એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પાર્ષદ પઢિયાર

પાર્ષદ પઢિયાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભણકારા -પાર્ષદ પઢિયાર

સખી ! મારા ફળિયામાં ભણકારા ઊતરે
વાયરો અડે ને ફૂટે પગરવની કેડીઓ, ફાળ થૈ હૈયામાં વિસ્તરે

ખુલ્લા રવેશમાં હું એકલતા ઓઢીને જોતી રહું સાજનની વાટ
અધરાતે-મધરાતે ઝબકીને જાગી જતી કુંવારા સપનાની જાત
કાચી આવરદાનો પીંડ મારી સૈયર, જોયાનું સુખ રોજ ચીતરે.

ઈચ્છાઓ ફાટફાટ વાસંતી ક્ષણ પહેરી ઊભી છે ધારણાની ઓથે
નજરું લંબાવીને અણસારા સૂંઘતી પ્રીતમનો પડછાયો ગોતે
ફાટેલા દિવસોને સ્મરણથી સાંધતી, વરસાદી મોસમ લઈ ભીતરે.

-પાર્ષદ પઢિયાર

આમે ય જ્યારે પ્રિયજનની વાટ જોતાં હોઈએ ત્યારે પ્રિયનાં આવવા પહેલા એના આવવાનાં ભણકારા જ વધુ વાગતા હોય છે…!  સાજનનાં આવવાનાં ભણકારા ભાસતી અને અણસારા તાગતી નાયિકાની વધતી જતી અધિરાઈ અને એની ઈચ્છાની વધતી જતી લંબાઈને કવિએ અહીં ખૂબ જ સુંદર વાચા આપી છે.

Comments (9)