ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંજય પંડ્યા

સંજય પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – સંજય પંડ્યા

નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.

હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.

ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.

ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.

તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

-સંજય પંડ્યા

સંજય પંડ્યાની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે એક ગઝલ ઓર. પહેલા શેરનું ‘ડિસેક્શન’ કરીએ. હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે.  ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે !  નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે. નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકી દીધા બાદ હસ્તરેખાઓને કાયમી સાચવી રાખવાના વલણને પણ ‘સાચવી’ને હાથમાં મૂકવાની વાત કરીને કવિ નદીની સૌંદર્યસમૃદ્ધિ હસ્તગત કરવા કહે છે. ખેર, આ તો થયું મારું અર્થઘટન ! આ શે’રનો અર્થવિન્યાસ કોઈ ઓર પણ હોઈ શકે છે…

હાથમાં મૂકવાની આ ગઝલમાં કવિ પાંચેય શેરમાં જળના જ અલગ-અલગ આયામ બખૂબી ઉપસાવે છે. એમાંય ઢળતી સાંજે ચોસલાસોતા મળતા સરોવરના નવાનક્કોર શિલ્પ કોતરવાની વાત મને ખૂબ ગમી ગઈ…

Comments (9)

ગઝલ- સંજય પંડ્યા

નવી તાજી હવાની મહેક સાંગોપાંગ મળશે તો !
સુગંધી આવરણનો કેફ સાંગોપાંગ મળશે તો !

હું અશ્મિભૂત અવશેષો સમું મારું જીવન લઈને,
હજી શોધું વિધિના લેખ સાંગોપાંગ મળશે તો !

વરાળી શ્વાસનું સ્મારક અને તારા જ હસ્તાક્ષર,
હવે એ ફેફસાંમાં છેક સાંગોપાંગ મળશે તો !

જટા, ધૂણી, ભભૂતિ, આગ, ચીપિયા કે કમંડળમાં
અમારા પ્રેમની અહાલેક સાંગોપાંગ મળશે તો !

જળાશયની પ્રતિષ્ઠા આંખમાં અકબંધ રાખીને,
જુઓ ભીનાશનો આલેખ સાંગોપાંગ મળશે તો !

– સંજય પંડ્યા

મુંબઈગરા સંજય પંડ્યા માત્ર દેખાવે જ ફિલ્મ સ્ટાર જેવા નથી, એમની કવિતાઓ પણ એટલી જ સોહામણી છે. મુંબઈની ભીડમાં ભીંસાતા હોવા છતાં એમની કવિતામાં ગામડું અને ગામઠી ભાષા જ ઠેર-ઠેર પથરાયેલાં જોવા મળે છે. તળપદી ભાષા પર હથોટી એ સંજયના ગીત-ગઝલોની વિશેષતા છે. અને છતાં આધુનિક્તાથી યે એ લગીરે વેગળાં નથી જ. એક-બે બીજા શેર પણ મમળાવીએ:

મેઈલ કરું છું લાગણી, ટાઈપ કરું છું વ્હાલ,
કમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ !

બળતી સિગાર જેવી અડધી હશે બળેલી,
બે આંગળીની વચ્ચે ઘટના જ પડતી મેલી.

Comments (3)