પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મૃત્યુ – જયંત પાઠક

જે જાણે તે જાણેઃ
મૃત્યુ એટલે કાચબો
ધીમે ધીમે ચાલીને એ હંમેશાં
સસલાને હરાવે છે.

મૃત્યુ એટલે સોનાનું પતરું
એ કાટથી ખવાતું નથી;
લખેલા અક્ષર
કદી ભુંસાતા નથી.

મૃત્યુ એટલે ફૂલ પર
ગણગણતો ભમરો નહિ;
મૃત્યુ એટલે મધમાખી
મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું
ફૂટ્યા વગર એના ગર્ભને
પામી શકાતો નથી.

– જયંત પાઠક

મૃત્યુ વિશે વિશ્વમાં હજારો કવિતા લખાઈ હશે. અ કવિતાની જેમ જ દરેક કવિતા પોતાની રીતે વિશિષ્ટ હોવાની. જેના વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો. આ કવિતા ધીમે ધીમે વાંચો અને મૃત્યુનો અહેસાસ કરો…

7 Comments »

 1. rajul b said,

  July 12, 2012 @ 7:00 am

  વિવેકએ સાચું કહ્યું મ્રુત્યુ વિશે આપણે સીધું જાણી શકવાના જ નથી એના વિશે મનોરમ્ય કલ્પનાઓ કર્યે રાખ્યે જ છૂટકો..!!

  મ્રુત્યુ એટલે સાવ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતો કાચબો.. ક્યારેક એ જિંદગીને હરાવી દેશે એ સનાતન સત્ય છે..સોનાના પતરામાં અફરતા પ્રગટ થયેલી છે..જે જનમ્યું છે એનું મ્રુત્ય નિશ્ચિંત છે..
  વિધિના આ લેખ કદી મિથ્યા થવાના નથી..મધમાખીના કલ્પનમાં કવિએ એમની અતિમંદ કાર્યપધ્ધતિનો નિર્દેશ કરેલ છે..મ્રુત્યુ પણ એટ્લી મંદ ગતિથી આવે છે કે, ગતિવિહિનતા..સ્થિર હોવાનો ભાસ થાય..એવા ભ્રમમાં રાચતા થઈ જઈએ કે એ આપણા સુધી જાણે કદી પહોંચવાનો જ નથી..!!
  આ ગુઢ, રહસ્યમયી ઘટનાનાં રહસ્યને પામવું હોય તો એનો સાક્ષાત્કાર કરવો પડે..કારણ ઈંડુ ફુટે ત્યારેજ અંદર ના ગર્ભને પામી શકાય છે..

  શ્રી રમેશ પારેખ એ મ્રુત્યુ વિશે કહ્યું છે..

  સાવ અંગત છે છતાં ઓળખી શકાતું નથી
  મરણ સમુદ્ર છે એને મથી સકાતું નથી..

 2. VINOD PATEL said,

  July 12, 2012 @ 12:49 pm

  મોત-મૃત્યું ઉપર મનન એ જીવન ઉપરના ચિંતન જેટલું જ જરૂરી છતાં માણસ મોત ઉપર મનન કરવાને

  બદલે આ વિષયને ટાળતો હોય છે.

  મારા બ્લોગમાં તા-૯-૧૦-૨૦૧૧ની પોસ્ટ- મરણનું સ્મરણ ,એક ચિંતન લેખ -માં શરૂઆતના જ પેરેગ્રાફમાં

  મે આ પ્રમાણે જણાવ્યું છે.

  મરણનું સ્મરણ

  મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા,
  યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર
  શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .
  દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના
  બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .
  માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે
  જોશ મલીદાબાદીનો એક શેર છે:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

  આખો લેખ વાંચવાનો સમય,ધીરજ અને ઈરાદો હોય એ વાચકો નીચેની લીંક ઉપર વાંચી શકશે.

  http://vinodvihar75.wordpress.com/2011/09/10/

  આભાર.

 3. pragnaju said,

  July 12, 2012 @ 12:56 pm

  વારંવાર પઠન બાદ પણ એટલું જ ગૂઢ દર્શન..વિવેક અને રાજુલનો પણ સુંદર આસ્વાદ

  મૃત્યુ એટલે ફૂલ પર
  ગણગણતો ભમરો નહિ;
  મૃત્યુ એટલે મધમાખી
  મૂંગીમૂંગી જે રચે મધપૂડો.

  અ દ ભૂ ત
  મૃત્યુ ખરેખર આકર્ષક છે, મહાન,દિવ્ય, પ્રભાવી છે. માણસ જીવતાંજીવ આ સૃષ્ટિનો અનુભવ નથી કરી શકતો પણ મોત એને સમષ્ટિ સાથે એકરૂપ થવાની તક આપે છે.ત્યારે થોડા સમયમાં જ અમારી ઊંમરના ચાર હોસ પીસ મરણ જોયા.એક બાજુ અવેદન આનંદપૂર્વક મોત તો બીજી બાજુ અકુદરતી ! જીવન આપણી મરજીથી બહુ જ ઓછુ ચાલે છે, પણ મૌત ને આપણે હુકમ આપી શકીએ છીએ. જે માણસ પોતાની ઇચ્છાથી – ખુશી થી મરી જઈ શકે છે એ સાચા અર્થમાં નીડર. સૃષ્ટિના સ્થાપિત નિયમોને તોડી નાંખીને , વહેલું મૌત વહોરી લેવું એ કુદરતની સામેનો વિદ્રોહ લાગે પણ વિકસાવેલી જીંદગી મૌતને સોંપવા હૌંસલા…હિંમત જોઇએ

 4. Sharad Shah said,

  July 12, 2012 @ 2:37 pm

  આ કાળનો પ્રવાહ વહે,
  જગત તેને સમય કહે,
  વિશ્વની સર્વે કૃતિમાં,
  આ કાળ છુપાયો રહે.
  અકળ કાળની ગતીમાં,
  સર્વ કાંઈ ધૂળમાં મળે.
  શાણા સમજી શાનમાં
  અકાળની યાત્રા ચહે.
  શરદ.
  તાકઃ કાળ સમયને પણ કહે છે અને મૃત્યુને પણ.

 5. Dhruti Modi said,

  July 12, 2012 @ 4:54 pm

  દરેક પ્રતિભાવ મનનીય છે. ઉપરોક્ત અછાંદસ પણ ઍટલું જ ચિત્રાત્મક છે.સરસ કાવ્યની સરસ સમીક્ષા.

 6. ધવલ શાહ said,

  July 12, 2012 @ 6:27 pm

  વાહ ! સચોટ ઉપમાઓ !

 7. Jawahar said,

  July 18, 2012 @ 8:08 am

  શરદભાઇ, ગતી ની સાચી જોડણી ગતિ થાય… દીર્ઘ અને હ્ર્સ્વ અક્ળ છતાંયે ક્ળી શકાય તેવાં ઘટકો ગણાય… ગુસ્તાખી માફ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment