સાત સાગર બંધ પાંપણમાં હતા,
બંધ કૈં કાચો હતો, તૂટી ગયો.
શયદા

અલવિદા, સુરેશભાઈ !

આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.

આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –

“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”

લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.

જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.

I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.

સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.

4 Comments »

 1. સુરેશ જાની said,

  June 30, 2007 @ 5:36 am

  પ્રિય મિત્ર ધવલ અને વિવેક અને વાચકો,
  મારો લયસ્તરો સાથેનો સંબંધ તેની જુની વેબસાઇટથી છે. મને એકદમ યાદ છે કે, ગુજરાતીમાં કઇ રીતે લખાય તેની માહીતિ ધવલની વેબસાઇટ પર મેળવવા જતાં તેમની કક્કાવાર કવિઓના નામ સામે મને મનગમતી કવિતાઓ મળી; ત્યારે નાના બાળકને ખજાનો મળે તેમ નાચી ઉઠ્યો હતો. ભાયું ને બેન્યું …. રીતસર નાચેલો હોં ! આ મારી પ્રિયતમા કવિતા માટેનો પ્રેમ.
  પછી જ્યારે આ રૂડી રૂપાળી સાઇટ પર ડ્રોપ ડાઉન મેનુમાં, મારા આરાધ્ય દેવથી ય પ્યારા ઘાયલ, શૂન્ય, સૈફ, બેફામ અને ગનીને ટપ્પાક લઇને ટપકતા જોયા ને બાપુ આપણે તો આ નવીના પ્રેમમાં પડી જ્યા !
  બન્ને ડોક્ટરોએ મારી વીનંતિને બહુ જ ઉદાર દિલથી માન્ય રાખી, આ બામણને આ દેવીની સેવાપૂજામાં રાખ્યો. એટલે આ તો મારી મા જેવી વ્હાલી વેબસાઇટ છે. ન્યાં કણે કોઇ ફારગતી નથ.પણ ખાટલે ખોડ બીજી એ થૈ કે, બીજો પ્રેમ માળો આવી આ ઉંજો હારે ય થૈ જ્યો સે. હવે આટલા વ્હાલા ડોક્ટર ભાયાં ને આ પ્રેમ, એ બે હારે તો નો જ હાલે ને? એટલે આપણ રામ બીજા ઘેર રહેવા જીયા.
  બહુ પ્રેમથી આ વિવેકડાએ કીધું’તું કે તમારો વિદાય હંદેશો ઉઝામાં આપશો, પણ મને થીયું કે આ ભાયુંને છોડીને દખમાં નાખ્યા સે નિં હું ય માળો દખી તો થ્યો જ સું ને? એટલે આજે તો અહીંની શિસ્ત પાળવી જોય.
  માટે આવજો મારા પ્યારા દોસ્તો. અલવિદા…
  અને ખાનગીમાં… આ ઉંઝા- ફુંઝા, કે કવિતા – બવિતા તો ઠીક છે, મારા ભાઇ. પણ આ પ્રેમ જ તો સાચી કવિતા નથી વારુ?

 2. પંચમ શુક્લ said,

  June 30, 2007 @ 5:40 am

  સુરેશભાઇને એમના ઊંઝા જોડણીના ચયન અને નવા પ્રયોગ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ માટે શુભેચ્છાઓ. એમણે એક વર્ષ દરમ્યાન જે કોઇ ઉત્તમ રચનાઓનું પરંપરાગત જોડણીમાં રસપાન કરાવ્યું એ ખૂબ જ મનનીય રહ્યું હતું તેમ જ હૃદય અને નેત્રને સુખાકારી હતું. એમના જેવા કાવ્યાનુરાગી વ્યક્તિની ખોટ મારા જેવા વાચકોને અનુભવાશે જ. પરંતુ એ પણ સત્ય જ છે કે ‘સ્વાંતઃ સુખાય- બહુ જન સુખાય’ જેવી વિરલ ઘટના ક્વચિત જ ઘટતી હોય છે.

 3. sejal zaveri said,

  July 3, 2007 @ 4:51 am

  I was really surprised when i saw this blog. Excellent work.

 4. હિમાંશુ કીકાણી said,

  December 16, 2008 @ 11:55 am

  પોસ્ટની તારીખ વાંચતાં ખ્યાલ આવે છે કે આ વાત તો બહુ જૂની છે, પણ મારા ધ્યાનમાં આજે આવી.

  ગુજરાતી બ્લોગજગતનું આ જ પાસું મને ખરેખર ખૂબ ગમે છે. કેવા કેવા ગજાના ને મજાના માણસો મળ્યા છે આ બ્લોગજગતને. જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમ તેમ ખ્યાલ આવે છે કે મતભેદ તો અહીં પણ છે, પણ મનભેદ લગભગ ક્યાંય જોવા મળ્યો નથી.

  એકબીજાના, પોતાનાથી બિલકુલ અલગ મતને આટલી ગ્રેસફૂલ રીતે માન આપવું એ સૌ માટે સહજ નથી. આપ ત્રણેને દિલથી અભિનંદન.

  આપણી આ આગવી દુનિયા આ જ રીતે, વધુ વિકસતી રહે અને ધીમે ધીમે એનો રંગ વાસ્તવિક દુનિયાને પણ લાગે એવી પ્રાર્થના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment