हम आप के हैं कौन ? – અમરુ (ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)
बाले नाथ विमुञ्च मानिनि रुषं रोषान्मया किं कृतम्
खेदोऽस्मासु न मेऽपराध्यति भवान्सर्वेऽपराधा मयि ।
तत्किं रोदिषि गद्गदेन वचसा कस्याग्रतो रुद्यते
नन्वेतन्मम का तवास्मि दयिता नास्मीत्यतो रुद्यते ॥५७॥
– अमरू
આજે ‘વેલેન્ટાઇન ડે’ પર લયસ્તરોના વાચકવૃંદ માટે એક વિશેષ પ્રસ્તુતિ:
આશરે તેરસો-ચૌદસો વર્ષ પૂર્વે થઈ ગયેલ અમરુનું ‘અમરુશતકમ્’ વિશ્વસાહિત્યમાં ટોચે બિરાજમાન થવાની લાયકાત ધરાવે છે. અગાઉ આપણે એમના કેટલાક મુક્તકો આસ્વાદ્યા છે. પ્રસ્તુત મુક્તક સંવાદકાવ્યમાં શ્રેષ્ઠતમ લેખી શકાય એવું છે. શાર્દૂલવિક્રીડિત છંદમાં લખાયેલી ચાર પંક્તિઓના સાવ નાનકડા ઘરમાં કવિએ સ્ત્રી-પુરુષ સંબંધ અને પ્રેમનું આખેઆખું આકાશ ખીચોખીચ ભરી દીધું છે જાણે.
પુરુષ : બાળા.
સ્ત્રી : નાથ!
પુરુષ : રોષ ત્યાગ, માનુનિ.
સ્ત્રી : ગુસ્સા વડે મેં શું કર્યું?
પુરુષ : અમને ખેદ થાય છે.
સ્ત્રી : આપનો તો કોઈ જ દોષ નથી. બધા દોષ મારામાં જ છે,
પુરુષ : તો પછી રુંધાયેલી વાણીથી કેમ રડી રહી છે?
સ્ત્રી : કોની આગળ રડી રહી છું?
પુરુષ : અરે! મારી આગળ.
સ્ત્રી : હું તમારી કોણ થાઉં છું?
પુરુષ : દયિતા.
સ્ત્રી : નથી. માટે તો રડી રહી છું.
(ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર)
ચાર પંક્તિમાં કેટલી ગહન વાત! પોતાની પ્રિયાને પુરુષ બાળા કહીને સંબોધે છે અને સ્ત્રી એને નાથ કહીને. આ બે જ શબ્દોમાં સંબંધના આખા આકાશનો સંપૂર્ણ ઊઘાડ થઈ જાય છે. પુરુષ માટે પોતાની પ્રિયા બાળક સમાન છે. એના માટે આ સંબંધ સાવ હળવો છે એટલે એ પ્રિયાને લાડમાં બોલાવે છે. પણ સ્ત્રી માટે એ ભગવાન છે, સર્વસ્વ છે. સ્ત્રી આ સંબંધમાં સમાનતા નથી અનુભવતી એટલે એ પુરુષના લાડભર્યા સંબોધનના પ્રત્યુત્તરમાં ‘નાથ’ જેવો ઠંડો ઉદગાર કાઢે છે.
ક્ષણાર્ધપૂર્વે લાડ કરતો પુરુષ આ ઠંડોગાર જવાબ મળતાં જ રંગ બદલે છે. એ સ્ત્રીને માનિની અર્થાત્ માનભૂખી, અભિમાની સંબોધીને ગુસ્સાનો ત્યાગ કરવા કહે છે. સ્ત્રી સામું પૂછે છે કે રોષે ભરાઈને મેં શું કર્યું? મે ંતમને તો કોઈ નુકશાન પહોંચાડ્યું નથી. પુરુષ ‘અમને ખેદ થાય છે’ એમ કહે છે ત્યારે પોતાના માટે માનાર્થે બહુવચન વાપરે છે. એક આત્મસંબોધન માત્રથી પુરુષનું સ્વામિત્વ –superior sex- કવિએ કેવું બખૂબી છટું કર્યું છે!
