હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
મરીઝ

વાંસલડીનો ઉત્તર – દયારામ

ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !

– દયારામ

વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.

(ચાચર = ખુલ્લો ચોક)

2 Comments »

 1. pragnaju said,

  February 22, 2013 @ 10:50 am

  ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
  દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

  માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
  મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !
  અ દ ભૂ ત અભિવ્યક્તી
  પ્રેમણા ભક્તિમા હરિની પણ આવી પ્રતિક્ષા હોય
  તો તેનો અણસાર તુરત થાય છે
  મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,
  મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.
  મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
  મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.
  મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવો ને,
  મેં તો સાચવીને રાખી છે રીસ હે! રામ તમે આવો ને.

  મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવોને,
  હું તો આવ્યાના ભણકારા પાળું હે! રામ તમે આવોને.
  છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવોને,
  મારા ઇંધણમાં ચાંપો રે આગ હે! રામ હવે આવોને.
  હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવોને,
  મારી અંદરથી ખોવાણા પીર હે! રામ હવે આવોને.

 2. Maheshchandra Naik said,

  February 22, 2013 @ 1:58 pm

  દયારામની ગરબી દ્વારા કૃષ્ણ અને ગોપીઓની મધુર રચના માણવા મળી……….આપનો આભાર………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment