સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

દેવ બન્યા તે પહેલાં… – મનીષા જોષી

આપણા સૌની સામાજીક ચેતનાના ઢગલા પર બેઠેલાં
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયા હું જોઈ રહું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા, સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતાં,
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા તેના ચાર પગ પર ચડવા જતાં
કેટલીય વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે,
પણ હું ક્યારેય તેમાંથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે,
રસ્તા પર રઝળતાં, નધણિયાતાં પ્રાણીઓ અને
ઉત્સવપ્રિય લોકોના ટોળેટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો હોય છે,
કેટલાયે, જાણીતા અને ઓછા જાણીતા ભગવાન.
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત.
દેવ બન્યા પહેલાંના અવતારમાં.
વરદાન આપતા શીખ્યા પહેલાંના રૂપમાં.
માત્ર બે હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી-પત્તા રમતા.

-  મનિષા જોષી

મંદિરમાં ખરા ઈશ્વરને શોધવો એ પોતેજ એક વિરોધાભાસ છે. મંદિરના દેવ એ તો માણસે ચિતરેલા દેવ છે – માણસનું જ પ્રતિબિંબ. એ માણસ જેટલા જ અપૂર્ણ હોવાના. કવિને મંદિરમાંથી સ્વર્ગનો રસ્તો મળતો નથી. અને નથી રૂઢિગત પાપ-પુણ્યના બીબાંથી એ પોતાની જીંદગી માપી શકતા.  આ બધી રાબેતા મુજબની વાતો છે. પણ ચમત્કૃતિ તો કવિ નંદી પર બેસીને ઊચે ઊડે છે ત્યારે આવે છે.  એમને દેખાય છે  – દેવ બન્યા પહેલાના દેવો. અને દેવ બન્યા પહેલાના દેવો કેવા દેખાય છે ? – તદ્દન માણસ જેવા ! 

હવે એનો અર્થ એવો થાય કે – માણસ જ જ્ઞાની થઈને દેવ બને છે … કે પછી એનો અર્થ થાય કે, દેવતાઓ બધા આખરે તો માણસ જ હોય છે – એ નક્કી કરવાનું  હું તો તમારા પર છોડું છું – અત્યારે તો મારે તો ઊડી શકે એવા નંદીની શોધમાં નીકળવું છે 🙂

5 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  July 18, 2011 @ 4:35 am

  અનુમાન કે કલ્પનાથી ન કહેતા શાસ્ત્રની રીતે વાત કરીએ તોઃ

  મનુષ્ય પાસે ૩ વિકલ્પો છેઃ
  ૧. દેવ બનવાનો
  ૨. મનુષ્ય રહેવાનો
  ૩. પશુ / કીટ-પતંગ / પક્ષી કે વનસ્પતિ થવાનો

  મનુષ્ય કેવો પુરુષાર્થ કરે છે અને અંતઃકરણ કેવું રાખે છે તેના પર બધો આધાર છે.

  શુદ્ધ સાત્વિક અંતઃકરણ વાળો દેવ બનશે, રજોગુણી મનુષ્ય રહેશે અને તમોગુણી નીમ્ન યોનીમાં જશે. આ ઉપરાંત જ્ઞાનની પરમ અવસ્થાએ અંતઃકરણની ઉપાધીને પણ ઉલ્લંઘીને તે ત્રીગુણાતીત થાય તો મુક્ત થઈ શકે – એટલે કે પુનર્જન્મ લેવાની જરૂર નહિં.

  જ્ઞાનદેવે ઓટલાને ઉડાડ્યો હતો – નંદીને ઉડાડવા માટે મહેનત કરો – કદાચ એવો નદી મળી આવે 🙂

 2. Haresh said,

  July 18, 2011 @ 7:22 am

  સરસ

 3. Rina said,

  July 18, 2011 @ 7:58 am

  grt,,,,,

 4. DHRUTI MODI said,

  July 18, 2011 @ 3:50 pm

  જ્ઞાનથી ભર્યૂ ભર્યૂ ગીત.

 5. Maheshchandra Naik said,

  July 24, 2011 @ 6:03 pm

  દેવી દેવતાઓ વિષે વાસ્તવિકતા રજુ કરતુ કાવ્ય……………………..આભાર………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment