શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
જલન માતરી

બન્યા કરે – હસિત બૂચ

એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.

ફૂલ અકારણ કાંટો થાય;
ભઈ
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય ?
મળિયો મારગ તજી જવાય ?
એવુંયે અહીં બન્યા કરે;
પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,
કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;
ભલે
ન પળ એ રટ્યા કરાય !

ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય ?
એવું તો અહીં બન્યા કરે,
કે –
એવુંયે ભઈ, બન્યા કરે,
કે –

– હસિત બૂચ
(‘ઓચ્છવ’)

બન્યા કરે એ નિયતિના સ્વીકારનું કાવ્ય છે. આપણી અડધી જીંદગી બનેલાનો પ્રતિકાર કરવામાં જાય છે. જે બની ગયું છે – એ સત્યને સ્વીકારીને આગળ વધવું એ આપણો ધર્મ છે. આ સાદી વાત કવિએ બહુ મીઠી રીતે કરી છે.
( વિતથ = ખોટું, અસત્ય )

3 Comments »

 1. વિવેક said,

  December 18, 2007 @ 1:02 am

  મજાનું કાવ્ય… મને એક વાક્ય યાદ આવી ગયું: “Life is 10% what happens to us & 90% how we respond to it !”

 2. Pragnaju Prafull Vyas said,

  December 18, 2007 @ 9:36 am

  સુંદર ગીત
  ભલે
  વિરલ એ;
  વિતથ કેમ એને કહેવાય ?
  એવું તો અહીં બન્યા કરે,
  કે –
  એવુંયે ભઈ, બન્યા કરે,
  કે –
  આ પંક્તીઓ ગમી
  મનોજનું વારંવાર સાંભળેલું ગીત યાદ આવ્યું
  પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
  આ હાથ આખેઆખો બળે એમ પણ બને
  જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
  મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
  એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
  એક પગ બીજા ને છળે એમ પણ બને
  જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
  ને એ જ હોય પગની તળે એમ પણ બને
  તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
  અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
  અને મીના આ રીતે કહે છે
  ઘણી વાર એવું પણ બને છે
  હસતાં હસતાં આંખ ભરાઈ જાય
  ને આંસુ પણ છલકાઈ જાય
  જે વાત ખાનગી રાખવાની હોય
  ને એ જ હોઠો પર આવી જાય
  ઘણી વાર એવું પણ બને છે
  ઘણી વાર એવું પણ બને છે
  દિવસ ભર નજરમાં રહે શોધ
  ને સાંજ પણ આમ જ વીતી જાય
  રાત્રે અચાનક સ્વપ્નમાં આવી
  ને તમારા દિલમાં સમાઈ જાય
  ઘણી વાર એવું પણ બને છે
  ઘણી વાર એવું પણ બને છે
  જિંદગીભર પ્રતિક્ષા કરો ને
  પ્રતિક્ષા જ જિંદગી બની જાય
  અચાનક તમારી સામે આવી જાય
  ને કયામતનો દિવસ બની જાય
  ઘણી વાર એવું પણ બને છે.

 3. ભાવના શુક્લ said,

  December 18, 2007 @ 2:11 pm

  આટલા ક્ષુલ્લુક અને નિરાકાર ભાવે ખરેખર જીવનને જોઇ શકીએ !!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment