નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

શાંત છે ! – ચંદ્રકાંત શેઠ

રમ્ય આ એકાંત છે,
સ્નેહ કેવો શાંત છે !

ચાંદનીની સોડમાં
આજ દરિયો શાંત છે !

મેઘ ઘેરાયો છતાં,
વીજ કેવી શાંત છે !

મૌન મોજે ઉછળે,
શબ્દના સઢ શાંત છે !

ઘૂમટાની આડશે
એક દિવો શાંત છે !

પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાંત છે !

એ અહીં આવી પૂગ્યાં,
એટલે ઘર શાંત છે !

હું હવે મારો નથી,
કેટલું મન શાંત છે !

– ચંદ્રકાંત શેઠ
(‘એક ટહુકો પંડમાં’)

શાતા અને સંતોષની કવિતા મળે તો મનને આનંદ થાય છે. એમાં ય વળી આવી ‘શાંતિ’ને ઊજવતી કવિતા મળે તો એનાથી ય વધારે આનંદ થાય. કવિએ નાના નાના શબ્દચિત્રોથી શાંતિના મહિમાને પૂરબહારમાં ગાયો છે. ને અંતે ચરમસીમા જેવી છેલ્લી બે અદભૂત પંક્તિઓ કવિ મૂકે છે – મન શાંત છે એનું કારણ છે કે હું હવે મારો નથી ! એટલે કે આ આખું ગીત ‘શાંતિ’ના મહિમાનું લાગતું હતું એ તો ખરેખર પ્રેમ-ગીત છે ! કોઈ પ્રેમની ઊજવણી ગાઈબજાવીને કરે છે તો કોઈને પ્રેમનો અનુભવ શાંતિ અને સંતોષ તરફ ખેંચી જાય છે…

9 Comments »

 1. pragnajuvyas said,

  December 12, 2007 @ 10:46 am

  સુંદર
  તેમાં
  એ અહીં આવી પૂગ્યાં,
  એટલે ઘર શાંત છે !
  હું હવે મારો નથી,
  કેટલું મન શાંત છે !
  અહીં તો બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી શાંત છે!
  સાથે હેમેનની કવિતાની પંક્તી યાદ આવે છે!
  શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
  હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું,
  હું ઉલ્લંઘી કાળ ને સ્થળ, સ્વપ્ન તારું જોઉં છું,
  પ્રાત:કાળે સૂર્યની સાથે ઝગડતો હોઉં છું.

 2. ભાવના શુક્લ said,

  December 12, 2007 @ 1:34 pm

  મન હવે મારુ જ છે,
  એટલુ મન શાંત છે.
  …………………………..
  કાવ્ય વાચીને બહુ કુણી વસ્તુની બાજુમા જઈને બેઠા હોઇયે તેવુ અનુભવાય છે.
  જાણે કામગરા મથ્યા મથ્યા અને થાક્યા પછી એક કુણા મજાના સોફ્ટટોય ને લઈને બેસીએ ને રિલેક્સ એન્ડ ફીલગુડ

 3. વિવેક said,

  December 12, 2007 @ 10:39 pm

  ચંદ્રકાન્ત શેઠની સાચી પ્રતિભા એમના અછાંદસ કાવ્યો અને ગીતોમાં ઉઘડે છે. ભાવની દૃષ્ટિએ આ ગઝલ ઘણી ઉત્તમ છે પણ ગઝલની નજરે જોઈએ તો? અહીં મત્લાના શેરમાં એકાંત અને શાંતની પ્રાસ-સાંકળી એવો સંકેત આપે છે કે “આંત”કારાન્ત શબ્દોના કાફિયા અને “છે” રદીફ લઈને આ ગઝલ આગળ વહેશે. પણ ગઝલના પછીના તમામ શેરમાં “શાંત છે” પ્રયોગ રદીફ બની જતો દેખાય છે અને કાફિયા સદંતર ગેરહાજર જણાય છે. ઉત્તમ શેરિયત ધરાવતી હોવા છતાં આ ગઝલ સ્વરૂપની દૃષ્ટિએ નબળી પડે છે… કોઈ જાણકાર પોતાનો અભિપ્રાય આપી શક્શે?

 4. hemantpunekar said,

  December 13, 2007 @ 2:52 am

  કાવ્યનું ભાવ સૌંદર્ય શંકાથી પર છે. પરંતુ વિવેકભાઈએ બાહ્ય સ્વરૂપને લગતા જે પ્રશ્નો ઉઠાવ્યાં છે તેના પર ચર્ચા થવી જોઈએ. મારો ગઝલના બાહ્ય સ્વરૂપનો અભ્યાસ ખૂબ ઊંડો નથી પણ તેમ છતાં મત્લા પછીના તમામ શેરમાં એક જ કાફિયા વપરાયો હોય એવી ગઝલ મારા ધ્યાનમાં નથી. હા, કાફિયા તરીકે એક જ શબ્દ એકથી વધુ શેરમાં વપરાતો જોયો છે, પણ એ બધા જ શેરમાં વપરાય તો કાફિયા મટીને રદીફ લાગવા માંડે. વિવેકભાઈની વાત એ રીતે જોતા સાચી જ લાગે છે.

 5. Himanshu said,

  December 13, 2007 @ 4:00 am

  Vivek

  I agree with you. Technically, this is a ghazal, but the use of same kafiya over and over takes some charm away.

 6. ઊર્મિ said,

  December 13, 2007 @ 10:18 am

  મત્લામાં વપરાયેલા જુદા જુદા કાફિયાવાળી વિવેકની વાત એકદમ સાચી છે.

 7. ઊર્મિ said,

  December 13, 2007 @ 10:21 am

  દરેક શેરનો ભાવ જો કે સાચે જ લાજવાબ છે…

 8. Sangita said,

  December 13, 2007 @ 3:21 pm

  Is this a Nazm?

 9. ઊર્મિ said,

  December 14, 2007 @ 11:41 pm

  ના સંગીતાબેન… આ ટૂંકી બહેરની ગઝલ છે… નઝમનું બંધારણ જરા અલગ હોય છે.

  લયસ્તરો પર આગળ છપાયેલી નઝમો તમે અહીં વાંચી શકો છો…
  http://layastaro.com/?cat=186&submit=view

  અને \’ગાગરમાં સાગર\’ પરની નઝમો પણ અહીં વાંચી શકો છો…
  http://urmisaagar.com/saagar/?p=50
   

   

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment