સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધીરેન્દ્ર મહેતા

ધીરેન્દ્ર મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભુજ શહેર-સ્થળમાં : એક વૃત્તાન્ત – ધીરેન્દ્ર મહેતા

ભુજને
કાંડું-પંજો અને આંગળીઓ પણ
ફૂટવા માંડી છે;
અને આંગળીઓએ સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે…
સ્નાયુની જેમ ઊપસેલો ભુજિયો
એ જ નથી ભુજની શોભા હવે;
પાંચે આંગળીએ પહેરેલી
અનેક વીંટીના નંગ સમી
શોભવા લાગી છે સોસાયટીઓ…
અને પાંચે આંગળીઓએ
ભીંસાઈ ભીંસાઈને
કેટકેટલું લેવા માંડયું છે મૂઠીમાં!
આ ભીંસથી
એની નસોમાં ફરતું લોહી
કાળું પડવા માંડયું છે.
એનાં નસકોરાંમાંથી નીકળતો ધુમાડો જોઈ
મને હતું
કાળું પડતું જશે
આ આખું શહેર;
૫ણ જોઉં છું,
આ નગરની એક આંખ
(જે ઓળખાતી હમીરસરને નામે)
ફરી પાછી છલકાઈ ઊઠી છે
અને તરવા લાગી છે
એની લખોટા જેવી કીકી.
એના ખાલીપા નીચે
ધરબાઈ ગયેલાં
આ નગરનાં સ્વપ્નોએ
વૃક્ષો બનીને
ફરી પાછું
આકાશને તાકવા માંડ્યું છે.
વીતી ગયેલા એક સ્વપ્ન જેવો મહાલય
એને પોપચે ઊભો રહીને
ફરી જાણે આ
આંખમાં પ્રવેશવા મથે છે.
જલપ્રવાહની આવમાં ખેંચાઈ આવેલાં
મત્સ્યોની જેમ એમાં
ફરી પાછું
કશુંક સળવળવા માંડયું છે
અને
સુકાઈ ગયેલા આંસુની ધાર જેવો રસ્તો
ફરી પાછો
રેલો બનીને
લે, આ તારા ચરણ લગી આવી પહોંચ્યો છે.
આ ભુજ
હાથ બનીને–આંગળીઓ બનીને–નહોર બનીને
આ આંખને ફોડી નાંખે
એ પહેલાં
ચાલ, જોઈ લઈએ,
એમાં તરતાં મત્સ્યો,
એમાં તરતાં સ્વપ્નો!

– ધીરેન્દ્ર મહેતા

નગરકાવ્યો આપણી સાહિત્યસમૃદ્ધિનું અગત્યનું પાસું છે. પ્રસ્તુત રચનામાં ભુજ કેન્દ્રસ્થાને છે. ભુજમાં પ્રચંડ ભૂકંપ આવ્યો એના પંદર-સોળ વર્ષ પહેલાં લગભગ ૧૯૮૫ની આસપાસમાં આ રચના લખાઈ છે, પણ ચાળીસેક વર્ષ પૂર્વે શહેરીકરણનો રાક્ષસ જેટલો પ્રભાવી અને વિકરાળ જણાતો હતો એટલો જ આજે પણ લાગતો હોવાથી રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે. બંધ મુઠ્ઠી ખૂલે અને આંગળીઓના પ્રસારને લઈને પંજાનો વિસ્તાર વધતો જાય એ રીતે ભુજ પણ વિસ્તરી રહ્યું છે. નગરમધ્યે વિરાજમાન ભુજિયો ડુંગર ભુજની એકમાત્ર શોભા નથી રહ્યો પણ શહેરમાં ફૂલીફાલી રહેલી સોસાયટીઓ વીંટીના નંગ સમી શોભી રહી છે એમ કહીને કવિએ વેધક કટાક્ષ કર્યો છે. પ્રદૂષણનો કાળોતરો આખા ભુજને ગળી જશે એવી ભીતિના કાળાં વાદળોમાં કવિને ફરી એકવાર છલકાવા લાગેલ હમીરસર તળાવ નામની સોનેરી કોર નજરે ચડે છે. પાંખા વરસાદવાળા વિસ્તારની સમૃદ્ધિ સ્વાભાવિકપણે જળની આવને આભારી જ હોવાની. હમીરસર તળાવના ભરાવાથી નગરનાં સ્વપ્નોને વૃક્ષ બની મહોરવાની તક સાંપડી છે. ઔદ્યોગિકીકરણનો રાક્ષસ નગરને ભરખી જાય, એ પૂર્વે જીવી લેવાના આહ્વાન સાથે કવિ વાત પૂરી કરે છે ત્યારે આપણી ચેતનામાં સળવળાટ શરૂ થાય છે…

