ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

ગઝલ – સરૂપ ધ્રુવ

આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.

ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.

કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.

દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.

અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?

કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.

-સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શેર વિશે વાત કરવી એ બાકીના શેરનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)

7 Comments »

 1. Pinki said,

  September 28, 2007 @ 8:12 am

  વાહ્…!!!

  વાહ્…!!!

  વાહ્…!!!

 2. Pinki said,

  September 28, 2007 @ 8:14 am

  દઝાય એવી નહિઁ ,

  બધું…ય સળગાવી મૂકે એવી આગ છે !!

 3. pragnaju said,

  September 28, 2007 @ 9:20 am

  સળગતી હવાઓ શ્વસનારો,મસાલો ભરેલું ખયાલોનું શબ માનનારો,દાંત ને ન્હોરનો વારસદાર સરૂપ ધ્રુવ અસરગ્રસ્ત ભાષામાં ભસે છે ત્યારે નજીકથી અદનારને દઝાડે છે જ!
  પણ મોટા ભાગનાં ફાયરપ્રુફ વાઘા જડેલા હ્રુદયવાળા હોય તો તેમાંથી પોતાનો પાપડ શેકી જાય છે!
  …બહુ જ ઓછી પીએચવાળો જલ્લદ તેજાબમાં કલમ બોળી સમયનું છળ ,રેતની શીશી,કાટખાધી કળ ,ખારાં ખારાં સાવ ખારાં જળ,દુઃખનાં ડુંગર પણ સોંસરવા ઉતરી એકદમ સમથળ,અંતમા અંટવાવવાની ,ડાળ પર વળગેલ છો કાગળ મ્હોરવાની મોસમની આશા બધું ત્રીજી ડીગ્રીનૂં બાળી ભડથું કરે છે.
  સાંપ્રત સમાજની વેદનાની અસરકારક રજુઆત

 4. Urmi said,

  September 28, 2007 @ 5:37 pm

  ………………………

 5. Dilip Patel MD said,

  September 28, 2007 @ 5:54 pm

  Very well said…
  But..
  Life has a silver lining…
  Depression..is another name of DEATH..

 6. ધવલ said,

  September 28, 2007 @ 8:55 pm

  કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
  ડાળ પર વળગેલ છો કાગળ છીએ.

  – બહોત ખૂબ ! તદ્દન ખરી વાત !

 7. Parul said,

  September 29, 2007 @ 12:07 am

  “કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
  ડાળ પર વળગેલ છો કાગળ છીએ.”

  વીવેકભઇએ કહ્યું તેમ છુપો આક્રોષ ભરેલી આ પંક્તીઓ વાંચી ત્યારે કોણ જાણે કેમ, પણ રપા ની આ નાજુક પંક્તીઓ યાદ આવી ગઈઃ
  અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
  જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ !

  એકજ ભાષા, એકજ લીપી, છતાં પણ કેટલો ફરક! જય જય ગરવી ગુજરાત્્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment