ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

સપૂત – કૃષ્ણલાલ શ્રીધરાણી

Daandi-kuch
(દાંડીકૂચ….                                                             …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)

“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

-કૃષ્ણલાલ શ્રીધરાણી

આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!

(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)

18 Comments »

  1. Pranav said,

    March 12, 2008 @ 3:05 AM

    રાષ્ટ્રપતિXX….રાષ્ટ્રપિતા……

  2. વિવેક said,

    March 12, 2008 @ 3:20 AM

    આવી અક્ષમ્ય ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ, આભાર…

  3. pragnaju said,

    March 12, 2008 @ 9:42 AM

    આજે ઐતિહાસિક દિવસની અનુરુપ ખૂબ સુંદર કાવ્યાંજલી અને પ્રીન્ટ કાઢી મઢાવવા જેવો ફોટો.
    રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
    એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
    જો કે આ પ્રસંગ મારા જન્મ પહેલાનો !
    અમારા બારડોલીના સ્વરાજ આશ્રમ અને
    ગાંધીજીની યાદમાં ખોવાઈ ગઈ…
    મને તો કોઈ ભૂલ જણાઈ નહીં

  4. Harshad Jangla said,

    March 12, 2008 @ 11:59 AM

    ૭૮ વર્ષ પહેલાનું ચિત્ર જોઇને મન પ્રસન્ન થઇ ગયું.

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  5. ધવલ said,

    March 12, 2008 @ 7:39 PM

    આજે જે વિચાર તદ્દન સ્વાભાવિક લાગે છે એ દાંડીકૂચનો વિચાર ખરેખર કેટલો અદભૂત વિચાર હતો ! આખા દેશને ચાનક ચડે એ રીતે રીતે આ વિચાર અને એનું આયોજન ગાંધીજીની ‘મેનેજમેંટ સ્કીલ્સ’ની સાહેદી પૂરે છે. એના વિષે તો ઘણું ઘણું લખાયું જ છે. વધુ એક સલામ… !

  6. Pinki said,

    March 13, 2008 @ 6:18 AM

    nice snap …. !!

    મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !

    મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !

    એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !

    જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !

    મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !

    સુંદર પંક્તિઓ…

  7. Vipool Kalyani said,

    March 13, 2008 @ 8:36 AM

    Dear Vivekbhai

    I whole heartedly salute you for choosing this historical event. Gandhi to me is extremely important person. Apart, that instance of South Africa when he was thrown out from a railway carraige, this Dandi March is the other superb instance when Gandhi gave us back our Self.

    Shridharani’s poem says a lot. What a wonderful choice. This issue has further enhanced you and your image. Congratulations.

  8. Dhwani Joshi said,

    March 13, 2008 @ 8:41 AM

    ખુબ જ સરસ રચના.. રાષ્ટ્રપિતા સહિત બધા જ સ્વાતંત્ર સેનાનીઓ ને અર્પેલી અંજલિ.. છબી પણ ખુબ સરસ છે..

  9. સુનીલ શાહ said,

    March 13, 2008 @ 8:42 AM

    દાંડીકુચના ઐતીહાસીક પ્રસંગને જાણે જીવંત કરી દીધો. સલામ લયસ્તરો..!

  10. Harnish Jani said,

    March 13, 2008 @ 9:21 AM

    Vivekbhai–Thank you for remebering the Great history making event for India. Nice poem of course.

  11. chetu said,

    March 13, 2008 @ 9:56 AM

    આ પ્રસઁગ ને યાદ કરાવ્યા બદલ ખુબ આભાર વિવેક ભાઇ..!

  12. સુરેશ જાની said,

    March 13, 2008 @ 9:58 AM

    બહુ જ શક્તીશાળી શબ્દો.
    ते हि न दिवसो गताः ।

  13. Dr. Dinesh O. Shah said,

    March 13, 2008 @ 10:05 AM

    Dear Vivekbhai,

    I hope you continue this tradition of bringing to your readers the important dates in the history of India. My sentiments for this article has been expressed eloquently by Vipool Kalyani, so I will not repeat it. Mahatma Gandhi gave average Indian fearlessness. I believe that we have lost some of it during the past sixty years based on what I see in India during my recent visits to India.

    The poem captures the emotions of the event! Shridharani was my favourite poet when I was a highschool student. Thank you so much for bringing this uplifting memories to your readers.

    Dinesh O. Shah

  14. Bhadra Vadgama said,

    March 13, 2008 @ 2:01 PM

    Thank you for reminding us about this great occasion. As Indians growing up under British Education System in East Africa we were never taught the history of the fight for India’s Independence from the Indian point of view, so such reminders are of great value to us.

    The poem is very powerful & inspiring.

    Namaste.
    Bhadra

  15. પંચમ શુક્લ said,

    March 13, 2008 @ 2:41 PM

    અરે વાહ! ઐતિહાસિક દાંડીકૂચ દિવસને લયસ્તરોની અનોખી અંજલિ.
    સ્વતંત્રતા ઈતિહાસના કોઈ બંધ પટારામાંથી (??) શોધેલી સુંદર છવિ અને સાથે મહેક મહેક ગુલબંકી પ્રપાત.

  16. gopal parekh said,

    March 13, 2008 @ 10:35 PM

    ગાંધીજી અને તેમના સાથીઓને વારંવાર પ્રણામ,આજે તો એ ભૂતકાળ વાગોળીને સંતોષ પામવો રહ્યો, આજના વામણા નેતાઓથી ભગવાન બચાવે

  17. ધવલ said,

    March 14, 2008 @ 12:09 AM

    દાંડીકૂચની વિડિયો પણ નેટ પર ઉપલબ્ધ છે ! (આભાર, ગાંધીસર્વ ફાઉન્ડેશન )

    લીંક એક : શરૂઆત ( http://shrunklink.com/amoi )
    લીંક બે : અંત સુધીની ઝલક ( http://shrunklink.com/amoh )

    દાંડીકૂચને લગતી બધી વિડિયો ક્લીપ જોવી હોય તો આ પાના પર છે : http://shrunklink.com/amoj

  18. Urmi said,

    March 14, 2008 @ 12:19 PM

    નસનસમાં એક અનેરું જોમ ભરી દે એવાં જાદુઈ શબ્દો રુંવાટા જરૂર ઊભા કરી દે છે… ગાંધીબાપુ માટે ‘જુવાન ડોસલો’ શબ્દો મેં નાનપણથી એટલા સાંભળ્યા છે હવે એ બાપુનાં નામનો પર્યાય જ લાગે છે.

    આ દિવસ અને કોઈ જૂનાં અમૂલ્ય ઘરેણા સમી આ કવિતા યાદ કરાવવા બદલ મિત્ર વિવેકનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment