વ્હાણને સહકાર વાયુનો મળે,
પણ હલેસું હાથમાં તું રાખજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ફકીરમહંમદ મનસુરી

ફકીરમહંમદ મનસુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

હું - ફકીરમહંમદ મનસુરીહું – ફકીરમહંમદ મનસુરી

હું
તારા
અંગથી અળગું કરેલું વસ્ત્ર
લોચો થૈ લટકતું વળગણીએ…

ઘડિયાળ હું કાંટા વિનાનું
શ્વાસ ને ઉચ્છ્વાસનો આ ટકટકારો…

જીવ્યે જાઉં છું.
રૂંવાટીએ રૂંવાટીએ
કૈં કેટલાં આકાશ
એવું
પાંખમાંથી
ખેરવી દીધેલ હું પીંછું…
વાયરે લેતું ઘુમરિયો ને રજોટાતું.
સંદર્ભથી છુટ્ટું પડેલું વાક્ય હું…
‘હું’ હવે તો
શિર તણા મણિ વિણ ફણી શો…
કણસતા અસ્તિત્વના
ઉંકારથીયે રહિત !
કેવળ બસ હકાર !

– ફકીરમહંમદ મનસુરી

પ્રિય પાત્ર વિનાની જિંદગી કેવી હોઈ શકે એનો અદભુત ચિતાર કવિ અહીં જૂજ પંક્તિઓ અને સશક્ત રૂપકો વડે આપે છે. અંગથી ઉતારી દીધેલું વસ્ત્ર, કાંટા વિનાનું ઘડિયાળ, અસીમ આકાશની અનંટ શક્યતાઓ અને આશાઓ એક-એક રૂંવાટી પર ભર્યું ભર્યું પણ પંખીના શરીર પરથી ખરી ગયેલું અને હવે પરિસ્થિતિના વાયરાની દયા પર અટવાતું પીંછું, સંદર્ભ ગુમાવી બેસેલું વાક્ય અને મણિ વિનાનો ફણીધર… પ્રિય પાત્રની અનુપસ્થિતિમાં અસ્તિત્વ કેવું સ્થગિત નિર્જીવ બની રહે છે- એક ઉંહકારો પણ કરી શકાતો નથી ! કેવળ શરીરનું હોવું રહી જાય છે.. શ્વાસ અને ઉચ્છ્વાસની ટકટક રહી જાય છે… બસ !

Comments (7)