આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
– રતિલાલ ‘અનિલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કેતન કારિયા

કેતન કારિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – ડૉ.કેતન કારિયા

ભળ્યાં આંસુ જળમાં; ખબર ક્યાં પડી છે !
ઘણીવાર નહિ તો, નદીઓ રડી છે !

અમે જિંદગીને મળી તેમ જીવ્યા,
તમે જીવવા યોજનાઓ ઘડી છે !

હું સન્માન લેવા ચડ્યો લાકડીથી,
તમે પીઠ મારી હવે થાબડી છે !

પછી આવજે મોત, હું છું નશામાં !
હવે જિંદગી આ બરોબર ચડી છે !

પહેલી વખત કંઈક માગ્યું છે ઈશ્વર,
તથાસ્તુ કહી નાંખ; તક સાંપડી છે.

– ડૉ.કેતન કારિયા

કયા શેરને વધુ વખાણવો અને કયાને ઓછો એ સમસ્યા થઈ પડી છે મારે તો… છે તમારી પાસે કોઈ ઉકેલ?!

Comments (20)

ગઝલ – ડૉ. કેતન કારિયા

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

પાણીદાર ગઝલ…

Comments (18)