ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધૂની માંડલિયા

ધૂની માંડલિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - ધૂની માંડલિયા
ગઝલ - ધૂની માંડલિયા
છાની વાતને ફડક – ધૂની માંડલિયા
મુક્તક – ધૂની માંડલિયા
વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા
સળંગ સત્ય - ધૂની માંડલિયાસળંગ સત્ય – ધૂની માંડલિયા

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,
જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે…

આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે…

ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,
જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે…

રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,
સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે…

મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,
આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે…

આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,
બાકી જગતની વેદના અસહ્ય હોય છે…

– ધૂની માંડલિયા

દરેક શેરમાં એક અદભૂત ચમત્કૃતિ છે…. બીજો શેર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે- ચર્મચક્ષુએ જે દેખાય તે માયા અને પ્રજ્ઞાચક્ષુએ જે દેખાય તે ? તે પણ માત્ર દ્રશ્ય !!!?? તો સત્ય ક્યાં છે ?? કે પછી સત્યને જોવાનો પ્રયત્ન કરવો એ જ અજ્ઞાન છે ? – જુદી જુદી રીતે મૂલવી શકાય…. બીજા બધા શેરમાં પણ ઊંડાણ છે.

Comments (9)

છાની વાતને ફડક – ધૂની માંડલિયા

મારી જ અંદર, એક એકાકી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે.

જો જીભ આવે ભીંતને, તો તો શું થશે ?
પ્રત્યેક છાની વાતને એની ફડક છે.

ફૂલોને મળવા તોય દોડી ગઇ હવા,
એને ખબર છે, કાંટાનો પહેરો કડક છે.

હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ, આ ફરક છે.

આંખો અમારી છે એવો હક્ક દૃશ્યનો
આંસુ કહે, એવો અમારો મલક છે.

હમણાં જ એ આવી ગયા, એથી જ તો,
‘ધૂની’ શ્વાસના ચહેરા ઉપર કેવી ચમક છે.

– ધૂની માંડલિયા

Comments (8)

મુક્તક – ધૂની માંડલિયા

પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું.
માસ બારે માસ આંખે આમ ચોમાસું રહ્યું,
આયખાભર એ જ તારી યાદનું વાદળ હતું.

– ધૂની માંડલિયા

Comments (5)

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

ધરતીને ભલે આપણે મા ગણતાં હોઈએ, વૃક્ષ આપણી ધોરી નસ છે. કવિની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે તો એનું કવિત્વ શંકાશીલ ગણવું. કમનસીબી જોકે એ છે કે વૃક્ષપ્રીતિના કાવ્ય આપણે વૃક્ષમાંથી બનેલા કાગળ પર જ લખવા પડે છે…

Comments (10)

ગઝલ – ધૂની માંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

– ધૂની માંડલિયા

શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.

Comments (4)

ગઝલ – ધૂની માંડલિયા

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ  નમણો થાય છે.

-ધૂની માંડલિયા

Comments (12)