સ્થૂળ રૂપે સાંપડે સમશાનમાં,
જે ચિતા હરદમ બળે મારી ભીતર.
દત્તાત્રય ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સિલાસ પટેલિયા

સિલાસ પટેલિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(પંખી) – સિલાસ પટેલિયા

દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!

છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…

એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા

કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!

– સિલાસ પટેલિયા

મનગમતી ચીજ પોતાના મનને અડી લે –  મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.

ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.

Comments (9)