અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

પ્રશ્નોપનિષદ – ગુણવંત શાહ

લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

– ગુણવંત શાહ

ગુજરાતી ભાષાના અગ્રણી નિબંધકાર ગુણવંત શાહે થોડી કવિતાઓ પણ લખેલી. ‘વિસ્મયનું પરોઢ’ એમનો સંગ્રહ. આ નાની સરખી કવિતામાં એ સર્જનની પ્રક્રિયા પોતાના અંદાજમાં સમજાવે છે.

5 Comments »

  1. સુરેશ જાની said,

    February 28, 2007 @ 8:02 AM

    વૃક્ષને કલરવ ફૂટે એમ
    મૌનને ફૂટે છે શબ્દ
    વાહ ! આ જ અંતરની વાણી, શબ્દ વિહીન – માત્ર ભાવ જગતની વાણી

  2. Jugalkishor said,

    February 28, 2007 @ 12:43 PM

    આંગળીને ટેરવે ફૂટે છે શબ્દો–
    શબ્દોને સહારે છૂટે છે અનંત ;
    અનંત આવી આવીને કહી જાય છે કાનમાં
    હજી તો આરંભાયાની કથા !
    —જુગલકિશોર.
    (એકદમ આ આવી તો ગયુઁ પણ સઁમાર્જન કરવુઁ પડશે.)

  3. UrmiSaagar said,

    February 28, 2007 @ 10:22 PM

    ખુબ મજા આવી ગઇ… મસ્ત લખ્યું છે!!
    ગુણવંતભાઇ શાહનું ‘ઢાઇ અક્ષર પ્રેમ કા’ મારું પ્રિય પુસ્તક છે!

  4. Pravina Avinash Kadakia said,

    March 1, 2007 @ 3:28 PM

    આંબા ડાળે કોયલ ટહૂકે
    હ્રદય દ્વારે ગીત ગુંજે

  5. Pinki said,

    August 23, 2007 @ 2:19 PM

    ‘વૃક્ષને કલરવ ફૂટે એમ
    મૌનને ફૂટે છે શબ્દ
    ને ત્યારે
    કવિ અને ઈશ્વર વચ્ચે
    માંડ એક વેંતનું છેટું હોય છે.’

    એક વેંતનું છેટું –
    અરે, એનો જ હાથ હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment