પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં કાં રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને યાદી આપની!

-કલાપી

7 Comments »

 1. સુનીલ શાહ said,

  November 14, 2007 @ 10:32 pm

  છેક બાળપણથી માનસપટ પર કબજો જમાવી બેઠેલી કલાપીની આ અદભુત રચના ફરી વાંચવા મળી તેનો આનંદ. આભાર.

 2. Babu said,

  November 15, 2007 @ 8:58 am

  લાખો કિતાબોની લાખો કવિતા વચ્ચે ભાવથી ભરપૂર કલાપીની આ એક સુંદર કવિતા હ્રદયમા ભાવ ભરી યાદ આપી જાય છે.

 3. pragnajuvyas said,

  November 15, 2007 @ 9:55 am

  હજુ પણ છંદોનાં દ્રૃષ્ટાંતમાં જેમની વધારેમાં વધારે પંક્તીઓ વપરાતી હોય અને ગમે તે વ્યવસાયમાં હોઈએ પણ મીરાં-નરસિહના ભજનોની જેમ સદા યાદ આવે તેવા કવિની આ પંક્તીઓ જ તેમની ઓળખાણ્ …
  ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
  ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
  ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
  જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
  તમારા રાહજદ્વારોના ખૂની ભપકા નથી ગમતાં;
  મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
  હમો તમને નથી અડતાં, હમોને છેડશો કો ના!
  લગાવી શૂલ હૈયે મે, નિચોવી પ્રેમ દીધો છે!
  હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
  પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”
  “તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
  ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”
  “તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
  છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”
  “પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
  કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”
  “વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
  માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”
  “હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
  મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”
  “કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
  કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!”
  હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
  પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે;
  ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
  માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.
  તેમાં સુનીલ અને બાબુએ લખ્યું છે તેમ માનસપટ પર કબજો જમાવી બેઠેલી ભાવથી ભરપૂર
  આ સુંદર કવિતા માણીએ ત્યારે આનંદ જ આનંદ
  અજ્ઞાતે આપેલી અંજલી કેટલી સુંદર છે-
  ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી
  જોયું ન જોયું છો બને,જો એક યાદી આપની

 4. ભાવના શુક્લ said,

  November 15, 2007 @ 2:43 pm

  પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
  ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
  …………………………………………………..
  વેદના માથી કાવ્ય ઉગ્યુ અને શબ્દે શબ્દે ટપકતી આ વ્યથા મન – માનસ ને સુન્ન કરી મુકે છે. કોઈ અક્થ્ય એકાંત ઘેરી મુકે છે તન મન ને અને છતા તેનો સાર તો આજ નીકળે અંતમા કે
  ………………………………………………………..
  જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
  અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
  ………………………………………………………..
  ચિરકાલીન શબ્દો બની ચુક્યા છે આ ગઝલનાઆ શબ્દો જનમ્યા નથી અને મરે પણ નહી.. શિવોમય બની ચુક્યા છે. લાઠીમા સુરસિહજીના વંશજ ફેમિલી સાથે ૧૦ વર્ષનો નાતો રહ્યો હતો. આજે પણ શોભના અને રમાના મોટા તૈલી ચિત્રો યાદ આવે અને સાથે એક રાજવીનો અક્થ્ય વ્યથાથી બોલતો ચહેરો.
  ……………………………………………………..
  તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
  ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”
  …………………………………………………….
  ચાહવુ એ પ્રકૃતિ હતી અને ધર્મ એ તેના પ્રાણ હતા.
  કલાપીને બે હાથ જોડીને કાવ્યપુર્વક પ્રણામ

 5. Pinki said,

  November 15, 2007 @ 4:22 pm

  મારા પ્રિય કવિ ને એટલું જ કહીશ કે,

  “ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
  રે’ આખરે તો એકલી ને એ જ યાદી આપની!

 6. DR.DINESH said,

  June 17, 2008 @ 10:24 am

  અદ્ભુત !!!

 7. Bharat Patel said,

  December 9, 2010 @ 2:44 am

  This poet has been my favorite ever since I read the following poem – Grammata:

  ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
  ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;

  I must thank Laystaro for helping me in getting this Poem.

  Is there any audio on this?

  Bharat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment