જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અશોકપુરી ગોસ્વામી

અશોકપુરી ગોસ્વામી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કદીએ – અશોકપુરી ગોસ્વામી

સમંદર ના થયો મીઠ્ઠો કદીએ,
વલણ બદલ્યું નહીં તો પણ નદીએ.

અમે વરસાદ ઝીલ્યો એકચિત્તે,
ન સંઘર્યું કૈં જ કાણી બાલદીએ.

રહ્યો સીધો સરળ જણ છેક સુધી
અહીંયા થાપ ખાધી મુત્સદ્દીએ.

બને ઇતિહાસ એવી ખૂબ જરૂરી
ક્ષણોને સાચવી લીધી સદીએ.

બધું વ્યય થઈને; શું બાકી રહ્યું આ !
સતત મૂંઝવ્યો મને વધતી વદીએ.

– અશોકપુરી ગોસ્વામી

કેવી મજાની ગઝલ ! બધા જ શેર શાનદાર…

Comments (4)

દાખલો ખોટો થયો – અશોકપુરી ગોસ્વામી

સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.

જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.

ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.

આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.

– અશોકપુરી ગોસ્વામી

અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે.  એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે.  છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !

Comments (14)

સાધુ – અશોકપુરી ગોસ્વામી

જીવવું ઊંઘું જાગું સાધુ;
શું ભિક્ષામાં લાવું ? સાધુ.

ભૂખ હજી પણ ક્યાં ભાગે છે ?
સપનામાં જ્યમ ખાધું સાધુ.

ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં
ના, નહીં ઘરથી ભાગુ સાધુ.

અડધો કોરો, અડધો ભીનો
કેમ મને હું લાગુ ? સાધુ.

ત્યાગ્યાનો અહંકાર આવશે,
ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.

જેમ અચાનક નીકળી ગ્યો’તો;
એમ અચાનક આવું સાધુ.

– અશોકપુરી ગોસ્વામી

ગઝલ સાધુ (એટલે કે સજ્જન)ને સંબોધીને લખી છે. આસક્તિની સિમાને વળોટી જવા મથતા મનની મૂંઝવણ આ ગઝલમાં આવી છે. અને એ માધ્યમથી એ આપણને પોતાની સિમાઓથી વધારે અવગત કરી જાય છે.  ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં / ના, નહીં ઘરથી ભાગું સાધુ અને ત્યાગ્યાનો અહંકાર આવશે /ત્યાગું તો શું ત્યાગું ? સાધુ – બન્ને શેર તરત દિલને અડકી જાય છે. 

Comments (8)

ગઝલ – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી

વાંચતાની સાથે પહેલો શેર તરત જ ગમી ગયો. એને બે ચાર વાર વાપરી પણ જોયો. સરળ તો છે જ, સાથે પણ સશક્ત પણ છે. એવો જ મઝાનો શેર જીત્યાનો અર્થ હાર.. પણ છે. કેટલીય એવી જીત હોય છે જે હારથી ય વધારે ખરાબ હોય છે. આવી આછકલી જીતમાંથી જાતને બચાવવાનો ઉદ્યમ એ જ જીવનનો ખરો અર્થ છે.

Comments (9)