પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
શૂન્ય પાલનપુરી

જીવ હું – જગદીશ વ્યાસ

ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું,
ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું.

ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું,
તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું.

મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.

થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું.

આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?

– જગદીશ વ્યાસ

આ ગઝલ લખી ત્યારે આ કવિને પોતાને કેન્સર થયું છે એની જાણ હશે કે કેમ એની મને જાણ નથી પણ આ ગઝલના શેરોમાં મૃત્યુનો અહેસાસ હચમચાવી દે એ રીતે વહી આવ્યો છે. કદાચ આવનાર અંતની અપ્રત્યક્ષ અનુભૂતિ થઈ જતી હશે ? ગગન અને ઝાકળ, અનંત અને પળને juxtapose કરીને કવિએ કમાલ મત્લા આપ્યો છે. કવિએ પોતાના મૃત્યુના દોઢ મહિના પૂર્વે પોતાની આઠ વર્ષની દીકરીને સંબોધીને લખેલી ગઝલ તથા મૃત્યુ વિષયક શેરો પણ આ સાથે વાંચવા જેવા છે.

5 Comments »

  1. pragnaju said,

    May 13, 2012 @ 12:50 AM

    આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
    ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !

    જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
    બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?
    વાંચતા કસક થાય/ આંખ ભીની થાય/ડૂમો આવે……………………

  2. Rina said,

    May 13, 2012 @ 1:13 AM

    થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
    બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું…awesomeee…

  3. kishoremodi said,

    May 13, 2012 @ 9:04 AM

    દિલને વિચાર વમળમાં વહેતું મૂકી દેતી અનોખી ગઝલ

  4. રાકેશ ઠક્કર, વાપી said,

    May 14, 2012 @ 1:03 AM

    મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
    ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.

  5. jyoti hirani said,

    May 22, 2012 @ 6:08 AM

    વેદના સભર ગઝલ્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment