જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્લોક

શ્લોક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આત્મષટક - આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)
ગઝલમાં ગીતા - જ્યોતીન્દ્ર દવે
વિરહિણી - કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)
શ્રી મનના શ્લોક - સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)આત્મષટક – આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)

मनौबुद्धिय् अंहकार चितानि नहम
न च श्रोत्रः जि्व्हे न च घ्रणा नेत्र
न च व्योम भुमिर न तेजो न वायु
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the mind, nor the intellect, nor the ego, nor the mind-stuff;
I am neither the body, nor the changes of the body;
I am neither the senses of hearing, taste, smell, or sight,
Nor am I the ether, the earth, the fire, the air;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

નથી હું અહંકાર મન બુધ્ધિ કે ચિત્ત
નથી કાન હું જીભ કે નાક આંખો
નથી વ્યોમ ભૂમિ અગન કે પવન હું
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न च प्राणसञ्ज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातुर्न वा पञ्चकोशः
न वाक्पाणिपादौ न चोपस्थपायू
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither the Prâna, nor the five vital airs;
I am neither the materials of the body, nor the five sheaths;
Neither am I the organs of action, nor object of the senses;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન હું પ્રાણ કે ના હું છું પાંચ વાયુ
ન હું સાત ધાતુ ન હું પાંચ કોષો
ન વાણી, ગુદા, હાથ,પગ નહિ કે જનનાંગ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither aversion nor attachment, neither greed nor delusion;
Neither egotism nor envy, neither Dharma nor Moksha;
I am neither desire nor objects of desire;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને દ્વેષ કે રાગ નહિ લોભ કે મોહ
અને હું અભિમાન, ઇર્ષા વગરનો
ન મારે ધરમ, અર્થ નહિ કામ કે મોક્ષ
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ

*

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am neither sin nor virtue, neither pleasure nor pain;
Nor temple nor worship, nor pilgrimage nor scriptures,
Neither the act of enjoying, the enjoyable nor the enjoyer;
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને સુખ અને દુખ નથી પુણ્ય કે પાપ
ન મારે તીરથ, મંત્ર, વેદો કે યજ્ઞો
હું ભોજન નહીં અન્ન કે ક્યાં છું ભોક્તા
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

न मे मृत्युशंका न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I have neither death nor fear of death, nor caste;
Nor was I ever born, nor had I parents, friends, and relations;
I have neither Guru, nor disciple;I am Existence Absolute,
Knowledge Absolute, Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

મને મૃત્યુનો ભય નથી જાતિનો ભેદ
અહીંયા ન મારે પિતા માત કે જન્મ
ન મારે અહીં ભાઇ, ગુરુ,શિષ્ય કે મિત્ર
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

*

अहं निर्विकल्पो निराकाररूपो
विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धः
चिदानन्द रुपाः शिवोहं शिवोहं

I am untouched by the senses, I am neither Muktinor knowable;
I am without form, without limit, beyond space, beyond time;
I am in everything; I am the basis of the universe; everywhere am I.
I am Existence Absolute, Knowledge Absolute,
Bliss Absolute; I am He, I am He. (Shivoham, Shivoham).

ન સંકલ્પ મારે ને હું છું નિરાકાર
બધી ઇન્દ્રિયોમાં અને હું બધે છું
હું સમભાવ છું મારે નહિ મુક્તિ બંધન
ચિદાનંદ છું હું શિવોહમ શિવોહમ.

– આદિ શંકરાચાર્ય
(અંગ્રેજી અનુવાદ- સ્વામી વિવેકાનંદ)
(ગુજરાતી પદ્યાનુવાદ – ગૌરાંગ ઠાકર)

આદિ શંકરાચાર્યના અમર આત્મષટક અથવા નિર્વાણષટકના છ શ્લોકનો ગૌરાંગ ઠાકરે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે જે કાબિલે-દાદ છે. સાછંદ પદ્યાનુવાદ એવો તો સરળ, સહજ અને સર્વાંગસંપૂર્ણ થયો છે કે એવું જ લાગે જાણે શંકરાચાર્યે જાતે ગુજરાતી ભાષામાં જ આત્મષટક લખ્યું ન હોય!

રસિકજનો માટે ખાસ vintage value ધરાવતો સ્વામી વિવેકાનંદે કરેલો અંગ્રેજી ભાવાનુવાદ પણ અહીં રજૂ કર્યો છે.

Comments (9)

શ્રી મનના શ્લોક – સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

man na shlok

*

લગભગ ચારસો વર્ષ પૂર્વે (ઈ.સ. ૧૬૦૮માં) મહારાષ્ટ્રમાં જન્મેલા સમર્થ રામદાસ (મૂળ નામ નારાયણ ઠોસર) માત્ર છત્રપતિ શિવાજીના ગુરુ હોવાના નાતે નહીં પણ એમના श्री मनाचे श्लोक (શ્રી મનના શ્લોક)ના કારણે વધુ વિખ્યાત છે. છેલ્લી ચાર-ચાર સદીઓથી આ શ્લોક મરાઠી માનુષના આત્મસંસ્કારનું સિંચન-ઘડતર કરી રહ્યા છે. મકરંદ મુસળે આ શ્લોકોનો સાછંદ પદ્યાનુવાદ લઈ આપણી પાસે આવ્યા છે…

એક-એક શ્લોક ખરા સોના જેવા…

*

मना जे घडी राघवेवीण गेली।
जनीं आपुली ते तुवां हानि केली॥
रघूनायका वीण तो शीण आहे।
जनी दक्ष तो लक्ष लावूनि पाहे॥४६॥

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો
પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

मना कल्पना कल्पितां कल्पकोटी।
नव्हे रे नव्हे सर्वथा रामभेटी॥
मनीं कामना राम नाही जयाला।
अती आदरे प्रीती नाही तयाला॥५९॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો
ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

मना राम कल्पतरु कामधेनु।
निधी सार चिंतामणी काय वानू॥
जयाचेनि योगे घडे सर्व सत्ता।
तया साम्यता कायसी कोण आता ॥६०॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

उभा कल्पवृक्षा तळीं दु:ख वाहे।
तया अंतरीं सर्वदा तेचि आहे॥
जनी सज्जनी वाद हा वाढवावा।
पुढें मागता शोक जीवीं धरावा॥६१॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે
મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી)
(અનુ. મકરંદ મુસળે)

Comments (7)

વિરહિણી – કાલિદાસ (અનુ. કિલાભાઈ ઘનશ્યામ)

નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું !

બેઠેલી એ નજર પડશે દેવપૂજા વિશે કે,
કલ્પી મારી કૃષ છબી, હશે કાઢતી ચિત્રમાંહે,
કિવા હોશે પૂછતી મધુરું બોલતી સારિકાને,
સંભારે છે અલિ ! તું પિયુને લાડકી બ્હૌ હતી તે !

ઝાંખા અંગે વસન ધરીને અંકમાં રાખી વીણા,
મારા નામે પદ રચી હશે ઇચ્છતી, સૌમ્ય ! ગાવા;
તંત્રી ભીની નયનજળથી લૂછી નાખી પરાણે,
આરંભે ને ઘડી ઘડી વળી મૂર્છના ભૂલી જાયે.

પેલાં બાંધી અવધ મહીં જે માસ બાકી રહેલા,
બેઠી હોશે ગણતી, કુસુમો મૂકીને ઉંબરામાં,
કિંવા હોશે ઝીલતી રસમાં કલ્પી સંયોગ મારો,
હોયે એવા પિયુવિરહમાં કામિનીના વિનોદો.

(મેઘદૂત – ઉત્તર મેઘ, શ્લોક: ૨૪-૨૭)

– કાલિદાસ
અનુ. કિલાભાઈ ઘનશ્યામ

લગભગ બેએક હાજર વર્ષ પૂર્વે કવિ કાલિદાસે રચેલ મેઘદૂત વિરહનું મહાકાવ્ય છે. કુબેરના શ્રાપના કારણે વિરહ પામેલો અર્ધમાનવ-અર્ધદેવ સમ યક્ષ રામગિરિના આશ્રમોમાં ભટકે છે અને અષાઢના પહેલા દિવસે આકાશમાં ઘેરાયેલા વાદળો મારફતે પોતાની પ્રિયાને  પ્રેમસંદેશ મોકલાવવા જે સંવાદ કરે છે એ પ્રણયોર્મિની કાલાતીત અને શાશ્વત કવિતા છે.

પ્રસ્તુત ચાર શ્લોકોમાં કવિ યક્ષને એની પ્રિયાનું વિરહાસન્ન ચિત્ર દોરતો બતાવે છે.

હાથ ઉપર ટેકવેલું મોઢું વિખેરાઈ ગયેલા વાળ (વિરહવ્યાકુળ સ્ત્રી કેશગુંફન કરેય કોના માટે?) વચ્ચેથી જરા-જરા દેખાતું હશે, જાણે મેઘછાયા કાળા વાદળો વચ્ચેથી ડોકાતો ચન્દ્ર ! આંખોય રડી રડીને સૂજી ગયેલી હશે અને લાલ હોઠ પણ ફીકા-લૂખા પડે ગયા હશે.

