અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.
મીનાક્ષી ચંદારાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નયના જાની

નયના જાની શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અનહદ અપાર વરસે - નયના જાની
ગઝલ - નયના જાની
શોધે - નયના જાની



અનહદ અપાર વરસે – નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

– નયના જાની

વરસવાની મોસમ છે એવામાં આ એક વરસાદી ગઝલ… પ્રિયતમ કંઈ શ્રાવણ-અષાઢ જોઈને થોડો વરસે છે? એ તો વરસે, અમસ્તો અમસ્તો વરસે ને વારંવાર વરસે.  એને હા પાડો તોય વરસે ને ના કહો તોય. અને કંઈ જ ન કહો તો તો ઘડી ઘડી વરસશે. પ્રેમનો વરસાદ જ કંઈ એવો છે કે છલકી ઊઠાય, છોળ થઈ ઊઠાય, અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે છે…

Comments (15)

શોધે – નયના જાની

અંધારે ચાંદરણું શોધે
ડૂબતો માણસ તરણું શોધે

નથી નથીનાં ગૂઢ પ્રદેશે
હશે હશેનું શરણું શોધે.

સૂકેલાં પર્ણો ખખડીને
લીલુંછમ સંભારણું શોધે.

અડાબીડ અંધારું જંગલ
કિરણ તેજનું હરણું શોધે.

કાંટાળી કેડીને મારગ
અધવચ્ચે ફૂલખરણું શોધે.

ભવરણ તડકે ધખે મુસાફિર
વ્હાલપનું નિર્ઝરણું શોધે

– નયના જાની

શોધ એટલે આશા. શોધ એટલે ગતિ. શોધ એટલે જીવન.

Comments (12)

ગઝલ – નયના જાની

બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું ઊગે અકબંધ !

બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?

રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !

ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !

શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !

-નયના જાની

બે ક્ષણની વચ્ચેના સૂક્ષ્મતમ અવકાશને પણ પકડે એ કવિતા… આગત અને અનાગતની વચ્ચે જે નાનકડી ખાઈ છે એનો આગત કે અનાગત સાથે ખરે જ કોઈ સંબંધ ખરો ? ગઈકાલનો પડછાયો આજ પર પડ્યા કરતો હોય કે પછી આવતીકાલનો વર્તારો આજમાં ડોકાયા કરતો હોય ત્યારે સાચા અર્થમાં આજ મૃત્યુ પામે છે. આજને પૂરા અર્થમાં જીવવી હોય તો ગઈકાલ અને આવતીકાલથી મુક્ત ન થવું પડે ?

Comments (12)