વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિસ્વાવા ઝીમ્બોર્સ્કા

વિસ્વાવા ઝીમ્બોર્સ્કા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા ઝીમ્બોર્સ્કા

The_Falling_Man
(The Falling Man, Photograph by Richard Drew)

એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.

ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.

બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.

પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.

એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.

હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.  

– વિસ્વાવા ઝીમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)

આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.

હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે. 

અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.

Comments (13)