પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

ખેતી – ચંદ્રવદન મહેતા

‘ઈલા ! કદી હોય સદા રજા જો,
મૂકું ન આ ખેતરની મજા તો;
જો સ્વર્ગથી આંહી સર્યું સુવર્ણ,
એથી થયાં શોભિત ઘાસ પર્ણ.

આવે મજેને કુમળે પ્રભાત,
વ્હેલાં જવું ખેતરમાંહી સાથ,
ને ન્યાળવા નિર્મળ દિવ્ય રંગ;
હૈયા મહીં માય નહિ ઉમંગ.

જો ખેતરો ડાંગર શેલડીના,
વેલા વીંટેલા ફૂલવેલડીના,
એમાં ઢળે આ મૃદુ તેજધાર,
શોભા અહીં ખેતરની અપાર.

હું તો કરું બ્હેન સદા ય ખેતી
કાને ધરું ના જરી લોકકે’તી,
વાવી લણું તો ધનધાન્ય સ્હેલ,
જો ને પછી થાઉં ધનો પટેલ.’

‘હો હો, તું જો થાય ક ની પટેલ,
તો એક રૂડી નકી માગું વ્હેલ;
ને શેલડી ડાંગર જો ઉગાડે,
તો હું ય વાવું વળી તે જ દા’ડે.

ને શેલડીનો રસ પીલી કાઢું,
ને હું જ પ્હેલાં મુજ કો’લુ માંડું;
ને ગોળ મીઠો જરીમાં બનાવું,
એ સાથ ધાણા ઘર વ્હેચડાવું.

બે છોડ હું ડાંગરના ઉગાડું,
ને એ લણી ભાત પછી ય ખાંડું,
ને રોજ વ્હેલા ઊગતે પ્રભાત,
તારે કપાળ વળી ચોડું ભાત.

ને સૂર્ય શાં ભાવિ ઊજાળનારાં
ઓવારણાં રોજ લઉં હું તારાં;
ને રોજ હું તો ઊજવું ઉજાણી,
એથી વધારે-નહિ ભાઈ જાણી.’

– ચંદ્રવદન મહેતા

ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો  ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી.

હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.

પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર,  ધ્વનિમાત્ર,  શબ્દમાત્ર…

આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.)

3 Comments »

 1. સુરેશ said,

  March 27, 2007 @ 12:54 pm

  શાળાના દિવસો યાદ આવી ગયા. એકઢાળા વિચારોવાળી કવિતાઓની વચ્ચે સરસ મજાની હવાની લહેરખી મળી.
  હું ભૂલતો ન હોઉં તો છંદ ઇન્દ્રવજ્રા છે.

 2. Harshad Jangla said,

  March 27, 2007 @ 9:55 pm

  સુરેશભાઈ
  ઇન્દ્રવજ્રા છંદ નામ પહેલી વાર સાંભળ્યુ, એના વિષે કંઈ કહેશો?
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

 3. સિદ્ધાર્થ said,

  March 31, 2007 @ 10:46 pm

  ધવલ,

  સરસ મજાનું કાવ્ય…

  ગ્રામ્યજીવન, ખેતી, ભાઈ-બેન વચ્ચેનો પ્રેમ અને સરળ શબ્દો…

  ખરેખર મજા આવી ગઈ.

  સિદ્ધાર્થ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment