રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
મનોજ ખંડેરિયા

જીભ મારી તેજની તરસી હતી – યોગેશ જોષી

કે કિનારે કોણ બેસે, ડૂબકી મારી હતી
પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી

આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી

તાળવામાં ઝળહળે છે સૂર્ય શીતળ કેટલા
જીભ મારી કૈં યુગોથી તેજની તરસી હતી

આભ આખું આમ ઉકેલી દીધું અંધારનું
વીજના ઝબકારની એ તેજક્ષણ અટકી હતી

અગ્નિ સાતે એકદમ ભપકી ઊઠ્યા’તા છાતીમાં
જળ તણી આ જાળમાં મેં કૈં લહર પકડી હતી

કોક પંખી થઈ અચાનક હું ઊડ્યો ઊંચે કશે
રોમરોમે એકસાથે પાંખ કૈં ફફડી હતી

– યોગેશ જોષી

ચેતનાની ક્ષણનું છ અલગ અલગ રીતે વર્ણન.

મને તો છેલ્લેથી બીજા શેરનું વર્ણન  સૌથી વધારે ગમ્યું. તમને કયું વર્ણન વધારે ગમ્યું ?

6 Comments »

  1. Pancham Shukla said,

    February 8, 2012 @ 5:42 AM

    એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી – વાહ.

  2. PUSHPAKANT TALATI said,

    February 8, 2012 @ 6:15 AM

    અહો ! આશ્ચર્યમ – આશ્ચર્યમ !! !!! !! !
    – પાણીને સ્પર્શ્યા વગર પકડાતી માછલી ;
    – નભ ને બદલે નાભિ માં ચમકતી તારલી ;
    – ઝળહળતા સુર્યો; અને તે પણ પાછા શિતળ ;
    – તજતરસી (તજ, લવિંગ, ઈલાયચી વિગેરે સ્વાદની તરસી)ને બદલે તેજ ની તરસી જીભ ;
    – વિજળીના ઝબકારાની ક્ષણને અટકાવી તે વડે ઉકેલાતું અંધાર નું આખેઆખું આભ ;
    -છાતીમાં ભભકી ઊઠતા સાત-સાત અગ્નિ ;
    – અને તે ઉપરાંત જાળમાં પકડાતી પાણી ની લહેર ;
    -અને છેલ્લે અંતે પોતાના રોમેરોમ ની પાંખ ફફડાવી અચાનક તથા એકાએક અનાયાસે જ કરેલી ઊંચિ ઉડાન . ……
    વાહ !! ખરેખર અદભુત. અદભુત અને અદભુત …..
    સુંદરમ જ નહી પણ સત્યમ અને શિવમ પણ.
    અ ભિ નં દ ન .

  3. Devika Dhruva said,

    February 8, 2012 @ 7:55 AM

    એકે એક શેર લાજવાબ છે..મને સૌથી વધારે ગમ્યો બીજો શેર.

  4. P Shah said,

    February 9, 2012 @ 1:37 AM

    એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી-

    એનો ઝબકારો આખી ગઝલમાં અનુભવાય છે. અભિનંદન !

  5. Joshi said,

    February 9, 2012 @ 6:37 AM

    Excellent. I want to collect all comments on this – starting with P. Talati ( Thanks Talatiji for explaining).

  6. pragnaju said,

    February 14, 2012 @ 12:42 AM

    આંખ મીંચું ને કમળની જેમ નભ આ ઊઘડે
    એક ઝીણી તારલી બસ નાભિમાં ઝબકી હતી

    મઝાનો શેર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment