વિશ્વ-કવિતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 6, 2007 at 12:40 AM by વિવેક · Filed under પ્રહરાજ નંદ, ભોળાભાઈ પટેલ, વિશ્વ-કવિતા
તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !
તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !
તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.
-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ
પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…
Permalink
December 6, 2007 at 12:30 AM by વિવેક · Filed under ઇન્દ્રજીત મોગલ, યેહુદા અમિચાઈ, વિશ્વ-કવિતા
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.
–યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ
ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…
યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.
Permalink
December 5, 2007 at 1:05 AM by ધવલ · Filed under અછાંદસ, ડોરથી લિવસે, વિશ્વ-કવિતા
તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.
– ડોરથી લાઈવસે
કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !
Permalink
December 5, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, દ.ભા. ધામણસ્કર, વિશ્વ-કવિતા
વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”
મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…
હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.
– દ.ભા. ધામણસ્કર
પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.
Permalink
December 4, 2007 at 1:35 AM by વિવેક · Filed under અનુપમા બસુમતારી, નૂતન જાની, વિશ્વ-કવિતા
મારો પોષાક પથ્થરનો
મારાં ઘરેણાં પથ્થરનાં
મારા હોઠ – તે સુદ્ધાં પથ્થરના હતા;
હું કશું જ બોલી શક્તી નહોતી.
તે આવ્યા,
તેમણે મારી તરફ જોયું
મારાં જીર્ણ અંગેઅંગ નીરખ્યાં,
કાળજીપૂર્વક કોતર્યાં
મારાં સ્તન, મારા હોઠ ને આંસુ
પથ્થરના શરીરમાંથી કાઢીને
તેઓ મને
એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા.
એમના હાથમાં જાદુ હશે,
અથવા તો તે વેળા જ હશે
હૃદયના મિલનની-
એક દિવસ
મારું હૃદય ધડકવા લાગ્યું
અને મારા બાહુઓએ
એમને નજીક લીધા
ત્યારથી હું સ્ત્રી છું.
-અનુપમા બસુમતારી (આસામી)
અનુ. નૂતન જાની
સ્ત્રી હોવાના મનોભાવો જે સૂક્ષ્મતાથી આ કાવ્યમાં કંડારવામાં આવ્યા છે એ જવલ્લે જ કોઈ કાવ્યમાં જોવા મળશે. કવિતાની શરૂઆત જ કવયિત્રી એ પોષાક અને ઘરેણાંથી કરી છે એ પણ સૂચક છે. એ આવ્યા પણ એ કોણ એ કવયિત્રી સહેતુક અધ્યાહાર રાખે છે. એ કોણ? સર્જનહાર કે પ્રિયતમ? અને એ જ્યારે એને ઘડે છે ત્યારે કવયિત્રી વળી સહેતુક સ્તન, હોઠ અને આંસુ- આ ત્રણ શબ્દો વાપરે છે. આ જ સ્ત્રીનો સરવાળો છે અને કવિતાના શબ્દોની ખરી કમાલ પણ છે. પણ આ પથ્થરમાં હૃદય ધડકે તો પણ એ સ્ત્રી નથી બનતો. આ પથ્થર સ્ત્રી બને છે એના પ્રિયતમને બાહુઓમાં સમેટી લે ત્યારે…
Permalink
December 4, 2007 at 1:03 AM by વિવેક · Filed under યારોસ્લાવ સાઈફર્ત, વિશ્વ-કવિતા, વિષ્ણુ પંડ્યા
દુનિયામાં રચાતી
શતસહસ્ત્રો કવિતામાં
મેંય ઉમેરી છે મારી કવિતા.
જાણું છું-
તમરાંના અવાજ જેટલી યે સાથે નહીં હોય
ચન્દ્રની માટી પર દેખાતા ચિહ્નો
જેવો ચમત્કાર પણ ક્યાંથી વળી?
ના, એટલું અજવાળું પણ નહીં
ને છતાંય મને પ્રિય છે મારી ભાષા.
ભાષાનું એ અદકેરૂં રૂપ
જે ખામોશ હોઠ પર થરથરાટ સર્જે છે
રક્તિત આભાથી ન્હાતાં મેદાનો પરથી
ધી…ર સૂર્યાસ્તના ઉજ્જવળ પ્રકાશે
ચાલ્યે જતા યુવા પ્રણયીઓનાં
ચુમ્બનમાં તે પલટાઈ જશે.
ક્યારની આપણી સંગાથે છે કવિતા
પ્રેમની જેમ.
ભૂખની જેમ.
મહામારી આજે યુદ્ધ સરખી
મૂર્ખતાથી લજ્જિત થઈ અનેકવાર
પણ તેથી શું ?
મારે નથી કરવો ખુલાસો,
હું જાણું છું-
સુન્દર શબ્દોની ખોજ
અનેકગણી બહેતર છે, હત્યાઓથી.
-યારોસ્લાવ સાઈફર્ત (ચેકોસ્લોવેકિયા)
અનુ. વિષ્ણુ પંડ્યા
વિશ્વયુદ્ધોએ માણસને જેટલો તોડ્યો છે, શબ્દોએ એટલો જ જોડ્યો છે. બૉંબ, ગોળીઓ, તોપથી રેડાતા શોણિતની વચ્ચે હતાશા, ભય અને આતંકની પ્રેતછાયાઓ શ્વાસમાં લેતા મનુષ્ય માટે તમરાંના અવાજ જેવી ક્ષીણ અને ચંદ્રયાત્રા જેવા ચમત્કારવિહોણી કે ઘસાઈ-ઘસાઈને પોતાનો પ્રકાશ ગુમાવી ચૂકેલી ભાષા જ એક આશ્વાસન છે અને એટલે જ હજારો લાખો કવિતાઓ લખાઈ ચૂકી હોવા છતાં કવિ એમાં પોતાની કવિતા ઉમેરતા રહે છે. જે મેદાનો પર યુદ્ધમાં રેડાયેલા રક્તની લાલાશ છવાઈ છે ત્યાં જ થશે પ્રેમીજનોના ચુમ્બનોની લાલીનો સૂર્યોદય. પ્રેમ અને ભૂખ એ સૃષ્ટિના તીવ્રતમ સંવેદન છે. કવિ કવિતાના શબ્દને બંનેની જોડાજોડ મૂકે છે કારણ કે એ જાણે છે કે સુંદર શબ્દોની શોધ જ અંતે તો કોઈપણ હત્યાથી અનેકગણી બહેતર છે.
સાઈફર્ટ 1984માં સહિત્ય માટેનું નોબેલ-સમ્માન મેળવનાર પ્રથમ ચેક કવિ હતા. (જન્મ:23-09-1901, મૃત્યુ:10-01-1986)
Permalink