યક્ષને ખાતરી છે કે વિયોગની આ વસમી ઘડીઓનો વેળાસર અંત આવે એ માટે એ પ્રોષિતભર્તૃકા બહુધા દેવપૂજામાં જ એનો સમય વ્યતીત કરતી હશે. અથવા એના વિના હું કેવો કૃષ થઈ ગયો હોઈશ એની કલ્પના મારું ચિત્ર દોરી કરતી હશે કે પછી પાંજરામાં પૂરેલ સારિકાને પૂછતી હશે કે તું તો એમની બહુ લાડકી હતી ને ? હવે એમને યાદ કરે છે ? આ સારિકા દેહના પંજરામાં કેદ આત્મા હોઈ શકે ?

અંગ પર એણે વસ્ત્રો પણ ઝાંખા જ પહેર્યા હશે… વિરહાસક્ત સ્ત્રી શણગાર પણ કોના માટે સજે ? અને ખોળામાં વીણા મૂકી એ મારા નામના પદ રચીને ગાવા ઇચ્છતી હશે પણ એકધારા વહેતા આંસુઓના કારણે તાર ભીનાં જ થયા કરતા હશે. વળી વળીને તાર લૂછીને એ ગાવું આરંભતી પણ હશે પણ આરોહ-અવરોહ સઘળું ભૂલી જતી હશે…

શાપ મુજબ વિરહની બાંધી મુદત પૂરી થવામાં કેટલા મહિનાની વાર છે તે એ ઉંબરે બેસીને ફૂલો ગોઠવીને ગણે છે. પ્રતીક્ષાની ચરમસીમાનું ઉત્કટોત્તમ ચિત્ર કવિ અહીં દોરે છે. મિલન થવા આડે તો હજી કેટલાય મહિના બાકી છે પણ એ તો અત્યારથી જ ઉંબરા પર જઈ બેઠી છે !

(અરુણા= લાલ, કલુષિત= મલિન, કૃષ= નિર્બળ, હોશે= હશે, વસન= વસ્ત્ર, તંત્રી=વીણાનો તાર, મૂર્છના=સાત સ્વરોનો ક્રમસર આરોહઅવરોહ કે થાટ, અવધ=અવધિ)

Comments (10)

ગઝલમાં ગીતા – જ્યોતીન્દ્ર દવે

મજહબ મયદાન ક્રુરુક્ષેત્રે, મળ્યા પાંડવ કૌરવ.
જમા થઇ શું કર્યું તેણે? બિરાદર બોલ તું સંજય!

નિહાળી ચશ્મથી લશ્કર, કંઇ દુશ્મનનું દુર્યોધન
જઇ ઉસ્તાદ પાસે લફ્ઝ કહ્યા તે સુણ દોસ્તેમન!

બિરાદર દોસ્ત ને ચાચા, ઊભા જો! જંગમાં સામા,
કરીને કત્લ હું તેની, બનું કાફિર, ન એ લાજિમ.

ન ઉમ્મિદ પાદશાહતની, ન ખ્વાહિશ છે ચમનની યે
કરું શું પાદશાહતને, ચમનને ! અય રફિકે મન!

ધરી ઊમ્મિદ જે ખાતિર જિગરના પાદશાહતની.
ઊભા તે જંગમાં મૌજુદ ગુમાવા જાન દૌલતને.

લથડતા જો કદમ મારા, બદન માંહી ન તાકત છે;
ન છૂટે તીર હાથોથી, જમીં પર જો પડે ગાંડીવ!

– જ્યોતીન્દ્ર દવે

જ્યોતીન્દ્ર દવે હાસ્ય લેખો માટે પ્રસિદ્ધ છે, પણ તેમણે થોડી કવિતાઓ પણ લખેલી છે . તે ઘણા નહીં જાણતા હોય. જો તે આ ક્ષેત્રમાં પડ્યા હોત તો, તે પણ તેમણે સર કરી નાંખ્યું હોત, તે ઊપરની ગઝલ પરથી જોઇ શકશો.
જે લેખમાં આ ગઝલ તેમણે મૂકી છે તે ધર્મનિરપેક્ષતા પ્રસારવાનો ઉદ્દેશ્ય પણ સર કરે છે. જેમણે આખો લેખ વાંચવો હોય તે તેમનું પુસ્તક ખરીદીને વાંચે !!!

Comments (9)