હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માર્ટિન નાઈમુલર

માર્ટિન નાઈમુલર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પહેલા એ લોકો... - માર્ટિન નાઈમુલરપહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (15)