સ્ત્રી કહે છે કે આપનો તો કોઈ વાંકગુનો છે જ નહીં, પછી આપ શા માટે ખેદ અનુભવો છો? જે કંઈ દોષ છે એ બધા તો માત્ર મારામાં જ છે. નાયિકા પક્ષે પુરુષપ્રધાન સંસ્કૃતિનો આ સહજ સ્વીકાર છે. એ પોતાના દુઃખનું કારણ જે છે, એને દોષીકરાર આપવાના બદલે દોષનો અંચળો પોતાના પર ઓઢી લે છે. પ્રણયની, રિસાવાની આ અદા જાણીતી છે. પણ એનો અવાજ રુંધાયેલો છે. એનો કંઠ બોલતાં-બોલતાં ડૂસકાંઓના કારણે ગદગદ થઈ જાય છે એ અછતું રહેતું નથી એટલે પુરુષ ફરી પૂછે છે કે તો પછી આ રુંધાયેલી વાણી શા માટે? રડે છે શા માટે? સ્ત્રીનો વળતો સવાલ, કે ‘કોની આગળ રડી રહી છું’ સાવ rhetorical question છે, એમાં ભારોભાર ઉપાલંભ છે. સામેનો પુરુષ પથ્થર છે અને પોતાના આંસુ પથ્થર પર પાણી છે એનો ઠંડો ડામ એ પુરુષને દીધા વિના રહેતી નથી. નાયક મારી આગળ એવો જવાબ તો આપે છે પણ એના આ જવાબમાં સ્નેહની ઉષ્મા વર્તાતી નથી. નાયિકા પૂછે છે કે હું તમારી કોણ થાઉં છું? નાયક એક શબ્દમાં દયિતા યાને કે પ્રાણપ્યારી, પત્ની એવો જવાબ આપે છે પણ આ એક શબ્દના સીધાસપાટ જવાબમાં પુરુષની સ્ત્રી પરત્વેની સંવેદનશૂન્યતા છતી થયા વિના રહેતી નથી. નાયિકા વળતો ચાબખો વીંઝે છે. કહે છે, કે હું સાચા અર્થમાં તમારી વહાલી હોત, પ્રાણપ્રિયા હોત, પત્ની હોત તો મારે આમ રોષે ભરાવાની કે રડવાની જરૂર જ શી હોત? તમારો પ્રેમ મારા પર હવે રહ્યો નથી, હું હવે તમારી વહાલી હોવાનો અનુભવ કરતી નથી એ કારણે તો મારાથી રડી પડાય છે.
કેવું અદભુત મુક્તક!
Kajal kanjiya said,
February 14, 2021 @ 1:52 AM
શું કહેવું!!!😷
Pravin Shah said,
February 14, 2021 @ 2:02 AM
ખૂબ સરસ !
આસ્વાદથી તો ખૂબ મઝા આવી ગઈ !
Dilip Chavda said,
February 14, 2021 @ 2:30 AM
ખૂબ સરસ
હંમેશની જેમ મસ્ત આસ્વાદ
Aasifkhan said,
February 14, 2021 @ 3:22 AM
ખૂબ સરસ આસ્વાદ
Uma Parmar said,
February 14, 2021 @ 3:46 AM
વાહ! કેવું સરસ
Prahladbhai Prajapati said,
February 14, 2021 @ 8:45 AM
સરસ્
pragnajuvyas said,
February 14, 2021 @ 9:15 AM
અમરુના શ્લોક
नाथ!
विमुञ्च मानिनि!रुषं,
रोषान्मया किं कृतम्?
खेदोऽस्मासु,
न मेऽपराध्यति भवान् सर्वेऽपराधामयि।
तत्किं रोदिषि गद्गदेन वचसा?
कस्याग्रतो रुद्यते?
नन्वेतन्मम?
का तवास्मि?
दयिता!
नास्मीत्यतो रुद्यते।।નો ડૉ વિવેક દ્વારા સુંદર ભાવાનુવાદ:
અને
આ અદભુત મુક્તકનો ખૂબ સ રસ આસ્વાદથી માણવાની મજા આવી
ધન્યવાદ
Maheshchandra Naik said,
February 14, 2021 @ 2:54 PM
ગહન વિષયનો રસદાયી ભાવાનુવાદ વેલેન્ટાઈન ડે ને અવસર બનાવ્યો,
સરસ સ્ત્રી પુરુષની સંવાદીત પ્રેમની અભિવ્યક્તિનો ભાવનુવાદ
ડો.વિવેકભાઈને અભિનદન અને આભાર…..
lata hirani said,
February 14, 2021 @ 11:11 PM
મતલબ જે સદીઓ પહેલાંય આ જ પરિસ્થિતી હતી !! હા હા હા…..
પૃથ્વીના સર્જનથી માંડીને એના અસ્તિત્વ સુધી આ જ પરિસ્થિતી રહેવાની છે….. !!!!
હે દંપતિઓ આશ્વસ્ત થવું !!
Poonam said,
February 15, 2021 @ 11:28 PM
नास्मीत्यतो रुद्यते ॥५७॥
– अमरू
સ્ત્રી : નથી. માટે તો રડી રહી છું.
(ભાવાનુવાદ: વિવેક મનહર ટેલર) Sataak… ne satik… 13 so 14 so varsh pahela nu mukatak ne 21 mi Sadi ni thali ma pirasva mate aabhaar sa-Ras 😊
વિવેક said,
February 16, 2021 @ 12:35 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….
રસિક દવે said,
February 18, 2021 @ 6:01 AM
વાહ વાહ
ખૂબ સરસ આસ્વાદ વિવેકભાઈ.
વિવેક said,
February 18, 2021 @ 7:08 AM
આભાર…