લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…

– ઇન્દુકુમાર ત્રિવેદી

10 Comments »

 1. Pancham Shukla said,

  April 26, 2012 @ 4:06 am

  નિશાળના દિવસોની યાદ અપાવતું આ કાવ્ય અને આ કાવ્યને ખૂબ શાંતિથી સમજાવનારા ઋજુ હૃદયના શિક્ષિકા ક્યારેય ભૂલાયાં નથી. નિશાળની ચોપડીમાં પહેલી વાર આ કાવ્ય વાંચીને મારા હૈયે થયેલો ફફડાટ પણ હજી પણ અનવદ્ય અખંડ છે.

 2. pragnaju said,

  April 26, 2012 @ 5:19 am

  ખૂબ સ રસ અછાંદસ

  આ રચના ત્રીસ વરસ પહેલા કવિતામા પ્રગટ થઈ હતી,
  કવિ આ એક કવિતા થકી અમર છે,
  સુરેશ દલાલે આ કવિતા કવિના હ્સ્તાક્ષરમા પ્રગટ કરેલ
  ત્યારથી જુદા જુદા બ્લોગમા પ્રગટ થ ઇ

  ફફડાટ કરે છે

 3. ડેનિશ said,

  April 26, 2012 @ 10:22 am

  માણસ પોતાના સ્વાર્થને ખાતર બધું ‘વ્યવસ્થિત’ કરવા જતા કંઈ કેટલુંય અસ્ત-વ્યસ્ત કરી નાંખતો હોય છે! એની સચોટ રજૂઆત .
  – ટૂંકી પણ સરસ રચના ….

  ઊર્મિબેન અને પ્રગ્નાજુબેન ,
  ઉંમર અને જ્ઞાનમાં તમારાથી નાનો છું છતાં કંઈક કહેવા માંગું છું-પહેલું એ કે આ અછાંદસ રચના નથી. આ સાંદ્યંત ‘ઉપજાતિ’ છંદમાં નિબદ્ધ છે.જુઓઃ

  લગા લગાગા લલગા લગાગા
  ઘરે રજાના દિવસે બપોરે

  લગા લગાગા લલગા લગાલગા
  થયું મને કૈં ઠીકઠાક ગોઠવું,

  ગાગા લગાગા લલગા લગાલગા
  ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં

  લગા લગાગા લલગા લગાગા
  અજાણતાં સહેજ અડી જતાંમાં

  ગાગા લગાગા લલગા લગાગા
  ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :

  ગાગા લગાગા લલગા લગાગા
  હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

  આમ, આ છાંદસ રચના છે.

  બીજું, આપણે ત્યાં પંક્તિઓ માત્ર નાની-મોટી હોવાથી એવા કાવ્યને અછાંદસ માની લેવાય છે. પરંતુ, આવી કેટલીક રચનાઓ લઘુ-ગુરુના ચોક્કસ આવર્તનોમાં નિબદ્ધ હોય છે.તેથી તેમને અછાંદસ નહીં પણ ‘મુક્તપદ્ય’ એવું નામ આપવું વધુ ઉચિત ગણાય એવું હું માનું છું.

 4. prafull said,

  April 26, 2012 @ 1:08 pm

  آزاد نظام

 5. prafull said,

  April 26, 2012 @ 1:23 pm

  આઝાદ નઝમ જેવીકે…

  કોઈ શેર કહું
  કે દુનિયાની કોઈ બાબત પર
  એક લેખ વાંચી લઉં
  કે વાત અનોખી સાંભળી લઉં
  એ વાત
  જે થોડી રમૂજી હો
  એ વાક્ય
  જે ખૂબ મઝાનું હો
  હો કોઈ વિચાર જે વણસ્પર્શ્યો
  કે ક્યાંક મળે
  કોઈ દ્રશ્ય
  જે ચોંકાવી દે
  કોઈ પળ
  જે દિલને સ્પર્શી લે
  હું મારા મનના ખૂણામાં
  આ સઘળું સાચવી રાખું છું
  ને એમ વિચારું
  જ્યારે તું મળશે
  તો તને એ સંભળાવીશ

 6. વિવેક said,

  April 27, 2012 @ 3:22 am

  વાહ રે ડેનિશગુરુ !! તારી કેફિયત એકદમ સાચી છે…

 7. ડેનિશ said,

  April 27, 2012 @ 4:11 am

  હા, પ્રફુલ્લભાઈ, આઝાદ નઝમ જેવી જ .પણ નઝમોમાં ‘લગાગાગા * ૪ ‘ વગેરે ગઝલના છંદો વપરાયેલા હોય છે , જ્યારે આવી રચનાઓ સંસ્કૃત વૃત્તોમાં લખાય છે.

  ને વિવેકસર , હું તમને વિવેકભાઈ કહેવા તૈયાર છું પણ , કૃપા કરી , મારા નામ સાથે આવા વિશેષણો પ્રયોજી મને લજ્જિત ન કરો .

 8. pragnaju said,

  April 27, 2012 @ 6:07 am

  دنییشجی
  آپکی کفیت کو سلام
  پراگناجو

 9. Ruchir Pandya said,

  April 27, 2012 @ 7:16 am

  આ રચના કવિ શ્રી ઉમાશંકર જોશી એ સંસ્કૃતિ માં છાપી હતી અને તેને આધુનીક કવિતા ના સુંદર વલોટ તરીકે બિરદાવી હતી….મારી પ્રિય અછાંદસ

 10. Pancham Shukla said,

  April 27, 2012 @ 10:50 am

  વાહ ડેનિશભાઈ !

  ઘણા વખતે છંદ વિષે આવું વિશ્લેષણ વાંચી આનંદ થયો. આ ઉપજાતિમં તમે ઇંદ્રવજ્રા, ઉપેંદ્રવજ્રા, ઇંદ્રવંશા અને વંશસ્થના લગાત્મક સ્વરૂપો આપીને મઝા કરાવી દીધી.

  જો આ ઉપજાતિ છંદોલયની કળા હાથવગી થાય તો ગઝલના અમુક છંદ સમુહમાં આવતા અરકાનોને આવી જ કુશળતાથી પ્રયોજી શકાય. દા.ત.ઃ લગાલ થી શરૂ થતા છંદમાં લગાલ ને બદલે ગાગાલ, છંદના અંતે ગાલલગા ને બદલે ગાગાગા અથવા છંદની મધ્યમાં ગાલલગા/ગાલગાલ ના પરિવર્તનો ક્યારે અને કેમ નભે એનો કસબ પણ હાથ લાગવા માંડે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment