મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
રઈશ મનીઆર

જ્ઞાનપિપૂડી – મેરી ઓલિવર

વગાડતા રહ્યા છે અનુભવીઓ
એમની જ્ઞાનપિપૂડીઃ સજીવ નથી હરેક ચીજવસ્તુ.
હું કહું છું
મને જંપવા દો.
તમારું ડહાપણ તમને મુબારક.

સાંકેતિક વાતો મેં કરી છે આછેરાં વાદળો સાથે.
જ્યારે એ ગભરાતાં
પાછળ પડી જવાના ડરે.
હું ચીમકી આપતોઃ પગ જરા ઉપાડો.
આભારસહજ એ બોલતાં
ઉપાડીએ છીએ, ઉપાડીએ છીએ.

વાછરડી, માછલી, ચમેલી
કોઈ વિવાદ નહીં, મૃત્યુ એમનું
નિશ્ચિંત છે.

પણ, પાણીનું શું? પાણી
ખુદ જીવંત ખરું ?
દરિયાના પેટાળમાં તો
જીવતા ઘૂમે છે કંઈ કેટલાએ જીવ. એવા
જીવનદાતાના ધબકારા પર, અરે,
ચોકડી કેમ પડાય?

વિચારમાં મગ્ન, કિનારે પથરાયેલી રેતી પર
બેઠો છું હાથમાં
એક કોડી, બે ચાર છીપલાં, અબરખનો ટુકડો
અને કાંકરી મિશ્રિત રેતી લઈને.

એ સઘળા, હાલ પૂરતા, ગાઢ નીંદરમાં છે …

– મેરી ઓલિવર
(અનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

(કાવ્યનો આસ્વાદ પણ ચંદ્રેશ ઠાકોરના જ શબ્દોમાં)

મેરી ઓલિવર કુદરતમય કવિ છે. એ પ્રથમ કવિ છે કે પ્રથમ કુદરતના ચાહક છે એ એક રસપ્રદ સવાલ છે. કુદરતનું સૌંદર્ય, એની કરામત, એનું રહસ્ય એમની ઘણી કવિતાઓમાં તરબતર હોય છે.

કવયિત્રી, બહુ સરળતાથી, અસ્તિત્વ-જીવ-ચેતનના ગૂઢ વિષયમાં વાચકને ઊંડે લઈ જાય છે. પણ, એની બળવાખોર શરુઆત જુઓ. કહેવાતા જ્ઞાનીઓએ બાંધી લીધેલી અસ્તિત્વની સીમીત વ્યાખ્યા એમને મંજૂર નથી. અને, કહેવાતા જ્ઞાનીઓને એ પડકાર ફેંકે છે તમારા ચીલાચાલુ જ્ઞાનથી મારા વિચારવિશ્વને ડહોળવાનું માંડી વાળો. પણ, એ પડકાર કરીને એ અટકતા નથી. પડકારના ટેકારૂપ દલીલો હાજર છે.

હાથી-ઘોડા, મરઘા-બતકા, કળીઓ-ફૂલ, જરૂર, હાલતા-ચાલતા-ખીલતા-મુરઝાતા જીવનના સામાન્ય નિયમોને આનુસંગિક અસ્તિત્વ ભોગવે છે અને એનો અંત પામે છે. પણ, કવયિત્રીને સતાવે છે વાદળ અને પાણી જેવા સત્વો અને તત્વો. એમને સજીવ કેમ ના લેખાય? એમનો સમજુ જીવ વાદળો જોડે વાર્તાલાપ પણ કરે છે, કો’ક જીવંત વ્યક્તિ સાથે કરતા હોય એમ. અને પાણી? એક મૂળભૂત સવાલ કવયિત્રીના મનમાં ઉદ્ભવે છે – અગણિત જીવોમાં હયાતીનો ધબકાર રેડનાર ખુદ પાણીને નિર્જીવ કેમ ગણાય? એ સવાલમાં જ એમનો જવાબ છે.

વાદળ અને પાણીમાં ગતિ હોય છે. કે, જીવંતપણાની સાબીતીરૂપ, ગતિનો અણસાર તો જરૂર હોય છે. એટલે, કવયિત્રી બે ડગ આગળ માંડે છે. લોકગણત્રીએ સાવ સ્થગિત રેતી અને કાંકરા કે અબરખ કે છીપલાં — એમનું શું? કવિસમજ નિર્ણય પર ઉતરે છે દેખાવ પુરતા જ એ બધા સ્થગિત છે. દેખીતી નિર્જીવતા માત્ર એમની શયનાધીનતા છે. રખે ને લોક હલનચલનના અભાવને કારણે એમની યોગ્ય કિંમત ના આંકે એ કવયિત્રીનો અજંપો છે. કવિદૃષ્ટિની એ પરાકાષ્ટા છે!

અને એક વિચારકની રુએ, પુછ્યા વગર પણ એક સવાલ કવયિત્રી ઉભો કરે છે – કાંકરા-છીપલાં અને એમના જેવા એમના, જીવંત, સમકક્ષી સહયોગીઓની “ગાઢ નીંદર” એ કોઈ અમરત્વનું સ્વરૂપ હશે?

6 Comments »

 1. pragnaju said,

  March 27, 2012 @ 7:31 am

  સરસ કાવ્યનો સુંદર અનુવાદ
  સહયોગીઓની “ગાઢ નીંદર” એ કોઈ અમરત્વનું સ્વરૂપ હશે?
  શ્રધ્ધા અને માનવ ભય એ બે વસ્તુ એવી વિરોધી છે,
  જે ક્યારેય એક હૃદયમાં ભેગી રહી શકતી નથી

 2. વિવેક said,

  March 27, 2012 @ 8:32 am

  સુંદર કાવ્ય અને મજાની સમજૂતી…

 3. Dhruti Modi said,

  March 27, 2012 @ 3:42 pm

  ખૂબ ગમ્યાં અને માણ્યાં કાવ્ય અને તેનો સુંદર, સહજ અનુવાદ.

 4. ધવલ said,

  March 28, 2012 @ 10:11 pm

  The original poem….

  “Some Things, say the Wise Ones”

  Some things, say the wise ones who know everything,
  are not living, I say,
  you live your life your way and leave me alone.

  I have talked with the faint clouds in the sky when they
  are afraid of being left behind. I have said: Hurry, hurry!
  and they have said: Thank you, we are hurrying.

  About cows, and starfish,and roses, there is no
  argument. They die, after all.

  But water is a question, so many things living in it,
  but what is it, itself, living or not? Oh, gleaming

  generosity, how can they write you out?

  As I think, I am sitting on the sand beside
  the harbor. I am holding in my hand
  small pieces of granite, pyrite, schist.
  Each one, just now, so thoroughly asleep.

  — Mary Oliver

 5. Milind Gadhavi said,

  March 29, 2012 @ 5:23 am

  પરદેશી ભાષાની કવયિત્રીઓને વાંચુ અને કાયમ એક પ્રશ્ન થાય કે ગુજરાતીને કેમ આ ખોટ હંમેશા સાલી? આપણી પાસે કવયિત્રીઓ છે જ પણ ‘અદભુત’ કહી શકાય એવા કાવ્યો એમની પાસેથી કેટલાં મળ્યા?

  ખેર, આ અનુવાદને પણ મૂળ કૃતિ જેટલી જ દાદ આપવી ઘટે. સુંદર કાવ્ય..

 6. Pravin Shah said,

  March 29, 2012 @ 10:14 am

  સુંદર કાવ્ય..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment