હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

વિશ્વ-કવિતા:૦૯: ગીત ગોવિંદ- (સંસ્કૃત) જયદેવ, અનુ.: રાજેન્દ્ર શાહ

ગુર્જરી રાગ-એક્તાલી તાલ,ગીત-૧૧)

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ,
ન કર, નિતમ્બિનિ, ગમનવિલંબન અનુસર તે હૃદયેશ.
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી.
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. ૧

વેણુ મહીં સ્વરને ઇંગિત તવ ગાય મનોરમ નામ,
રજ પવને જે વહે, લહે તે તવ પદની અભિરામ. ૨

પર્ણ ખરે કે પાંખ ફફડતાં તને આવતી ધારી,
શયન રચે, ને આતુર નયન રહે તવ પંથ નિહાળી. ૩

અરિ સમ કેલિ-સુચંચલ નેપુર મુખર અધીર ત્યજીને,
ચલ, સખી, અંધ તિમિરમય કુંજે નીલ નિચોલ સજીને. ૪

સઘન મેઘમાં બકમાલા સમ સોહે હરિ-ઉર હાર,
શ્યામ સંગ તું ગૌર વીજ શી રમ રતિએ સમુદાર. ૫

કટિ કાંચી પરહરતાં જઘન વસન સરકે એ રીતે,
કિસલય શયને કંજનયન રસિકેશ્વર રીઝવ પ્રીતે. ૬

હરિ અભિમાની, ને રજની આ જાય વહી, અવ શાણી,
સત્વર પૂર મનોરથ પ્રિયના; કહ્યું કર ઉમંગ આણી. ૭

પ્રમુદિત હૃદય અતીવ સદય રમણીય પુનિત વરણીય,
હરિચરણે વંદત જયદેવ ભણિત પદ આ કમનીય. ૮

-જયદેવ (સંસ્કૃત)
અનુ. રાજેન્દ્ર શાહ

૧. કવિ જયદેવના સુપ્રસિદ્ધ ‘ગીતગોવિંદમ્’નું આ ગીત પ્રણય અને સૌંદર્યનું અદભુત સાયુજ્ય સર્જે છે. સાંવરિયા પ્રિયતમને મળવા કામદેવને લોભાવે એવો મનોહર વેશ ધારી રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ હૃદયેચ્છાને અનુસરીને વાર ન લગાડવા કહે છે કારણ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ એને આલિંગનબદ્ધ કરવા એની પ્રતીક્ષા કરી રહ્યા છે.

૨. એક તરફ પિયતમની વાંસળીના સૂરમાંથી તારા નામનો સંકેત તારી તરફ સરે છે તો બીજી તરફ તારા પગરવમાંથી વ્યક્ત થતા આનંદની ધૂળ લઈ પવન ક્હાન તરફ વહે છે.

૩. ખરતાં પાંદડાના મર્મરમાં કે પક્ષીની પાંખનો આછા ફફડાટમાં પણ તારો પગરવ સાંભળતા વિરહાતુર કૃષ્ણ શૈયા રચીને તારો જ રસ્તો નિહાળે છે. ઈંતજારની કેવી પરાકાષ્ઠા કે જ્યાં ઈશ્વર પણ બાકાત નથી રહેતા ! આ જ તો છે પ્રણયની તાકાત.

૪. ક્રીડા કરવા માટે ચંચળ અને વચાળ બની ગયેલા -તારા આગમનની અગાઉથી જ જાણ કરી દેતા- દુશ્મન સમા ઝાંઝરનો ત્યાગ કર અને રાત્રિની કાલિમાથી અંધ સમા બની ગયેલા આ વનકુંજમાં આકાશી શીલનો ઘુંઘટ સજીને તું ચાલ.

૫. ઘેરાયેલા મેઘમાં જેમ બગલાની માળા તેમ હરિના ઉરે હાર શોભી રહ્યો છે એજ રીતે શ્યામ કૃષ્ણના સંગમાં ગૌર વીજળી સમી તું ઉદાર થઈને રતિક્રીડામાં રમમાણ થઈ જા.

૬. કમરે ઘૂઘરિયાળો કંદોરો પહેરતી વેળાએ જાંઘ પરનું વસ્ત્ર સરકી જાય એવી ચેષ્ટા વડે કૂંપળોની શૈય્યા પર સૂતેલા કમળનયની રસિકેશ્વરને તું પ્રેમથી રીઝાવ.

૭. હરિ તો અભિમાની છે. એ પોતાના ઈંતજારને, પોતાના પ્રણયને કે પોતાની તડપને સામે ચાલીને વ્યક્ત નહીં જ કરે. એવી પ્રતીક્ષામાં રહેશે તો આ રાત વહી જશે. માટે ડાહી થઈને મારી વાત માન અને આનંદપૂર્વક સત્વરે પ્રિયના મનોરથ પૂર્ણ કર.

૮. આ કમનીય પદ કહીને કવિ જયદેવ જેનું હૃદય આનંદપ્રચુર છે અને અત્યંત દયામય છે એવા પરમ રમણીય પ્રભુને વંદન કરે છે.

7 Comments »

  1. pragnajuvyas said,

    December 10, 2007 @ 4:39 PM

    “ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તવું લાગે, પણ તેની પ્ર્ત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે.
    શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…ત્યાર બાદ ગીત ગોવિંદ માણી શકશો
    બાકી હંમણા તો
    હવે શ્યામ તમે ગોકુળમાં આવો તો,
    વાંસળીને દેશવટો આપીને આવજો.
    અને ગોપીઓ સાથે રાસ રમવો હોય,
    તો પોપની કેસટ બે-એક લાવજો ની બોલબાલા છે!

  2. Group2Blog :: Fourteen wonders of the world… said,

    December 14, 2007 @ 6:01 AM

    […] Sanskrit, India – Jaydev : https://layastaro.com/?p=981 […]

  3. Payal said,

    August 28, 2009 @ 3:03 AM

    ગેીત ગોવિન્દ બોૂક

  4. shobhana trivedi said,

    October 11, 2013 @ 5:55 AM

    મ ને ઍમ હ્તૂ કે ગિત ગોવિન્દ જોવુ કે વાચવુ આપણુ કામ નથઈ પણ આજે સન્તોશ થઇ ગ્યો
    ખુબ આન્ન્દ થ્યો

  5. shobhana trivedi said,

    October 11, 2013 @ 5:58 AM

    મ ને ઍમ હ્તૂ કે ગિત ગોવિન્દ જોવુ કે વાચવુ આપણુ કામ નથઈ પણ આજે સન્તોશ થઇ ગ્યો
    ખુબ આન્ન્દ થ્યો
    આવુ નથિ મ તો પહેલિ જ વાર વાચ્યુ ૬એ

  6. વિવેક said,

    October 11, 2013 @ 8:14 AM

    આભાર !

  7. પૂર્વા કુલકર્ણી said,

    March 26, 2021 @ 3:23 AM

    ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment