ક્યાં સુધી આ શક્યતાના ગર્ભમાં સબડ્યા કરું ?
પેટ ચીરીને મને જન્માવવો પડશે...
વિજય રાજ્યગુરુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત ભટ્ટ ‘તરલ’

ભરત ભટ્ટ ‘તરલ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(લાગણીના ફૂલ ખીલે છે મને) - ભરત ભટ્ટ ‘તરલ’
આપના હાથમાંથી - ભરત ભટ્ટ 'તરલ'
પોતપોતાને ઢાંચે ! - ભરત ભટ્ટ 'તરલ'આપના હાથમાંથી – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું,
હું અરીસો નથી તોય ફૂટી ગયો છું.

મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો,
ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું.

મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

જીવ ચાલ્યો ગયો છે મને પ્રશ્ન મૂકી,
કઈ જનમટીપમાંથી હું છૂટી ગયો છું.

– ભરત ભટ્ટ ‘તરલ’

Comments (6)

(લાગણીના ફૂલ ખીલે છે મને) – ભરત ભટ્ટ ‘તરલ’

સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.

બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.

હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.

સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.

હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.

– ભરત ભટ્ટ ‘તરલ’

માંહ્યલાની અલગ અલગ છબીઓ સમાન બધા જ શેરો આમ તો મસ્ત થયા છે… પરંતુ બીજો અને ચોથો શેર જરા વધુ અંતરંગી  લાગ્યા.

Comments (6)

પોતપોતાને ઢાંચે ! – ભરત ભટ્ટ ‘તરલ’

મને કોઈ પકડી રહ્યું તીણી ચાંચે,
હું કાગળ નથી કે મને કોઈ વાંચે.

આ સગવડીયું ઘર ચોતરફ કોતરે છે,
અખંડિતપણું ઝંખનાઓના ટાંચે.

છે ઇચ્છા સરેરાશ ફાટેલું પહેરણ,
પહેરે બધાં પોતપોતાને ઢાંચે.

અહીં મેં બધાં સત્ય ધરબી દીધાં છે,
સડક, ચોક, શેરી, ગલી, ખાંચે-ખાંચે.

વિવશ છું હવે ગિરધારી ઉગારો,
મારા ઘરમાં ઘેર્યો મને તત્ત્વ પાંચે.

– ભરત ભટ્ટ ‘તરલ’

એક એવી ગઝલ જેના પાંચેપાંચ શેર આગળ વધતા કદમ પકડી રાખે… જાણે કોઈ તીણી ચાંચથી પકડી રહ્યું ન હોય !

Comments (8)