મોસમ આવી છે સવા લાખની,
હવે છત્રી સંકેલ તારા કામની…
– ઉષા ઉપાધ્યાય

ગદ્ય કાવ્ય – પન્ના નાયક

મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.

-પન્ના નાયક

ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.

ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.

11 Comments »

  1. pragnajuvyas said,

    November 3, 2007 @ 7:35 PM

    પન્ના નાયકે અમારાથી ચાર કલાક દૂર ફીલાડેલ્ફીઆમાં લાંબો વસવાટ કર્યો.અહીં ટકવાની પણ એક સિધ્ધી ગણાય.મને પણ ડીપ્રેશનની દવાનું સૂચન થયું હતું!આધ્યાત્મિક અભીગમ અને કુટુંબ તરફની ફરજ પછી સાહીત્ય પકડ્યું.તેમાં પન્નાબેનની વાત દિલ દિમાગને સ્પર્શી ગઈ.વિવેકના શ્વાસ તો પન્નાબેનનું આશ્વાસન તે શબ્દ -કવિતા!બીજી વાત તેમનાં જ શબ્દોમાં- “કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,ટહુક્યા કરવાનું મને મંજૂર નથી”આમેય અમેરિકામાં કોઈ સૂરતી ગાળનુ ભાષાંતર કરી કહે તો ભાગ્યે જ કોઈને ખરાબ લાગે પણ રીટાર્ડેડ કે મોરોન કહૉ તો કદાચ સ્યુ કરે!પન્નાબેન masturbation અને menstruationની વાતો છોછ કે સંકોચ વિના કરી શકે છે !તેઓના શબ્દમાં-“…પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.” તેમની સહજતાથી મારા પ્રેરણામૂર્તિ બન્યાં છે.બાકી અમારા જેવા છંદના અલ્પજ્ઞાનીને સ્વાભાવિક
    ગદ્યકાવ્યનો વિચાર ગમે! આ અંગે હવે વધુ ખ્યાલ આવ્યો.તેમને સપ્રેમ નમસ્તે

  2. Atul Jani (Agantuk) said,

    November 4, 2007 @ 1:05 AM

    આપણી અદંર રહેલું આ ટોળું ઘણું ખતરનાક છે, વળી તે ટોળૂં આપણે જ ઉભું કરેલું છે. આપણા ચિત્તમાં સંગ્રહિત અનેકાનેક સંસ્કારો ટોળા રુપે ઉભરાય છે અને આપણને આપણા એકાંતના નીડમાં પ્રવેશવા નથી દેતા. હા ઉપાય છે. અઘરો છે પણ અશક્ય નથી.

    વૈરાગ્ય અને અભ્યાસ આ ટોળાંથી છુટવાના ઉપાયો છે. જો ખરેખર કોઈએ છુટવું હોય તો પાતંજલ યોગ દર્શન અથવા શ્રીમદ ભગવદ ગીતાના ૬ ઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કરવો

  3. Harshad Jangla said,

    November 4, 2007 @ 11:00 AM

    ગદ્ય કાવ્ય વિષે સુંદર સમજણ આપવા માટે આભાર
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  4. સુરેશ જાની said,

    November 4, 2007 @ 5:41 PM

    ઘણા વખતથી ગદ્યકાવ્ય વીશે સમજવાની ઇચ્છા હતી, જે તમે પુરી કરી. આભાર.

  5. Pinki said,

    November 5, 2007 @ 6:19 AM

    ગદ્યકાવ્ય વિશે ખૂબ જ સરસ માહિતી……..

    આપણામાં રહેલું ટોળું આપણી ટોળે વળીને
    કેવી એકલતાની ભીડમાં ખોઈ નાંખે છે……………!!

  6. ધવલ said,

    November 5, 2007 @ 4:33 PM

    ધારદાર કાવ્ય !

    ગદ્યકાવ્ય વિષેની વિષદ સમજૂતી ગમી. અંગ્રેજીમાં લગભગ બધા કાવ્યો અછાંદસ/ગદ્યકાવ્યના સ્વરૂપમાં જ વાંચવામાં આવે છે. અછાંદસમાં લય કે છંદનો વિચાર ન કરવાનો હોઈ, માત્ર ભાવની ઉત્કટતા પર બધુ ધ્યાન આવે છે. એ એક રીતે વધારે ગમે છે. કવિતા એટલી વધારે શુદ્ધ – એવું પણ કેટલાક લોકો માને છે !

  7. વિવેક said,

    November 6, 2007 @ 7:49 AM

    અંગ્રેજી ભાષામાં લગભગ બધા કાવ્યો અછાંદસ/ગદ્યકાવ્યના સ્વરૂપમાં જ વાંચવામાં આવે છે એ વાત ખોટી છે, ધવલ ! અંગ્રેજી ભાષા છંદો માટે એટલી બધી અનુરૂપ છે કે છંદોબદ્ધ અંગ્રેજી કાવ્યો ખૂબ સહજતાથી લખી શકાય છે. એ અલગ વાત છે કે આપણને અંગ્રેજી છંદોનું જ્ઞાન ન હોવાથી આપણને બધું જ ગદ્ય લાગે. ફ્રેંચ ભાષામાં છંદોનું બંધન અકળાવનારું બની ગયું હતું અને ફ્રાંસની ભાષા છંદોને અનુરૂપ ન હોવાથી ફ્રાંસમાં ગદ્યકાવ્યનો વિકાસ થયો. ગુજરાતી ભાષા જે રીતે સંસ્કૃત છંદો કરતાં ગઝલના છંદો સાથે વધુ સહજતા અને સરળતાથી મેળ ખાય છે તેમ.

  8. ઊર્મિ said,

    November 6, 2007 @ 10:39 PM

    અરે વાહ દોસ્ત, ખૂબ જ સુંદર ગદ્ય-કવિતા… અને એ પણ મારા પ્રિય કવયિત્રીની… અને વિવેકની આપેલી સમજૂતી પણ ખૂબ જ ગમી… નવું જાણવા મળ્યું!

  9. ઊર્મિ said,

    November 6, 2007 @ 10:40 PM

    અને આ તો મારે પન્નાઆંટીને વંચાવવી જ પડશે… 🙂

  10. ગદ્ય કાવ્ય - પન્ના નાયક « પન્ના નાયકનાં કાવ્યો said,

    March 2, 2009 @ 10:48 PM

    […] આ ગદ્યકાવ્ય વિશે અહીં વાંચો…  Source: https://layastaro.com/?p=898 […]

  11. પન્નાનાયકનાં કાવ્યો » Blog Archive » ગદ્ય કાવ્ય - પન્ના નાયક said,

    March 4, 2009 @ 11:24 PM

    […] આ ગદ્યકાવ્ય વિશે અહીં વાંચો…  https://layastaro.com/?p=898 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment