ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હેમંત ઘોરડા

હેમંત ઘોરડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - હેમંત ધોરડા
ગઝલ - હેમંત ધોરડા
ગઝલ - હેમંત ધોરડા
રાખજો - હેમંત ધોરડા
વટાવે છે મને - હેમંત ઘોરડાગઝલ – હેમંત ધોરડા

રોકાવું હો તો અટકું છું સાથે હું પછી જાઉં,
વહેવું હો તમારે તો હું હમણાં જ વહી જાઉં.

સોનાની છું લગડી જો ન મળવું હો તમારે,
મળવું હો તમારે તો રસ્તામાં મળી જાઉં.

પહેલું તો ટમકવાનું તમારે એ શરત છે,
પહેલાં તમે ટમકો પછી હું સામું ઝગી જાઉં.

પ્રતિબિમ્બ તો લીલાશનાં આંખોમાં લહેરાય,
થોડું તમે ઊગો તો જરી હુંય ઊગી જાઉં.

પડઘાઉં ઝીણું ઝીણું જો ઝીણું તમે બોલો,
જો ચૂપ રહો તો ચુપકીદીનો પડઘો થઈ જાઉં.

– હેમંત ધોરડા

સાચો પ્રેમ બિનશરતી હોય એવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ પણ વ્યવહારમાં એવો પ્રેમ કદાચ લાખોમાં એકાદો જ જોવા મળે જ્યાં એક પાત્ર બીજા પાત્ર પાસે કશાય્ની આશા જ ન રાખતું હોય. સનાતન વ્યવહારુ પ્રીતની એક શાશ્વત ગઝલ આપ સહુ માટે…

Comments (3)

ગઝલ – હેમંત ધોરડા

છૂટી પડી ગયેલી ક્ષણોમાં પડાવ રે,
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં સાવ રે.

સુક્કો જ રેતપટ બહુ સુક્કો જ રેતપટ,
પથ્થર નીચે ભીનાશમાં ઊંડે અભાવ રે.

ભીતર કશું અજંપ અજાણ્યું કશું અબોલ,
ઊડી જતા વિહંગની છાયામાં રાવ રે.

નભની નીચે અફાટમાં અકબંધ જળ અખંડ,
કાળા ખડકથી દૂર નિકટ દૂર નાવ રે.

એકાંતમાં ઊમટતાં દિશાહીન વાદળાં,
કોને કહું, ગણાવું વિખૂટા બનાવ રે.

– હેમંત ધોરડા

ગીતનુમા ગઝલ રવાનુકારી શબ્દવિન્યાસના કારણે સાચે જ ભાવકને હિલ્લોળે ચડાવે છે…

Comments (5)

ગઝલ – હેમંત ધોરડા

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

-હેમંત ધોરડા

એક ઓરડામાં આખું ભાવવિશ્વ ખડું કરતી અનોખા અંદાઝની એક સશક્ત ગઝલ….

Comments (12)

રાખજો – હેમંત ધોરડા

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

– હેમંત ધોરડા

અશક્ય છે એને ભૂલી જવું જે સ્પર્શ, સાંજ, જળ, પવન, શબ્દ અને મૌનમાં સહજ ભળી ગયું હોય.

Comments (16)

વટાવે છે મને – હેમંત ઘોરડા

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને

દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને

મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને

– હેમંત ઘોરડા

કવિનો શબ્દ સચ્ચાઈ ચૂકતો નથી, સ્વસ્થતા ચૂકતો નથી ને ચોટ પણ ચૂકતો નથી… સલામ !

Comments (18)