આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2013

ન મોકલાવ – રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

Comments (9)

~ – ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)

…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.

– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)

માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”

Comments (5)

તમે આંખો ભરી છે… – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

તમે આભારની વાતો કરો છો,
હજી અમને પરાયા કાં ગણો છો ?

હસ્યો હું ને તમે આંખો ભરી છે,
ભલા ક્યારેક તો સમજી શકો છો !

મૂકી દો સોનું લોકરમાં નિરાંતે,
બિચારા પ્રેમને ક્યાં ત્યાં મૂકો છો ?

કયા શબ્દોની ગેરંટી મળી છે ?
અમારા મૌનને કાં અવગણો છો ?

નજરમાં સ્તબ્ધ થઈ બેસી ગયા પણ,
કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ?

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “નિખાલસ” લઈને આવેલ કલોલના શૈલેષ પંડ્યા ‘ભીનાશ’નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે. ગઝલ-ગીત-અછાંદસ અને ટ્રાયોલેટના ગુલદસ્તામાંથી પસંદ કરેલ એક ગઝલ-પુષ્પ આપ સહુ માટે…

Comments (15)

ગઝલ – સુનીલ શાહ

ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.

લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !

રીત છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.

અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.

મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.

લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું

– સુનીલ શાહ

નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ…

Comments (16)

ખાલી ખુરશી – રવીન્દ્રનાથ ઠાકુર

જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….

Comments (5)

છોકરીના હૈયામાં – મુકેશ જોષી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું

છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું

ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….

-મુકેશ જોષી

Comments (10)

નજર – સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)

સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.

સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું

રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.

– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)

પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !

Comments (8)

વરસાદ – અશોક ચાવડા ‘બેદિલ’

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.

– અશોક ચાવડા ‘બેદિલ’

એકસાથે સાત-સાત પુસ્તકો તાજેતરમાં જ આપનાર કવિના સંગ્રહ ‘પગરવ તળાવમાં’માંથી એક વરસાદી ગઝલ આપ સહુ માટે પ્રવર્તમાન વરસાદી માહોલમાં… બધા જ શેર ગમી જાય એવા પણ છત ઉપરનો વરસાદ અને ઘર ખાલી કરતી વખતે ભરાઈ આવતી પાંપણોનો વરસાદ સહેજે વધુ ભીંજવી જાય છે…

Comments (8)

ગઝલ – ગૌરાંગ ઠાકર

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?

રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.

– ગૌરાંગ ઠાકર

કવિ હોય અને ઉદાસી સાથે નાતો ન રાખે એ કેમ ચાલે? પણ ગૌરાંગ ઠાકરને રોજેરોજની ઉદાસી પસંદ નથી. પણ સાથે જ અરીસામાં – અથવા જાતમાં- જોઈને રોજ ઠાલું મલકાવાની કોઠે પડી ગયેલી મજાક પણ એટલી જ કનડે છે… જીવનના બે અંતિમોની વચ્ચે ફંગોળાતા રહેવું એ જ તો -કવિની- નિયતિ છે… ખરું ને?

Comments (22)

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને

– નરસિંહ મહેતા

વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……

Comments (6)

Page 1 of 3123