Comments (2)

તળાવ -ધીરેન્દ્ર મહેતા

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર. – નવo

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર! – નવo

-ધીરેન્દ્ર મહેતા

ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ. નામ તો તળાવ છે પણ પાણી ટીપુંય નથી. તળાવમાં ટીપુંય પાણી નથી એટલે કાગડા-બગલાં તળિયાં ખોતરે છે અને એકાદું સૂકું તણખલું ચાંચમાં ખોરાક ઝાલીને પકદ્યા બાદ છેતરાયા હોવાના અહેસાસથી ચાંચ ખોલીને એને ફગાવે છે ત્યારે તળાવને જાણે પોતાની મૃત્યુચિઠ્ઠી ખોલતાં હોય એવું લાગે છે. માથે અસીમ આકાશ છે પણ એમાં સમ ખાવાનેય વાદળો નથી. તળાવ વિસરી ગયું છે કે અષાઢ, શ્રાવણ જેવી કોઈ ઋતુ પણ સમયચક્રમાં અસ્તિત્વ ધરાવે છે અને ગોરંભો તો ક્યાંય દેખાતો નથી. તળાવને જાણે તળાવનું નામ દઈને નામના બોજની પીડા વેંઢારવાનું લલાટે જડી ન દેવાયું હોય!

(મયણાં- મરણ, આળન્ગ- ગોરંભો, પીર-પીડા)

Comments (4)

રણાનુભૂતિ – ધીરન્દ્ર મહેતા

હજી ઉતારું કાગળ પર કૈં ત્યાં કાગળ પર દેખું છું રણ :
ઊડ્યા એવા આંધી થઈને અક્ષર જાણે રેતીના કણ !
દોડ્યું આ શું થઈ બા’વરું ફાળ ભરીને ગળે શોષને બાંધી,
હાંફી ચત્તીપાટ પડીને ઊડી ગઈ ક્યાં રણની કાંધી !
સન્નાટો-સૂનકાર સૂસવે, જોડીઆ પાવાના ચંગ,
સૂરો મૂંગા થઈને ઊભા, આંગળિયું થઈ તંગ.
આભ નિમાણું પડતું મૂકે, ઝાકળ-પલળ્યો ચંદ,
કાગળ માથે ખાબકવાનો અવાજ પોકળ આવે મંદ.
ત્યાં તો લેખન-અણીએ તબક્યું તાતું તીણું કેવું તીર !
સ્યાહી સ્યાહી થઈ દશે દિશા બચ્યું ન એમાં કાંઈ લગીર.

– ધીરન્દ્ર મહેતા

રણેરણ અલગ હોય છે. અહીં કવિ કોરા કાગળ પર વરસું-ન વરસું કરતાં ગોરંભાનું રણ લઈ આવ્યા છે. અક્ષરો આંધી થઈ જાય, ગળામાં શોષ બંધાઈ જાય, રણની કાંધી ઊડી જાય, ચાંદો કાગળમાં પડતું મેલે ને એવી કોઈ ઘડીએ એકાદું તીર છૂટે ને દશે દિશાઓ સ્યાહીસભર થઈ જાય એમ કવિતા રણની વચ્ચે રણદ્વીપ થઈ ફૂટી નીકળતી હોય છે. ‘ગાગાગાગા’ના લયબદ્ધ આવર્તનવાળો કટાવ છંદ અને પંક્તિ-પંક્તિએ બદલાતો વર્ણાનુપ્રાસ કવિતાને વધુને આસ્વાદ્ય બનાવે છે.

Comments (3)

કાળ – ધીરેન્દ્ર મહેતા

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

– ધીરેન્દ્ર મહેતા

ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!

Comments (8)

ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી? – ધીરેન્દ્ર મહેતા

કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.

સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.

આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.

એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.

અવાવરુ કુવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી,
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.

કઇ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી?

–  ધીરેન્દ્ર મહેતા

નાની ઉમ્મરમાં જ પોલીયોને કારણે અપંગ બનેલા આ સારસ્વત આપબળે અને માતાના દીધેલા સંસ્કારોના બળે બહુ મોટા ગજાના સાહિત્યકાર બન્યા.

તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક’ કરો 

Comments (1)