જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

ભાઈ – રાવજી પટેલ

બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !

-રાવજી પટેલ

જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.

3 Comments »

 1. pragnaju said,

  March 9, 2013 @ 2:03 pm

  જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
  અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !
  સુંદર કાવ્યની શિરમોર પંક્તીઓ

 2. વિનોદ દવે said,

  March 9, 2013 @ 3:07 pm

  છેલ્લી બે લીટીમાં હવે પડ્યું છે રાવજી વગરનું ખેતર કવિતાનું …

 3. Maheshchandra Naik said,

  March 10, 2013 @ 6:10 pm

  કવિશ્રી રાવજી પટેલનુ સરસ ગ્રામ્ય કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment