હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
ભગવતીકુમાર શર્મા

ઝાકળબુંદ : _૧૪ : વ્યાપાર ચલાવો છો તમે – હેમંત પૂણેકર

મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
ને સતત દેહના શણગાર ચલાવો છો તમે

અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે

સામી છાતીએ કદી એની ચમક દેખાડો
પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે

એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

એ શું આધાર હવે કોઈને આપી શકશે
ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે

હેમંત પૂણેકર

હેમંત પૂણેકરે આ ગઝલ જ્યારે એમના બ્લૉગ પર મૂકી હતી, ત્યારે પ્રતિભાવમાં મેં લખ્યું હતું, “…અને ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાયેલા આ થોડા અઘરા અને ખાસ્સું કૌશલ્ય માંગી લેતા છંદમાં આટલા ઊંડા અર્થવાળી રચના એ કવિની સજ્જતાનું પ્રમાણ છે.” રઈશભાઈએ પણ એમાં સૂર પૂરાવ્યો હતો એ કવિ અને કવિતાનું ખરું પ્રમાણપત્ર!

હેમંતભાઈની આ રચના સાથે ‘સદ્યશબ્દેલ’ કવિઓની સંગતના બે સપ્તાહ આજે પૂરા થાય છે. પુષ્પની પાંદડી પર ઝાકળબુંદનું અવતરણ કદી અંત પામતું નથી એ જ રીતે આ વિરામને પૂર્ણ ન ગણતાં, અલ્પ જ ગણવો… આ બે અઠવાડિયામાં લયસ્તરો પર વાચકમિત્રો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી એ વાતની પ્રતીતિ થઈ કે તાજગી એ કવિતામાં ભાવકને સ્પર્શી જતી પહેલી બાબત છે. અહીં એક જ મંચ પર કેટલાક નીવડેલા તો વળી કેટલાક સાવ જ નવા કવિ-કવયિત્રીઓને સાંકળવાની કોશિશ કરવા પાછળનો અમારો મૂળ ઉદ્દેશ એકમેકને પરસ્પર પ્રોત્સાહન મળે એજ હતો એટલે કોઈ મોટા ગજાના કવિને પોતાનું નામ અહીં જોઈ દુઃખ થયું હોય તો ફરી એકવાર અમે ક્ષમા પ્રાર્થીએ છીએ.

અને ઝાકળબુંદોના આ મહોત્સવદને ફૂલની ફોરમની જેમ વધાવી લેવા બદલ સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ફરીથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

-લયસ્તરો ટીમ

9 Comments »

 1. Pinki said,

  October 14, 2007 @ 9:58 am

  સુઁદર રચના……….

  અને

  એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે

  બહુ જ સરસ………

 2. pragnajuvyas said,

  October 14, 2007 @ 12:46 pm

  સંબંધ રાખીશું ,રાત ઉજવાઈ ગઈ ,ખોવાઇ જાશું ,એ શું હતું ,કાચની આરપાર ,ઓળખું છું ,હવે એનો સહારો છે ,રાતનો આખરી પ્રહર ,મૃગજળ ,મોતનો વેપાર,મારી કવિતા,રાહદારી ,તુજ આસપાસે અમારી પરબ છે ,દિવસ રાત ,આ હવા જેવું ,ચિત્ર ચાલી જશે તો શું કરીશું ,પ્રકાશ પણ મળે ,અશ્રુ રળી ગયા ,–બની ગયો છું .લૂટ ,માણસોની વસતિ,પત્તાનો મહેલ,એક અજાણી આંખ ,બોલ દવા કરીશ?આ ઘર મને ગમતા નથી ,મારા મોતની સિદ્ધિ ,એકવાર એક વાત લખી’તી,શ્વાસ ,રૂપિયે કિલો ,જિંદગીની સિગરેટ,ચારોળી ,સૂરજ, ચંદ્ર અને તારા વિ.અનેક કાવ્યો માણ્યા. આજે “વ્યાપાર ચલાવો છો તમે -“છંદ બંધ
  “મન ભલેને રહે બીમાર, ચલાવો છો તમે
  ને સતત દેહના શણગાર ચલાવો છો તમે
  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે.
  અને ટેકાથી ચાલતી સરકારનું ચોટદાર દૃષ્ટાંત આપી બાકીનાં શેરો અદભુત અસર કરી જાય છે.
  ‘સામી છાતીએ કદી એની ચમક દેખાડો
  પીઠ પાછળથી શું તલવાર ચલાવો છો તમે
  અમને આપીને કસમ ધાર્યું કરાવી લો છો
  પ્રેમની આડમાં વ્યાપાર ચલાવો છો તમે” –ત્યારે એક કસક થઈ, આપણને બધાને આ લાગુ પડે છે- એમ આપણા બિમાર મનનો વિચાર આવે અને તેને નિષ્કામ પ્રેમ તરફ વાળવાની પ્રેરણા મળે છે,એ નિરાકાર છે એ વાત વિસારે પાડી
  એના નામે ઘણા આકાર ચલાવો છો તમે
  એ શું આધાર હવે કોઈને આપી શકશે
  ટેકા લઈ-લઈને જે સરકાર ચલાવો છો તમે”
  ઊંડા અર્થવાળી આ રચના બદલ ધન્યવાદ હેમંત પૂણેકર

 3. ઊર્મિ said,

  October 14, 2007 @ 9:12 pm

  આગળ તો તારા બ્લોગ પર માણી જ હતી પરંતુ લયસ્તરો પર ફરી જોઈને આનંદ થયો… અભિનંદન હેમંત!

 4. ઊર્મિ said,

  October 14, 2007 @ 9:16 pm

  પ્રિય વિવેક અને ધવલભાઈ, તમારાં આ ઝાકળબુંદોના બે સપ્તાહનાં મહોત્સવને માણવાની ખૂબ જ મજા પડી… કાયમ આવું જ કંઇક નવું નવું પીરસતા રહેશો એવી જ આશા સહ… સસ્નેહ.

 5. Bhavna Shukla said,

  October 14, 2007 @ 9:21 pm

  Pragnaju પછી લગભગ કશુ જ કહેવાનુ બચ્યુ નથી છતા ફરી સમર્થનમાં કહિએ કે
  ઊંડા અર્થવાળી આ રચના બદલ ધન્યવાદ હેમંત પૂણેકર
  ………………………………………………………………………………………..
  તાજા ઝાકળબુંદો જો મોતી સમાન હતા તો ખરેખર આપણો મુખ્ય ખજાનો કેટલો અમુલ્યરત્નોથી છલોછલ છે જય ગુજરાત…

 6. સુનીલ શાહ said,

  October 15, 2007 @ 12:40 am

  અભીનંદન..સુંદર ગઝલ.

 7. Bimal said,

  October 15, 2007 @ 9:15 am

  સરસ રચના લયસ્તરો પર માણી ઘણો આનંદ થયો

 8. હેમંત પુણેકર said,

  October 15, 2007 @ 11:59 am

  મારી રચનાને અહીં સ્થાન આપવા બદલ ખૂબ આભાર! લયસ્તરોના drop down menu માં હિતેન આનંદપરા અને ડૉ. હેમેન શાહ જેવા નામો વચ્ચે પોતાનું નામ વાંચવા મળે છે એનો આનંદ જ નિરાળો છે. 🙂 તમામ વાચકોને એમની પ્રોત્સાહક comments માટે ખૂબ ધન્યવાદ.

 9. Gaurav said,

  October 15, 2007 @ 4:05 pm

  amne api ne kasam … vyapar chalavo 6o tame …
  the best

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment