…

 10. પરેશ પટેલ said,

  April 16, 2013 @ 12:25 pm

  મુકંદ પારાશર્ય નાં હજું ઘણા સુંદર રચનાઓ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment