ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૩
ગયા વર્ષે મિત્રતાને લગતા શેરોની બે શૃંખલા ‘ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે” નામથી (ભાગ-૧, ભાગ-૨) રજૂ કરી હતી. ત્યારે આપણી અને આપણી પાડોશી ભાષાઓમાં પ્રાચીનકાળમાં દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો જેવા સ્વરૂપે કરાયેલા મિત્રતાનું શબ્દાંકન રજૂ કરવાની ઈચ્છા થઈ હતી. આપણા સાહિત્યના ભવ્ય ભૂતકાળને મિત્રતાની પરિભાષામાં આજે રજૂ કરું છું:
સબ સે ઊંચી પ્રેમસગાઈ એવું આપણે ત્યાં કહેવાયું છે. આ પ્રેમ કોઈપણ પ્રકારનો હોઈ શકે. બે સ્ત્રી-પુરુષ વચ્ચેનો પણ હોઈ શકે અને માબાપ અને સંતાનો વચ્ચેનો પણ હોઈ શકે, ભાઈ-બહેનો વચ્ચેનો પણ હોઈ શકે અને બે મિત્રો વચ્ચેનો પણ હોઈ શકે. બે અજાણ્યા મનુષ્ય વચ્ચેનો પ્રેમ તો એના પરિઘમાં આવી જ જાય, મનુષ્ય-પ્રાણીપક્ષીઓ તથા સજીવ-નિર્જીવનો પણ એમાં સમાસ થઈ જાય. ટૂંકમાં પ્રેમ એટલે સૃષ્ટિ સમસ્તને આવરી લેતું આકાશ. પ્રેમના હજાર પ્રકાર છે, પણ એમાં સૌથી પહેલું સ્થાન કોને મળે, કહો તો જરા.
અકબરના દરબારમાં એકવાર આ સવાલ ઊઠ્યો હતો. બધા જ દરબારીઓએ માતાના પોતાના સંતાનો માટેના પ્રેમને અવ્વલ ગણાવ્યો પણ બિરબલે કહ્યું હતું કે મનુષ્ય સૌથી વધુ પ્રેમ કેવળ પોતાની જાતને જ કરી શકે. અકબરે સાબિત કરવા કહ્યું ત્યારે બિરબલે એક ખાલી હોજમાં વાંદરી અને એના નવજાત શિશુને ઊતાર્યા. અને હોજમાં પાણી ભરાવવાનું શરૂ કરાવ્યું. હોજ ભરાતો ગયો એમ એમ વાંદરી બચ્ચાને બચાવવા ઉપર તરફ લેતી ગઈ. પહેલાં કમર પર, પછી છાતીએ ને પછી માથા પર. પાણી જ્યારે વાંદરીના નાકથી ઉપર જવા માંડ્યું ત્યારે બચ્ચાને નીચે નાખી એના પર પગ મૂકીને વાંદરી બહાર નીકળી ગઈ.
પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર;
પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર.
મનુષ્ય સ્વયંને સૌથી વધુ ચાહે છે. બીજા નંબરે કદાચ માતાનો નિજ સંતાનો માટેના પ્રેમને મૂકી શકાય પણ મારા મતે બે મિત્રો વચ્ચેનો પ્રેમ બધાથી ચડિયાતો ગણાય.
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય વધીને છે. કેમ? તો કે દોસ્તી ભગવાનને એનો મહેલ છોડીને બહાર આવવા મજબૂર કરી દે છે. દ્વારિકાના રાજમહેલમાં એશોઆરામથી રહેતા શ્રીકૃષ્ણને ખરો સંતોષ તો ગરીબ મિત્રની કેડે બાંધેલ મુઠ્ઠીભર તાંદુલના બૂકડા મારીને જ થાય છે. દોસ્તી સાચી હોય તો ભગવાન પખ પણ પખાળે અને દોસ્તી દિલથી કરી હોય તો ભરસભામાં ચીર પૂરીને લાજ લૂંટાતી પણ અટકાવે. એરિસ્ટોટલે દોસ્તીની વિભાવના દો જિસ્મ, એક જાન કહીને આપી હતી. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે એવો પેટારો જેમાં હાથ જેટલો ઊંડે નાંખો, એટલો વધુ ખજાનો સાંપડશે. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે ગાળ આપીને સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે.
ખાવા-પીવા ને ગપ્પાં મારવામાં સાથ આપે એવા શેરીમિત્રો અને તાળીમિત્રો તો અનેકાનેક મળી આવશે, પણ આપણાં સુખ-દુઃખ જેમની સાથે સહિયારી શકાય એવા મિત્રો તો લાખોમાં એક જ મળવાનો.
શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.
આજના ફેસબુકિયા અને વૉટ્સએપિયા મિત્રોને મિત્ર ગણી જીવતા લોકોએ ધડો લેવા જેવો ખરો. કારણ સાચો મિત્ર તો એ જ હોય જે દુઃખમાં સાથ દેવા આગળ આવે. મુશ્કેલીના સંઘાડે ઘસાયા પછી જ દોસ્ત હીરો છે કે કાચ એ સમજાય. વિપદા જેવું સુખ નથી એ કંઈ એમનેમ કહ્યું હશે? ફક્ત મિત્ર જ શા માટે, ધીરજ, ધર્મ, શત્રુ અને સ્ત્રી –આ તમામનું ખરું પારખું આપત્તિકાળમાં જ થાય. જૂઠાણાનાં શરબતના બદલે સચ્ચાઈનું ઝેર પીવડાવે, સત્યથી વાકેફ કરે એવા વિરલ મિત્ર ઓછા જ મળશે.
સજ્જન-મિલાપી બહોત હય, તાલીમિત્ર અનેક,
જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.
મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે, તો જ ચમક પરખાય.
વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;
બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.
ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપત્તિકાળ પરખીએ ચારી.
સકર પિલાવે જૂઠકી, ઐસે મિત્ર હજાર;
ઝેર પિલાવે સાચકો, સો વિરલા સંસાર.
મિત્ર વાળ જેવો હોવો ઘટે. વાળને ગમે એટલીવાર કેમ ન કાપો, એ ત્વચાનો સાથ ત્યજતા નથી. મિત્ર જુવારના ખેતર જેવો હોવો જોઈએ. માથું ધડથી અલગ કરી નાંખો તોય એ હેત રાખે છે, પેટ ભરે છે.
મિત્ર ઐસા કીજિયે જૈસે સિર કો બાલ,
કાટ કાટ કે કાટિયો, ફિર ભી તજે ન ખાલ.
મિત્ર એડા કીજિયે, જેડા જુવારી ખેત;
શિર કાટીને ધડ વઢાં, તોયે ન મેલે હેત.
જે માણસ તમારી નિંદા કરે છે એ મિત્ર સમાન છે. કારણ કે એની ટીકાઓ જ આપણને સચેત રહેતાં શીખવે છે-
નિંદા હમારી જો કરે, મિત્ર હમારા હોય;
સાબુ લેકે ગાંઠ કા, મૈલ હમારા ધોય.
કહેવતમાં કહ્યું છે કે ડાહ્યો દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટૉ. આ જ વાત લોકસાહિત્યના દુહામાં કહેવામાં આવી છે. એ જ રીતે કદરૂપી પણ કહ્યાગરી પત્ની કહ્યામાં ન રહેતી સુંદર પત્ની કરતાં લાખ દરજ્જે સારી કહેવાય. જે જમાનાની આ વાત છે એ જમાનામાં પત્ની પતિનું કહ્યું કારવતી હોય એ ઇચ્છનીય ગણાતું. મુખમેં રામ બગલમેં છૂરી જેવા સ્વાર્થી અને મૂર્ખ મિત્રની મિત્રતા જોખમકારી સિદ્ધ થઈ શકે. એ જ રીતે કપટી મિત્રથી પણ અંતર રાખવામાં જ ભલાઈ છે. એ તમારું અંતર વાંચી લઈ તમને માર્ગ બતાવવાનો ડોળ કરશે, પણ પાછળથી દગો દેશે. શરીર ઊજળું હોય પન મન મેલું હોય એવા બગલા જેવા મિત્ર કરતાં તો કાગડા જેવો મિત્ર સારો, જે અંદર-બહાર બધેથી એક જ રંગનો હોય.
દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
કદરૂપી પણ કહ્યાગરી, નહી રૂપાળી ચિત્ર.
મુખ મીઠાં, મનમાં કપટ, સ્વાર્થ લગી સગાઈ છે,
કદી જોખમકારી જીવને મૂર્ખની મિત્રાઈ છે.
કપટી મિત્ર ન કીજિયે, અંતર પેઠ બુધ લેત;
આગે રાહ બતાયકે, પીછે ધોખા દેત.
મન મૈલા તન ઉજલા, બગલા કપટી અંગ;
તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.
પાગડી યાને વફાદારી બદલે, વર્તન કે માર્ગ બદલી લે, વચન ન પાળે એવા લોકો સાથેની યારી ખુવારી સિવાય કશું લાવી ન શકે. આવા દોસ્તોના મુખ પર તો ધૂળ ફેંકવી જોઈએ, બદનામ થવા જોઈએ-
પાગ બદલ, બાંટા બદલ, વચન બદલ બેકુર;
યારી કર ખુવારી કરે, વાકે મુખ પર ધૂળ.
પ્રીત રીત બુઝે ન કછુ, મતલબમેં ભરપૂર,
દોસ્ત કહી દુશ્મન બને, વો મુખ ડારો ધૂળ.
જાતવાન લોકો સાથે જ મિત્રતા કે પ્રેમ થઈ શકે. કમજાત સાથે દોસ્તી કરવી એ રેતીની ભીંત બનાવવા જેવું છે-
પ્રીતિ અસીલસેં હોત હય, સબસેં નીભે ન પ્રીત;
કમજાતકી દોસ્તી, જ્યું બાલુકી ભીંત.
કેળું, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન;
એ સર્વે પાકાં ભલાં, કાચાં ના’વે કામ.
હરિ સમરે પાતક ઘટે, મિત્ર હરે નિજ પીર;
અરિ સમરેમેં તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર.
પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત;
પ્રીત ત્યાં પડદો કરે, તે દુશ્મનની રીત.
છેલ્લે સ્નેહરશ્મિના એક મુક્તકથી આજની વાત પૂરી કરીએ:
શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.


જય said,
April 15, 2007 @ 12:11 AM
ગિરધરલાલ મુખીનું મુક્તક
મળે જો માર્ગમાં તો સત્ય બોલી વાત કરવી છે
હદય નાચી ઊઠે એવી વાત કરવી છે
અમારી વાત પર છો ને ‘મુખી’વિશ્વાસ ના ધરતા
અમારે તો હ્રદયના દ્વાર ખોલી વાત કરવી છે
સાચી મિત્રતા કેળવવા માટે સાચી વાત કરવાની તાલાવેલી અને તે પણ હ્રદય ના દ્વાર ખોલી ને..કેટલી સાચી વાત! જય
ધવલ said,
April 15, 2007 @ 10:47 PM
ઉત્તમ સંકલન !
Suresh said,
April 16, 2007 @ 6:44 AM
અભિનન્દન..આમ જ પીરસતા રહો.
સુરેશ
Dilip Patel said,
April 16, 2007 @ 11:19 PM
મિત્ર વિવેક, તમે તો મજેદાર મિત્રમંડળ ભેગું કરીને મુક્તક, દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો, વગેરે વાનગીઓ મિજબાનીમાં પીરસી રહ્યાં છો. અભિનંદન.
Jina said,
April 23, 2007 @ 5:53 AM
અદભૂત!!!
મિત્ર એટલે? « સહિયારું સર્જન - પદ્ય said,
August 3, 2007 @ 6:54 PM
[…] લયસ્તરો ઉપર મિત્ર વિવેકે સરસ મજાનાં ત્રણ સંકલનો મિત્ર અને મિત્રતા ઉપર મૂક્યા છે એ જરૂર વાંચજો મિત્રો… […]
લયસ્તરો – Layastaro.com » ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪ said,
September 13, 2025 @ 12:06 PM
[…] ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી […]