ગઝલ – સંજય પંડ્યા
નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.
હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.
ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.
ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.
તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.
-સંજય પંડ્યા
સંજય પંડ્યાની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે એક ગઝલ ઓર. પહેલા શેરનું ‘ડિસેક્શન’ કરીએ. હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે. ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે ! નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે. નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકી દીધા બાદ હસ્તરેખાઓને કાયમી સાચવી રાખવાના વલણને પણ ‘સાચવી’ને હાથમાં મૂકવાની વાત કરીને કવિ નદીની સૌંદર્યસમૃદ્ધિ હસ્તગત કરવા કહે છે. ખેર, આ તો થયું મારું અર્થઘટન ! આ શે’રનો અર્થવિન્યાસ કોઈ ઓર પણ હોઈ શકે છે…
હાથમાં મૂકવાની આ ગઝલમાં કવિ પાંચેય શેરમાં જળના જ અલગ-અલગ આયામ બખૂબી ઉપસાવે છે. એમાંય ઢળતી સાંજે ચોસલાસોતા મળતા સરોવરના નવાનક્કોર શિલ્પ કોતરવાની વાત મને ખૂબ ગમી ગઈ…