તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દેવેન્દ્ર દવે

દેવેન્દ્ર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અસલ અમલે - દેવેન્દ્ર દવેઅસલ અમલે – દેવેન્દ્ર દવે

(શિખરિણી)

ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !

ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !

રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !

જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…

-દેવેન્દ્ર દવે

વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…

Comments (9)