ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

ગઝલ – મનીષ પરમાર

આ હવાની ભીંત કોતરવી પડે,
શ્વાસને ડ્હોળી નદી તરવી પડે.

વેદનાનાં વ્હેણ ક્યારે થંભશે ?
કે ક્ષણોની નાવ લાંગરવી પડે.

મ્હેકને ઢાળી હવા ચાલી ગઈ,
શ્વાસની શીશી ફરી ભરવી પડે.

સૂર્યના ઘોડા ઉપર બેસી હવે,
વાદળોની ખીણ ઊતરવી પડે.

હુંય સરનામું બની ભૂલો પડ્યો,
ને ગલી અંધારની ફરવી પડી.

– મનીષ પરમાર

મત્લાના શેરમાં જ કવિ બે મિસરામાં બે સાવ અલગ-અલગ ચિત્રો દોરી આપે છે. એકબાજુ હવાની ભીંત કોતરવાની વાત છે તો બીજી બાજુ શ્વાસની નદી તરવાની.. બંને સાવ જ નોખા કલ્પન અને તોય બંને વચ્ચેનો તાંતણો હવા અને શ્વાસના અદ્વૈતના કારણે અલગ નથી અનુભવાતો. આ જ તો કવિની તાકાત છે. આખી જિંદગી હવાની ભીંત કોતર્યા કરતા શ્વાસને અંતે તો ડ્હોળાઈ ગયેલી નદી – વૈતરણી?- તરવી જ પડતી હોય છે…

પણ આવી મજાની ગઝલમાં કવિએ આખરી શેરમાં રદીફ ‘પડે’ની જગ્યાએ ‘પડી’ કેમ લીધી હશે? કે પછી એ ટાઇપ-ભૂલ હશે?!

5 Comments »

 1. narendrasinh chauhan said,

  May 16, 2013 @ 3:23 am

  હુંય સરનામું બની ભૂલો પડ્યો,
  ને ગલી અંધારની ફરવી પડી. ખુબ સરસ્

 2. RASIKBHAI said,

  May 16, 2013 @ 8:42 am

  વ્વાા નિ ભિત સ્વાસ્નિ ખિન વાહ મનિશ વાહ

 3. Deval said,

  May 17, 2013 @ 1:05 am

  aakhe aakhi gazal khub gami….4th sher ma kaiv shree shu kehva mange chhe aeno koi aaswad karavi shakshe? @vivek sir?

 4. Maheshchandra Naik said,

  May 17, 2013 @ 5:50 pm

  આ રચના એટ્લે જીવંત વેદના……………….

 5. વિવેક said,

  May 20, 2013 @ 10:02 am

  @ દેવલ:

  ચોથા શેરની વાત:

  સૂર્યના ઘોડા ઉપર બેસી હવે,
  વાદળોની ખીણ ઊતરવી પડે.

  કવિતા હંમેશા કંઈ અર્થપૂર્ણ જ વાત કરે એ જરૂરી નથી. ગુજરાતી કવિતા ઘણા લાંબા સમયથી ખોટા માર્ગે દોરવાતી આવી છે અને ફિલસૂફી કે ચમત્કૃતિને જ આપણે કવિતા માનવા માંડ્યા છીએ. કવિતા ક્યારેક થોડા લસરકાં માત્રથી એક ચિત્ર ખડું કરી દે જે ઇન્દ્રિયોને અડકી જતું હોય તો પૂરતું છે.

  એરિસ્ટોટલે કહ્યું હતું: It is better to impart probable impossibilities rather than improbable possibilities…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment