એ તાંતણાના સહારે તરી ગયા સાગર –
રહી ગયો જે ઉભય વચ્ચે બરકરાર જરા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિસ્મય લુહાર

વિસ્મય લુહાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

રણ તો છે સૌનું સહિયારું - વિસ્મય લુહાર
વરસાદ આવે છે ! - વિસ્મય લુહારવરસાદ આવે છે ! – વિસ્મય લુહાર

પ્રથમ તારો ભીનો ભીનો ભીતરથી સાદ આવે છે !
મને મળવા પછી તું પહેરીને વરસાદ આવે છે !

રહ્યાં’તાં કોરાંકટ બસ આપણે એકવાર પલળીને,
હવે તરબોળ તન-મનને એ ઘટના યાદ આવે છે.

નિરંતર વાદળાં ને વીજળી છે આપણામાં પણ,
અને આપણને આડી એજ તો મરજાદ આવે છે.

હવે તો મન મૂકીને ભીંજાઈ જઈએ ચાલ;
અરે વરસાદ આવો કૈંક વરસો બાદ આવે છે.

– વિસ્મય લુહાર

સાથે પલળીને પણ કોરાંકટ રહી જવાય એ મર્યાદા ક્યારેક પલાળે છે, ક્યારેક તરસાવે છે…

Comments (6)

રણ તો છે સૌનું સહિયારું – વિસ્મય લુહાર

અરધું તારું, અરધું મારું
આંખોમાં છે જે અંધારું

ભડભડ અગ્નિ બુઝાવું પણ
ભીની જ્વાળા શેં હું ઠારું ?

બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.

એક ગલીમાં ભરબપોરે
સૂરજ વરસાવે અંધારું !

શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.

– વિસ્મય લુહાર

નવી જ કલ્પનસૃષ્ટિ લઈને આવેલી આ ગઝલ ધીરે ધીરે ખૂલે છે. માણસ સુખને personalize કરી શકે પણ દુ:ખ તો બધાનું universal જ રહેવાનું. આ વાતને કવિએ બહુ નજાકતથી કરી છે. સૂરજ તો ભલે ગમે તેટલો તપે, અમુક ગલીઓમાં તો કાયમ અંધારું જ રહેવાનું.

Comments (14)